મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં કોલ્ડરિફ કફ સિરપ પીવાથી 11 બાળકોના મોત થયા બાદ રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. સરકારએ તરત જ કાર્યવાહી કરતાં દવા બનાવનારી શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ કંપનીના તમામ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે અને કફ સિરપ લખનાર ડોક્ટરની ધરપકડ કરી છે.
છિંદવાડા જિલ્લામાં 11 બાળકોના મોત પછી કોલ્ડરિફ કફ સિરપને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. તપાસમાં જાણવા મળ્યું કે સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલનું પ્રમાણ 48.6 ટકા હતું. જે હકીકતમાં માત્ર 0.1 ટકા હોવું જોઈએ. આ જ ઝેરી તત્વના કારણે બાળકોના કિડની પર ગંભીર અસર થઈ હતી.
પોલીસે આ સિરપ લખનાર પારસિયા વિસ્તારના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. પ્રવીણ સોનીની ધરપકડ કરી છે. તેઓ સરકારી ડોક્ટર હોવા છતાં પોતાનું ખાનગી ક્લિનિક ચલાવતા હતા અને પોતાના દર્દી બાળકોને કોલ્ડરિફ કફ સિરપ લખી આપતા હતા. એફઆઈઆર બીએમઓ ડૉ. અંકિત સહલમની ફરિયાદના આધારે નોંધાઈ છે.
પીડિત પરિવારોના જણાવ્યા મુજબ બાળકોને સામાન્ય શરદી અને તાવ હતો. ડૉક્ટર દ્વારા લખાયેલી કફ સિરપ લીધા પછી તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. કેટલાક બાળકોને કિડનીમાં ચેપ લાગ્યો અને અંતે તેમનું મોત થયું.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવીને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સરકારએ આ સિરપ બનાવતી ફાર્મા કંપની શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ સામે કેસ દાખલ કર્યો છે અને કંપનીના તમામ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
તમિલનાડુના કાંચીપુરમ ખાતે આવેલી ફાર્માસ્યુટિકલ્સ કંપનીની હાલ તપાસ ચાલી રહી છે. કોલ્ડરિફ કફ સિરપને ચેન્નાઈની ડ્રગ ટેસ્ટિંગ લેબમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તે “હલકી ગુણવત્તાનું” હોવાનું નિશ્ચિત થયું.
હાલ મધ્યપ્રદેશ ઉપરાંત દિલ્લી, કેરળ, ઉત્તરપ્રદેશ અને તમિલનાડુમાં પણ કોલ્ડરિફ કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નાગપુરમાં હાલ ઘણા બાળકો વેન્ટિલેટર પર છે.
પોલીસે ભારતીય દંડ સંહિતા હેઠળ “ડ્રગ્સની ભેળસેળ” અને “હત્યા ન ગણાતા ગુનાહિત હત્યા” જેવી ગંભીર કલમો લગાવી છે. જો દોષ સાબિત થશે તો આરોપીઓને આજીવન કેદની સજા થઈ શકે છે.