Gujarat

​ગુજરાત ATSની મોટી કાર્યવાહી, ઉત્તર પ્રદેશમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરી પર્દાફાશ, કરોડોનું મેફેડ્રોન જપ્ત થયું

​અમદાવાદ,તા.18

​ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ નશીલા પદાર્થો વિરુદ્ધની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાં ચાલતી એક ગેરકાયદેસર ડ્રગ્સ લેબોરેટરીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ગુજરાત ATS એ યુપી પોલીસના સહયોગથી કરોડોની કિંમતનું મેફેડ્રોન (MD Drugs) અને તેને બનાવવાનો કાચો માલ જપ્ત કર્યો છે.

અમદાવાદથી શરૂ થઈ તપાસની કડી

​આ સમગ્ર કેસની શરૂઆત માર્ચ મહિનાની શરૂઆતમાં થઈ હતી જ્યારે ગુજરાત ATS એ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી ૪.૬ ગ્રામ મેફેડ્રોન સાથે શફાતઅહેમદ ઉર્ફે ચાંદ નામના શખ્સની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં અન્ય બે આરોપીઓ, સોહિલ ઉર્ફે ભુરા અને ફરહાન ઉર્ફે ભુરાના નામ ખુલ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્સનો જથ્થો પંકજ અને કપિલ નામના શખ્સો પાસેથી મેળવવામાં આવ્યો હતો.

​૧૨ દિવસનું સઘન ઓપરેશન અને દરોડા

​ATS ની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા માલુમ પડ્યું કે આ નેટવર્કના તાર ઉત્તર પ્રદેશના આંબેડકરનગર સાથે જોડાયેલા છે. નાયબ પોલીસ અધીક્ષક એસ.એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ ટીમ ૧૨ દિવસ સુધી ઉત્તર પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં વોચમાં હતી.
​આખરે, રામનગર કરૈ ગામની સીમમાં આવેલા એક મરઘા ફાર્મના પતરાના શેડમાં રેઈડ કરતા ત્યાં કાર્યરત હાલતમાં મેફેડ્રોન બનાવતી ફેક્ટરી મળી આવી હતી.

​શું શું જપ્ત કરવામાં આવ્યું ?

​પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો જથ્થો કબજે કર્યો છે

  • ​૦૬ કિલો તૈયાર મેફેડ્રોન (પ્રતિબંધિત ડ્રગ્સ)
  • ​૫૦ કિલો લિક્વિડ મેફેડ્રોન
  • ​૮૮ કિલો 2-બ્રોમો-4-મેથાઇલ પ્રોપિઓફેનોન (જેને હાલમાં જ સરકારે પ્રતિબંધિત જાહેર કર્યું છે)
  • ​૨૦૦ કિલો અન્ય રો-મટીરિયલ અને કેમિકલ્સ

​બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ

​પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે:

  • ​કપીલદેવ ચેદીલાલ શર્મા (ઉં.વ. ૩૧) – રહે. ચુરવનપુર, ઉત્તર પ્રદેશ
  • ​રામશંકર ઉર્ફે પંકજ પરશુરામ (ઉં.વ. ૩૦) – રહે. ચુરવનપુર, ઉત્તર પ્રદેશ
    ​આ બંને શખ્સો પતરાના શેડમાં છુપાઈને ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવવાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. હાલમાં ગુજરાત ATS એ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top