બિહારમાં મતદાર યાદી અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્યની મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવેલા 65 લાખ નામોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી હવે દરેક જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જેથી સામાન્ય લોકો તેને જોઈ શકે.
સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે બિહાર મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમ્યાન જે નામો દૂર કરવામાં આવ્યા છે તેની વિગતો જાહેર કરવી જોઈએ. આ આદેશ બાદ ચૂંટણી પંચે યાદી જાહેર કરી છે.
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદાર યાદી બનાવવાની સમગ્ર પ્રક્રિયા કાયદામાં નક્કી થયેલા નિયમો અનુસાર બહુ-સ્તરીય અને પારદર્શક છે. મતદાર યાદી તૈયાર કરવાની જવાબદારી ચૂંટણી નોંધણી અધિકારીઓ (ERO) અને બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર હોય છે. આ અધિકારીઓ SDM સ્તરના હોય છે અને મતદાર યાદીની ચોકસાઈ માટે સીધી રીતે જવાબદાર છે.
ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર થયા બાદ તેની નકલ રાજકીય પક્ષો સાથે વહેંચવામાં આવે છે. સાથે જ તેને ચૂંટણી પંચની વેબસાઇટ પર પણ મૂકવામાં આવે છે જેથી સામાન્ય લોકો પણ તેને જોઈ શકે છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે પ્રક્રિયામાં કોઈ છુપાવાનું નથી.
દાવાઓ અને વાંધાઓ માટે સમય
મુખ્ય ચૂંટણી કમિશનર મુજબ, બિહારમાં ડ્રાફ્ટ મતદાર યાદી તા.1 ઓગસ્ટે પ્રકાશિત કરવામાં આવી હતી. હવે તા.1 સપ્ટેમ્બર સુધી કોઈપણ વ્યક્તિ અથવા રાજકીય પક્ષ દાવાઓ અને વાંધાઓ નોંધાવી શકે છે. આ સમયગાળા દરમિયાન પાત્ર નાગરિકોનું નામ ઉમેરવા અથવા અયોગ્ય નામ દૂર કરવાની માંગ કરી શકાય છે. આથી અંતિમ યાદીમાં ભૂલો સુધારી શકાય.
ખોટી માહિતીથી સાવધાન
ચૂંટણી પંચે ચેતવણી આપી છે કે કેટલાક પક્ષો આ પ્રક્રિયા અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે લોકો અફવાઓ પર વિશ્વાસ ન કરે અને સાચી માહિતી માટે સત્તાવાર સ્ત્રોતોનો સહારો લેવો જોઈએ.
આ રીતે બિહારમાં મતદાર યાદીની શુદ્ધતા જાળવવા ચૂંટણી પંચ સતત કામ કરી રહ્યો છે અને દરેક પગલું કાયદેસર તથા પારદર્શક રીતે ભરાઈ રહ્યું છે.