મહિલા ત્રણ સંતાનો સાથે વાહન સામે દોડી, ટ્રાફિક પોલીસની સતર્કતાથી ચાર જીવ બચ્યા
સુરત જિલ્લાના નેશનલ હાઈવે નંબર-48 પર કામરેજ નજીક યુસુફકારા પેટ્રોલ પંપ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પારિવારિક કલહથી કંટાળેલી એક મહિલા પોતાના ત્રણ બાળકો સાથે જીવલેણ પગલું ભરવા હાઈવે પર દોડી હતી, પરંતુ સુરત ગ્રામ્ય ટ્રાફિક પોલીસની સમયસૂચકતા અને બહાદુરીથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, આ ઘટના બપોરે આશરે 2:30 વાગ્યાના અરસામાં બની હતી. હાઈવે પર સામાન્ય ટ્રાફિક ચાલુ હતો ત્યારે અચાનક એક મહિલા ગોદમાં એક બાળક લઈને દોડી આવી હતી, જ્યારે અન્ય બે બાળકો તેની પાછળ હતાં. આ દ્રશ્ય જોયા બાદ ટ્રાફિક મોબાઈલ પર પેટ્રોલિંગમાં રહેલા સ્ટાફે તરત જ સતર્કતા દાખવી હતી.
ટ્રાફિક વિભાગના હેડ કોન્સ્ટેબલ વિપુલ નારસિંગ સહિતના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી પૂરપાટ ઝડપે આવતા વાહનોને ઈશારા કરીને રોક્યા અને જીવના જોખમે મહિલા તથા બાળકોને સલામત રીતે રોડ પરથી દૂર લઈ ગયા. ટ્રાફિક પોલીસની આ ઝડપી કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે, તે લાંબા સમયથી પારિવારિક ઝઘડા અને ઘરકંકાસથી પરેશાન હતી. આ માનસિક તણાવને કારણે તેણે પોતાના ત્રણ બાળકો સાથે જીવન ટૂંકાવવાનો ખતરનાક નિર્ણય લીધો હતો.
મહિલાના આ નિવેદનથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. : ઘટના બાદ મહિલાને ટ્રાફિક ઓફિસ ખાતે લાવવામાં આવી હતી, જ્યાં ટ્રાફિક પી.એસ.આઈ. આઈ.એ. સિસોદિયાએ મહિલા પોલીસની હાજરીમાં તેને આશ્વાસન આપ્યું હતું. વધુ કાઉન્સેલિંગ અને કાયદેસરની કાર્યવાહી માટે મહિલાને કામરેજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.
સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ હાઈવે પર અકસ્માતો રોકવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. આ ઘટના એ વાતનું જીવંત ઉદાહરણ છે કે ટ્રાફિક પોલીસની સતર્કતા અને ઝડપી પ્રતિભાવના કારણે ચાર નિર્દોષ જીવ બચી ગયા.