સુરતના વરાછા વિસ્તારમાં આજ રોજ તા.19 નવેમ્બર બુધવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. વરાછા વિસ્તારની અંકુર સોસાયટી પાસે આવેલી દિવાળીબા ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઈડરી મશીન ઉતારવામાં આવી રહ્યું હતું ત્યારે એક ભારેખમ ક્રેન અચાનક રોડની સાઈડમાં ખોદાયેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
એમ્બ્રોઈડરી મશીન ઉતારવાની કામગીરી માટે ખાસ મોટી ક્રેન બોલાવવામાં આવી હતી. મશીનને નીચે ઉતારવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ઇન્ડસ્ટ્રીઝના એક ભાગની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ. દીવાલ ધરાશાયી થતા જ એક બાજુથી ક્રેનનો સપોર્ટ તૂટી ગયો અને તેનું બેલેન્સ બગડી ગયું. બેલેન્સ ગુમાવતા ક્રેન સીધી જ બાજુમાં બનેલા બાંધકામ માટેના ઊંડા ખાડામાં ખાબકી પડી. ખાડો ખૂબ ઊંડો હોવાને કારણે ક્રેન લગભગ સંપૂર્ણ અંદર સુધી ઉતરી ગઈ હતી.
આ દુઘટનામાં સૌથી મોટી રાહત એ રહી કે ક્રેન ચાલકે કૂદી જઈ પોતાનો જીવ બચાવી લીધો હતો. ઘટના બાદ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ અને સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા. ક્રેનને ખાડામાંથી બહાર કાઢવા મોટી મશીનરીની મદદ લેવાઈ રહી છે.
આ દુર્ઘટના બાદ આસપાસના વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી અને લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ભેગા થયા હતા. સ્થાનિકોએ જણાવ્યું કે કન્સ્ટ્રક્શન સાઇટ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા નહોતી. જોકે ઘટનાની જાણ થતા જ પોલીસ અને સુરક્ષાદળોની ટીમ ત્યાં આવી પોહચી હતી. હાલ ઘટનાની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેની તપાસ પણ કરવામાં આવશે.