તમિલનાડુના રાનીપેટ જિલ્લાના ચિત્તેરી રેલ્વે સ્ટેશન નજીક આજ રોજ શનિવારે વહેલી સવારે એક મેમુ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં અંધા ધૂંધીનો માહોલ સર્જાયો હતો. અરક્કોનમથી કટપડી જતી 66057 નંબરની પેસેન્જર ટ્રેન સ્ટેશનથી થોડા અંતરે જ હતી ત્યારે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. સદ્દનસીબે આ અકસ્માતમાં જાનહાનિની ઘટના બની નથી તે રાહતની વાત છે.
પ્રારંભિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે પાટા તૂટી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. રેલવે અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક બચાવ અને સમારકામની કામગીરી શરૂ કરી છે. દક્ષિણ રેલ્વેના અધિકારીઓ ટ્રેકની તપાસમાં લાગી ગઈ છે.
પ્રત્યક્ષદર્શીઓ મુજબ, ટ્રેન દોડતી હતી ત્યારે અચાનક એક મોટો અવાજ આવ્યો અને ટ્રેન ધીમે પડી ગઈ. ટ્રેનના પાઇલટે તાત્કાલિક બ્રેક લગાવીને વધુ ગંભીર નુકસાન થતું અટકાવ્યું. મુસાફરોમાં થોડો ગભરાટ ફેલાયો હતો, પરંતુ ટૂંક સમયમાં તેમને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા.
ઘટનાસ્થળેથી મળેલી તસવીરોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે રેલવે ટ્રેકનો એક મોટો ભાગ તૂટી ગયો હતો. આ તૂટેલો ભાગ જ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોવાનું અનુમાન છે. અધિકારીઓ ટ્રેકના તૂટેલા હિસ્સાનું મૂલ્યાંકન કરી રહ્યા છે તથા સમારકામ ચાલી રહ્યું છે.
દક્ષિણ રેલ્વે તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પડ્યું નથી કે ટ્રેન સેવાઓ ક્યારે પુનઃચાલુ થશે અથવા દુર્ઘટનાનો સંપૂર્ણ કારણ શું છે. આટલી મોટા અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હોઈ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
અગાઉ આ જ વિસ્તારમાં 2011માં બે ટ્રેનો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં 11 લોકોના મોત થયા હતા અને 70થી વધુ ઘાયલ થયા હતા. હવે 13 વર્ષ પછી ફરી એકવાર ચિત્તેરી રેલ્વે સ્ટેશન પાસે આ પ્રકારની ઘટના સર્જાતા રેલ્વેની સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ ફરીથી પ્રશ્નો ઉભા થયા છે.
હાલમાં સ્થળ પર રેલવે સ્ટાફ અને ઇમરજન્સી ટીમો સક્રિય છે અને ટ્રેન ટ્રાફિકને પાછો નિયમિત કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. મુસાફરોને હાલ તાત્કાલિક રાહત આપવામાં આવી છે અને આગામી માહિતી માટે દક્ષિણ રેલ્વેની જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે.