જૂનાગઢ: જૂનાગઢના (Junagadh) ગિરનારની (Girnar) તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ ભગવાનનું ખુબ પ્રાચીન મંદિર આવેલું છે. મંદિરના સ્વયંભુ શિવલીંગની પૃષ્ઠભૂમિ અદભુત(નિસર્ગ) ખૂબ જ પ્રખ્યાત છે. તેમજ દર વર્ષે અહીં ગુજરાતનો (Gujarat) સૌથી પ્રખ્યાત અને ભવ્ય મહાશિવરાત્રીનો (Mahashivratri) મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ અહીં મેળાનું (Fair) આયોજન કરવામાં આવ્યું જેમાં મહાશિવરાત્રીના આગલા દિવસે એટલેકે આજથી જ મેળાનો રંગ જામ્યો છે.
આવતીકાલે શિવરાત્રી છે. તેમજ જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીના એક દિવસ પહેલાં જ મેળો રંગે ચંગે જામ્યો છે. લાખોની સંખ્યામાં ભાવિકોની ભીડ મેળામાં ઊમટી પડી છે. તેમજ હર હર મહાદેવના નાદ સાથે સાધુ-સંતો અને નાગાબાવાઓએ ધૂણી ધખાવી છે. અહીં ભજન, ભોજન અને ભક્તિના રંગ માણવા ઠર ઠરથી લોકો ઉમટ્યા છે. આ સાથે જ આવતી કાલે મૃગીકુંડમાં સ્નાનનું પણ ખૂબ જ મહત્વ છે.
આવતી કાલે મેળામાં આવનાર ભાવિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા ખાસ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ 24 કલાક ખડે પગે રહી પોલીસ દ્વારા શિવરાત્રી મેળામાં નજર રાખવામાં આવી રહી છે. આ વખતે દર વખતની જેમ પોલીસ કર્મચારીઓ ગુનાઓને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગઇકાલે ભવનાથ પહોંચવા માટે લોકો મોટી સંખ્યામાં પોતાના સ્થાનોથી નીકળ્યા હતા. જેના કારણે ભરડા વાવથી ભવનાથ પહોંચવા માટે લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. તેમજ લોકોએ પોતાના વાહનો પાર્ક કરી પગપાળા મેળામાં જવાની ફરજ પડી હતી. આ સાથે જ ભરડા વાવથી તમામ પ્રકારના પ્રાઇવેટ વાહનો રોકી દેવામાં આવ્યા હતા.
જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ કહ્યું…
ભવનાથના ભવ્ય મેળાના પોલીસ બંદોબસ્ત મામલે જૂનાગઢના ડિવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે દર વર્ષે શિવરાત્રી મેળામાં લાખો ભાવિકો આવતા હોય છે. ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા તમામ પ્રકારનાં આયોજન કરી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વર્ષે બે એસઆરપીની કંપની, 150 પોલીસ અધિકારીઓ સહિત 3,000થી વધુ પોલીસકર્મીઓ 24 કલાક ખડેપગે પોતાની ફરજ બજાવે છે.
મેળામાં સીસીટીવી 80થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સાથે જ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શિવરાત્રી મેળામાં પાંચ અલગ અલગ જગ્યા ઉપર એલાઉન્સમેન્ટ સિસ્ટમ પણ ગોઠવવામાં આવ્યાં છે. તેમજ મેળામાં સાત ઊંચા વોચ ટાવર લગાવવામાં આવ્યા છે.