પલસાણા: પલસાણા-કડોદરા પોલીસ (Police) પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રથી (Maharastra) એક ટ્રકમાં (Truck) વિદેશી દારૂનો (Alcohol) જથ્થો લઇ આવનાર છે અને જેઓ કડોદરા ચાર રસ્તા નજીક સુરતની એક ફોરવ્હીલ ગાડીને ડિલિવરી આપનાર છે. જેના આધારે કડોદરા પોલીસે વોચ ગોઠવી પોલીસે ૬ લાખથી વધુનો દારૂ તથા ટ્રક તેમજ ફોરવ્હીલ ગાડી મળી કુલ ૧૬ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા જીઆઇડીસી પોલીસમથકે ફરજ બજાવતા હે.કો. હરેશભાઇ ખુમાભાઇ તથા પો.કો. ભૌતિકભાઇ મહેન્દ્રભાઇને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રસ્થિત વસઇ ખાતે રહેતા ઇસમો પાસેથી સુરતના બુટલેગરોએ વિદેશી દારૂ મંગાવ્યો છે. જે દારૂનો જથ્થો ટ્રક નં.(જીજે ૨૪ વી A ૯૩૩૯)માં ભરી કડોદરા આવરનાર છે અને ત્યાં કડોદરા ચાર રસ્તા નજીક આવેલા જેજે કોમ્પ્લેક્સની સામે નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાર્ક કરી સુરતથી આવનાર સ્વિફ્ટ કાર નં.(જીજે ૦૫ સીએમ ૦૫૨૦)માં સપ્લાય કરવાના હોવાની બાતમીના આધારે કડોદરા પોલીસની ટીમે વોચ ગોઠવી બાતમીવાળી ટ્રક તેમજ સ્વિફ્ટ કાર કડોદરા જેજે કોમ્પ્લેક્સની સામે આવતા જ તેમને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા, જેમાંથી કડોદરા પોલીસે ૬,૫૦,૪૦૦ રૂપિયાનો દારૂ, ટ્રકની કિં.૭ લાખ રૂપિયા, સ્વિફ્ટ કારની કિંમત ૩ લાખ, મોબાઇલ ફોન નંગ-૩ કિં.૧૦,૫૦૦ તથા રોકડ ૬૩૦ રૂપિયા મળી કુલ ૧૬,૬૧,૫૩૦ રૂપિયાનો મુદ્દામાલ સાથે પોલીસે દીલાવર અયુબખાન સીપાહી (ઉં.વ.૨૯) (૨હે.,ખડિયાસણ, જિ.પાટણ), હસમુખ પ્રભુદાસ પટેલ (ઉં.વ.૫૩) (રહે., ખળી ગામ, તા.સિધ્ધપુર, જિ.પાટણ), ચંદ્રવલીસીંગ ક્રીષ્ન બહાદુરસીંગ ઠાકોર (ઉં.વ.૫૫) (રહે., શ્યામ કોમ્પ્લેક્સ, અમરોલી ચાર રસ્તા, સુરત શહેર) તથા મેહુલ જયકુમાર રાઠોડ (ઉં.વ.૨૫) (રહે., હિન્દુ મેધવાડ કોલોની, વસ્તાદેવડી રોડ, મહિધરપુરા, સુરત શહેર)ને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે રવિ રામક્રિપાલ શુક્લા (રહે., શાંતિનગર, બમરોલી રોડ, પાંડેસરા, સુરત શહેર) તથા શશીકાંત મીશ્રા (રહે., વસઇ, મુંબઇ)ને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.