National

મહારાષ્ટ્ર: ગયાવર્ષે PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલી શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી, બે વિરુદ્ધ FIR નોંધાઇ

નવી દિલ્હી: મહારાષ્ટ્રના (Maharashtra) સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજની (Shivaji Maharaj) 35 ફૂટ ઊંચી પ્રતિમા (Statue) સોમવારે તૂટી પડી હતી. આ એ જ પ્રતિમા છે કે જેનું ઉદ્ઘાટન ગયા વર્ષે 4 ડિસેમ્બર 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ત્યારે પ્રતિમા તૂટી પડ્યા બાદ વિપક્ષી પાર્ટીઓએ રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવ્યા છે.

અસલમાં ગઇકાલે સોમવારે લગભગ બપોરે 1 વાગ્યાની આસપાસ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં રાજકોટ કિલ્લામાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધ્વસ્ત થઇ ગઇ હતી. જો કે પ્રતિમા તૂટી પડવાનું સાચું કારણ હજી સામે આવ્યું નથી. આમ છતા પ્રતિમા તૂટી પડવાના કારણે બે વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. પરંતુ પ્રતિમાનું અનાવરણ પીએમ મોદીના હસ્તે થયુ હતું જેથી વિપક્ષ કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નિવેદન
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મામલે નિવેદન આપ્યું હતું કે, “અમારી ભાવનાઓ તેમની (શિવાજી મહારાજ) સાથે જોડાયેલી છે. અમે ભગવાનની જેમ શિવાજી મહારાજની પૂજા કરીએ છીએ. આ બાબત દુર્ભાગ્યપૂર્ણ છે કે વધુ વેગે પવન ફુંકાવાના કારણે પ્રતિમા તૂટી પડી. અમારા મંત્રીઓ ઘટના સ્થળે ગયા હતા અને સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યુ હતું.’’

આ બે વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધાઇ
ભારતીય નૌકાદળે સોમવારે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના પતન પર “ઊંડી ચિંતા” વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે કારણનું વિશ્લેષણ કરવા અને સમારકામ શરૂ કરવા માટે એક ટીમની પણ નિમણૂક કરી છે. આ કેસમાં સિંધુદુર્ગ પોલીસે કોન્ટ્રાક્ટર જયદીપ આપ્ટે અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 109, 110, 125, 318 અને 3(5) હેઠળ FIR નોંધી છે.

સમાચાર એજન્સી એએનઆઈએ ભારતીય નૌકાદળના એક નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે, “આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાના કારણની તાત્કાલિક તપાસ કરવા અને પ્રતિમાના સમારકામ, પુનઃસ્થાપિત અને પુનઃસ્થાપન માટે પગલાં લેવા માટે એક ટીમની નિમણૂક કરવામાં આવી છે.”

Most Popular

To Top