મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં ઉદ્ધવ સરકારની વિદાય અને શિંદે સરકારના 24 કલાક પણ પૂરા નથી થયા અને એનસીપી(NCP)ના વડા શરદ પવાર(Sharda Pavar)ને આવકવેરા વિભાગ(IT)ની નોટિસ(Notice) મળી છે. આવકવેરા વિભાગે શરદ પવારને વર્ષ 2004, 2009, 2014 અને 2020માં દાખલ કરેલા ચૂંટણી એફિડેવિટ અંગે નોટિસ મોકલી છે.
શરદ પવારે કહ્યું- લવ લેટર આવી ગયો
એકનાથ શિંદેના શપથ ગ્રહણના થોડા કલાકો બાદ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારને નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં તેમને ચૂંટણી એફિડેવિટ અંગે જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે શરદ પવારને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે તેમને પ્રેમ પત્ર મળ્યો છે. તમને જણાવી દઈએ કે પવારને 2004, 2009 અને 2014ની લોકસભા ચૂંટણી ઉપરાંત 2020ની રાજ્યસભા ચૂંટણીઓ સંબંધિત એફિડેવિટ અંગે જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
નવી સરકાર આવતા જ નોટીસ મળી
શરદ પવારને આ નોટિસ એવા દિવસે મળી જ્યારે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શરદ પવારે એક ટ્વિટમાં કહ્યું કે આવકવેરા વિભાગની કાર્યક્ષમતા વધી છે અને ચોક્કસ લોકો પાસેથી માહિતી એકત્ર કરવા પર આવકવેરા વિભાગનું ધ્યાન વ્યૂહાત્મક પરિવર્તન જેવું લાગે છે.
NCPના પ્રવક્તાએ IT નોટીસ પર ઉઠાવ્યા સવાલ
મહારાષ્ટ્ર NCPના પ્રવક્તા મહેશ તાપસીએ આવકવેરા વિભાગની નોટિસના સમય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર બદલ્યા બાદ પાર્ટીના વડાને તેમના જૂના ચૂંટણી એફિડેવિટ માટે નોટિસ મળવી એ માત્ર એક સંયોગ છે કે કંઈક. ત્યારે શરદ પવારે કહ્યું હતું કે તપાસ એજન્સીઓ કેટલાક લોકોને પ્રેમ કરે છે. શરદ પવાર ઉપરાંત, આવકવેરા વિભાગ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને સાંસદ સુપ્રિયા સુલેને પણ નોટિસ મોકલવામાં આવી હતી.
NCPના બે નેતાઓ જેલમાં છે
નવેમ્બર 2019 માં મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકારની રચના થઈ ત્યારથી, કેન્દ્રીય તપાસ એજન્સીઓએ તેના ઘણા નેતાઓ વિરુદ્ધ નોટિસ મોકલી હતી. હાલમાં NCPના બે નેતાઓ નવાબ મલિક અને અનિલ દેશમુખ જેલમાં છે અને હવે પાર્ટીના વડા શરદ પવારને નોટિસ મોકલવામાં આવી છે. શરદ પવારને મહા વિકાસ આઘાડી સરકારના રાજકીય આર્કિટેક્ટ માનવામાં આવતા હતા અને તેઓ અઢી વર્ષ સુધી ચાલી રહેલી સરકારના સમસ્યા નિવારક હતા. પરંતુ શિવસેનામાં થયેલા મોટા બળવા બાદ મહા વિકાસ આઘાડી સરકારને જવું પડ્યું હતું.