નવી દિલ્હી: ભાજપે (BJP) પોતાના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના (Ajit Pawar) નામ હટાવી દીધા છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) ના પત્ર પછી ભાજપ દ્વારા તેના સ્ટાર પ્રચારકોની યાદીમાં આ સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજકીય પક્ષો તેમના સ્ટાર પ્રચારકોની યાદીમાં અન્ય પક્ષોના નેતાઓના નામ સામેલ કરી શકશે નહીં.
ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ECIને 40 સ્ટાર પ્રચારકોની સુધારેલી યાદી સુપરત કરી છે. અસલમાં મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી એ બીજેપીના સ્ટાર પ્રચારકોની યાદી વિરુધ્ધ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.
જેમાં કહેવામાં આવ્યુ હતું કે બીજેપીની સ્ટાર પ્રચારકોની યાદીમાં જન પ્રતિનિત્વ અધિનિયમની કલમ 77નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમજ આ ઉલ્લંઘન કરતા બીજેપીએ અને શિંદે જૂથે પોતાના સ્ટાર પ્રચારકની યાદીમાં અન્ય પાર્ટીના નેતાઓના નામ શામેલ કર્યા છે. શિવસેના (શિંદે જૂથ) એ પણ પોતાના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસના નામ સામેલ કર્યા હતા.
નવી યાદી સુપરત કર્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને લખેલા પત્રમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે જણાવ્યું હતું કે, ‘આ યાદી મહારાષ્ટ્ર રાજ્ય માટે ચોથા અને પાંચમા તબક્કામાં આવતા સંસદીય મતવિસ્તારો માટે માન્ય ગણી શકાય છે, જ્યાં સુધી અમે નિયત સમય મર્યાદામાં સુધારેલી યાદી ચૂંટણી પંચને નહીં મોકલીએ.’
અગાવ 26 માર્ચે બીજેપીના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં શિંદે, પવાર અને રામદાસ આઠવલેના નામ સામેલ હતા. જે બાદ ECIએ 5 એપ્રિલે બીજેપીને પત્ર લખીને કહ્યું હતું કે, તમને જાણ કરવામાં આવે છે કે અન્ય રાજકીય પક્ષોના નેતાઓના નામ પણ તમારા સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. તમારે સ્ટાર પ્રચારક તરીકે ફક્ત તે જ વ્યક્તિઓને નામાંકિત કરવી જોઈએ જે લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 (1) ના સ્પષ્ટીકરણ 1 અને 2 મુજબ તમારા પક્ષના સભ્યો છે.
મહારાષ્ટ્રમાં અજિત પવાર અને એકનાથ શિંદેની પાર્ટીઓ, એનસીપી અને શિવસેના ભાજપના નેતૃત્વમાં મહાગઠબંધનનો ભાગ છે. તેમજ આ પાર્ટીઓ રાજ્યમાં મહાયુતિ મહાવિકાસ અઘાડી સાથે સ્પર્ધા કરી રહી છે. જેમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીનો સમાવેશ થાય છે.