મહાકુંભ દરમિયાન વાયરલ થયેલી મોનાલિસા ભોંસલે છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં છે. તાજેતરમાં તેણે ફિલ્મ નિર્માતા સનોજ મિશ્રા સામે જાતીય સતામણી, મારપીટ અને માનસિક દબાણ જેવા ગંભીર આરોપો લગાવીને ભારે ચકચાર મચાવી છે. મોનાલિસાએ પોતાના પતિ ફરમાન સાથે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ફિલ્મ “ધ ડાયરી ઓફ મણિપુર”ના શૂટિંગ દરમિયાન સનોજ મિશ્રાએ તેની સાથે અનેક વખત અયોગ્ય વર્તન કર્યું હતું. ફિલ્મમાં મોનાલિસા લીડ એક્ટ્રેસ તરીકે છે. આ ફિલ્મનું શુટિંગ નેપાળ અને દહેરાદૂનમાં થયું હતું. પોતાના અનુભવને યાદ કરતા મોનાલિસાએ કહ્યું હતું કે,સનોજ મિશ્રા કોઈ સારા માણસ નથી, સેટ પર અનેકવાર તેમણે મારી સાથે ખોટો વ્યવહાર કર્યો, ખોટી રીતે મને પકડી લીધી અને મારી સાથે શારીરિક અડપલા કર્યા હતા. જ્યારે તેણે આ વાત પોતાના પરિવારને કહી, ત્યારે પરિવારએ તેનો સાથ આપ્યો નહીં, શરૂઆતમાં જયારે સનોજ મિશ્રાએ મને બે વાર સ્પર્શ કર્યો, ત્યારે આ વાત મેં મારા પરિવારને કરી. તો તેઓએ કહ્યું, ના, ના, આ આ તારી પહેલી ફિલ્મ છે… તો શું તમે પહેલી ફિલ્મ માટે મારા પર બળાત્કાર કરાવશો? આ કહેતા કહેતા મોનાલિસા રડી પડી હતી. તેણીએ કહ્યું, “જો ફરમાન ન હોત, તો મારી સાચી ઓળખ તમારા બધા સમક્ષ જાહેર ન થાત. તે દિવસે, હું આત્મહત્યા કરવાની હતી. ફરમાનએ મને ટેકો આપ્યો અને મને કહ્યું કે આવું ન કરો, લડવાનું શીખો. ફરમાનએ મને નવું જીવન આપ્યું.”
તેણીએ આગળ કહ્યું, “સનોજ મિશ્રા મારા પરિવારને ધમકી આપી રહ્યો છે અને કહી રહ્યો છે કે મારી ફિલ્મ 10 કરોડ રૂપિયાની છે, પરંતુ તેની ફિલ્મ 3 લાખ રૂપિયાની પણ નથી.” મોનાલિસાએ પ્રશ્ન કર્યો કે શું સનોજ મિશ્રાએ તેની સાથે કરાર કર્યો હતો કે તે બીજા કોઈ સાથે લગ્ન નહીં કરે. “મેં તેની ફિલ્મ પૂર્ણ કરી. મેં મારી ફરજ પૂરી કરી.” તેણીએ કહ્યું, “સનોજ મિશ્રા હવે મને અને ફરમાનને મારવા માંગે છે, તેમને એમ હતું કે મોનાલિસા મારી પાસે કેમ ન આવી અને તેણે ફરમાન સાથે લગ્ન કેમ કર્યા?” આ કારણે તે ખૂબ માનસિક તણાવમાં આવી ગઈ હતી. મોનાલિસાએ સનોજ મિશ્રા પર આરોપ લગાવ્યો કે તેઓ તેના પરિવારને ધમકી આપી રહ્યા છે અને પૈસાનો લાલચ આપીને તેમને દબાણમાં રાખી રહ્યા છે. આ સાથે જ મોનાલિસાએ આર્થિક મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે ફિલ્મમાં કામ કરવા છતાં તેને સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવી નથી અને હજુ પણ તેના રૂપિયા બાકી છે. તેણે એ પણ આરોપ મૂક્યો કે ફિલ્મમાં કામ આપવાના બહાને યુવતીઓ સાથે ખોટું વર્તન કરવામાં આવે છે અને શોષણ કરવામાં આવે છે. મોનાલિસાના લગ્ન પણ આ વિવાદનું એક કારણ બન્યા હતા. તેણે પોતાના બોયફ્રેન્ડ ફરમાન સાથે લગ્ન કર્યા બાદ સનોજ મિશ્રાએ તેની ટીકા કરી હતી અને આ મુદ્દે વિવાદ ઊભો થયો હતો. હાલમાં આ મામલે સનોજ મિશ્રા તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ મોનાલિસાના આ ગંભીર આક્ષેપો બાદ સોશિયલ મીડિયા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. હવે આ મામલો આગળ જઈને કાનૂની કાર્યવાહી સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.