છત્તીસગઢમાં ફરી વાર નક્સલી હુમલો થયો અને તેમાં ‘સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ’ [CRPF]ના 22 જવાનો શહીદ થયા. નક્સલીઓના આ હુમલામાં સાંઠથી વધુ જવાનો ઘાયલ થયા છે. નક્સલીઓએ જે રીતે હુમલો કર્યો તે રીતે જવાનોએ બચી નીકળવું મુશ્કેલ હતું. છત્તીસગઢના નક્સલી વિસ્તારમાં ‘CRPF’ની અને અન્ય સુરક્ષાદળોની જે ટુકડી ઓપરેશન પાર પાડવા ગઈ હતી તે આ વિસ્તારથી પરિચિત હતી. તેઓ નક્સલી ક્ષેત્રનો અનુભવ ધરાવતા હતા અને ટારગેટ હતો નક્સલી કમાન્ડર માડવી હિડમા. ‘CRPF’ ટીમને માહિતી મળી કે માડવી હિડમા બીજાપુરના ક્ષેત્રમાં છે. આ હુમલામાં સૌથી વધુ ચર્ચાઈ રહેલું નામ માડવી હિડમા છે અને આશ્ચર્યની વાત એ છે કે આ નક્સલની ઝાઝી વિગત પ્રકાશમાં આવી નથી. હાલમાં તેના વિશે મળતી માહિતીથી તેના વ્યક્તિત્વનું એક ચિત્ર ઉપસી આવ્યું છે.
બીજાપુરમાં આખરે એવું શું બન્યું કે ‘CRPF’ અને અન્ય સુરક્ષાબળોના બે હજારથી વધુ જવાનો પર એકાએક નક્સલીઓએ હુમલો બોલી દીધો? ‘CRPF’ પાસે સૌ પ્રથમ એવી બાતમી આવી કે પીપલ્સ લિબરેશન ગોરીલા આર્મીના બટાલિયન નંબર વનના કમાન્ડર હિડમા અહીંના તર્રમના આસપાસના જંગલમાં છે. આ બાતમી મળતાં જ બે હજાર જેટલા જવાનો હિડમાની શોધમાં નીકળ્યા. જેમ-જેમ તેઓ જંગલમાં આગળ વધતા ગયા તેમ તેઓ નક્સલીઓના બિછાવેલી જાળમાં ફસાતા ગયા. આ હુમલા પછી અનેક પ્રશ્ન ઉપસ્થિત થયા અને તેનો વિગતવાર અહેવાલ ‘બીબીસી’ અને છત્તીસગઢના સ્થાનિક મીડિયામાં પ્રકાશિત થયો છે. આ અહેવાલ વિશ્વસનીય લાગે છે અને તેમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. જેમ કે, ‘CRPF’ની ટીમ જંગલમાં કૂચ કરી રહી હતી તે ખુફીયા તંત્રની નિષ્ફળતા માની શકાય? શું જવાનોના તાલમેલમાં કોઈ કમી રહી ગઈ હતી, જે કારણે અત્યાધુનિક હથિયારોથી સજ્જ જવાનો થોડા નક્સલીઓનો મુકાબલો ન કરી શક્યા? શું ખરેખર નક્સલીઓ પોતાના ઘાયલ સૈનિકોને ત્રણ-ચાર ટ્રકમાં લઈને ભાગી નીકળ્યા? નક્સલીઓએ આટલો મોટો હુમલો એ માટે કર્યો કે છેલ્લા ઘણા વખતથી આ વિસ્તારમાં ‘CRPF’ જવાનોએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું? આવા અનેક પ્રશ્ન છે, જેનો કોઈ સીધો જવાબ મળતો નથી.
પહેલાં તો જે વિસ્તારમાં આ ઘટના બની તે વિશે જરા સમજી લઈએ. છત્તીસગઢના બીજાપુર અને સુકમા અંતરિયાળ વિસ્તારનાં ક્ષેત્રો છે. આ બંને જિલ્લાના સરહદ પર જ ટેકલાગુડા નામનું ગામ આવેલું છે. અહીંયા જ નક્સલીઓ અને CRPFની ટુકડી વચ્ચે કલાકો સુધી ગોળીબાર થતો રહ્યો. આ નક્સલીઓનું કેન્દ્ર છે અને ત્યાં નક્સલીઓના બટાલિયન નંબર વનનો દબદબો છે. આ જ બટાલિયનનો કમાન્ડર માડવી હિડમા છે, જે આક્રમક રણનીતિ ગોઠવવામાં માહેર છે. જ્યાં હુમલો થયો તે હિડમાના ગામ પુવર્તીની નજીક જ છે. માડવી 90ના દાયકાથી નક્સલી સંગઠન સાથે જોડાયેલા છે અને તેની હિડમા ઉપરાંત સંતોષ, ઇંદમૂલ, પોડિયામ, ભીમા અને મનીષ જેવી અલગ-અલગ નામની ઓળખ છે. નક્સલીઓમાં તેનો દબદબો 2010માં વધ્યો જ્યારે દંતેવાડામાં 76 જવાનોની હત્યા કરી હતી. એવું કહેવાય છે તેની ઉંમર 55 વર્ષની છે અને અત્યાર સુધી તેણે 27થી વધુ હુમલા કર્યા છે. તેની માહિતી આપવા બદલ સરકારે 35 લાખની ઇનામી રાશિ જાહેર કરી છે.
હિડમા ‘હિડમાલુ’ના નામથી પણ ઓળખાય છે અને તેનો જન્મ દક્ષિણ સુકમાના પુવર્તી ગામમાં થયો હતો. તે બીજાપુરની સ્થાનિક આદિવાસી મૂળનો છે. 2001ની આસપાસ તે નક્સલીઓ સાથે જોડાયો, તે અગાઉ તે ખેતી કરતો હતો. તે જ ગાળામાં તેના ગામમાંથી અંદાજે 40-50 યુવાનો નક્સલીઓ સાથે જોડાયા હતા. અત્યાર સુધી હિડમા વિશે જે માહિતી મળી છે તે મુજબ તે ‘ખૂબ શિસ્તબદ્ધ, ચતુર, તેજ અને ક્રૂર’ છે અને તે કારણે કમાંડરના પદ સુધી પહોંચ્યો. હિડમા મુખ્ય રીતે સુરક્ષાબળો પર હુમલો કરવા માટે ઓળખાય છે. 2017માં પણ બુર્કાપાલ નામની જગ્યાએ તેણે હુમલો કર્યો હતો ત્યારે 24 જવાનો શહીદ થયા હતા.
આવા અનેક હુમલામાં સામેલગીરીના કારણે જ જ્યારે આ વખતે તેના વિશે ખબર આવી ત્યારે 2000 સુરક્ષાકર્મીઓમાં- સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ(STF), ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ(DRG), છત્તીસગઢ પોલીસ, CRPF અને તેના એલિટ યુનિટ કોબરાએ 2 એપ્રિલથી તેની ધરપકડ માટે અભિયાન છેડ્યું હતું. અભિયાન શરૂ કર્યું હતું તેમ છતાં આ વિસ્તારને અને નક્સલીઓને ઓળખનારાઓનું કહેવું છે કે, હિડમાને પકડવો અશક્ય છે કારણ કે તેની આસપાસ પાંચ કિલોમીટર સુધી સુરક્ષાકવચ પ્રસરેલું છે. આ ઉપરાંત સ્થાનિકોમાં પણ તેનું નેટવર્ક મજબૂત છે જે કારણે તેના વિશે કોઈ પણ માહિતી મળતી નથી. હિડમા પોતે જંગલ વિસ્તારમાં જન્મ્યો છે અને જંગલને તે ખૂબ સારી રીતે જાણે છે. જંગલની બહારની દુનિયાથી પણ તે સારી રીતે પરિચિત છે. તેની પાસે ટ્રેઇનિંગ મેળવેલાં અને આધુનિક હથિયારોથી લેસ કમાન્ડો ધરાવતી એક મલ્ટીલેયર સિક્યોરીટી રીંગ છે. તે સિવાય ગામેગામ તેના બાતમીદારો પણ છે જેઓ સુરક્ષાબળની હલચલથી તેને સતત માહિતગાર રાખે છે. તે જ્યાં રહે છે ત્યાં ફોન નેટવર્ક નથી અને તે કારણે માહિતી પહોંચાડવાની સદીઓ જૂની વ્યવસ્થાથી કામ લેવું પડે છે. ઉબડખાબડ રસ્તા, ગાઢ જંગલ, નદીઓ અને આકરો તાપ હિડમા સુધી પહોંચવાના માર્ગને પડકારભર્યો બનાવે છે.
હિડમા વિશેની આટલી માહિતી જાણીને તેનું એક ચિત્ર આપણી નજર સામે બને. પરંતુ આ ચિત્રની ખરાઈ કરવાનું વિચારીએ તો તે હિડમાના કિસ્સામાં શક્ય બનતું નથી. હિડમાની હાલની કોઈ જ તસવીર ઉપલબ્ધ નથી. છત્તીસગઢ પોલીસ પાસે તેનો યુવાનીકાળનો ફોટો છે, પણ તેમાં તેની ઓળખ સ્પષ્ટ થતી નથી. સરકાર અને સુરક્ષાબળને હંફાવનારા હિડમા વિશે એવું પણ કહેવાય છે કે તે ઝાઝું બોલતો નથી. પરંતુ તે જંગલમાં રહીને પણ પોતાની જાતને હંમેશાં તૈયાર કરતો રહે છે. તેણે નક્સલી માટે કામ કરતાં એક લેક્ચરર પાસે અંગ્રેજી ભાષાનું પણ જ્ઞાન મેળવ્યું છે!
માડવી હિડમા નક્સલીઓ પર આટલો પ્રભાવી કેવી રીતે બન્યો તેનાં પણ કારણો છે. એક તો તે ખૂબ આક્રમક છે. બીજું કે તેના જેટલી નાની વયે આ સુરક્ષાબળોને વારંવાર નુકસાન કરનાર નક્સલીઓને અત્યાર સુધી કોઈ મળ્યું નથી. કે. સુદર્શન કે એમ. વેણુગાપાલ જેવા નક્સલીઓના અન્ય આગેવાનો કાં તો ખરાબ સ્વાસ્થ્ય ધરાવે છે અથવા તો તેઓ સક્રિય રહેવાની ઉંમર વટાવી ચૂક્યા છે. ઉપરાંત તેની સ્પેશ્યલ સ્કીલ આદિવાસી યુવાનોને નક્સલી તરીકે જોડાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડવાની છે. તેની સમજાવટથી અનેક આદિવાસી યુવકો નક્સલી બન્યા છે. એક સમયે નક્સલીઓનું નેટવર્ક પડી ભાંગવાની અણી પર હતું, પરંતુ હિડમા તેને ફરી જીવંત કરી શક્યો છે. આવું કરી શકવાનું એક કારણ હિડમા ટેકનોલોજી ફ્રેન્ડલી હોવાનુંય છે. એ સિવાય જ્યારે પણ કોઈ ઓપરેશન પાર પાડવાનું હોય છે ત્યારે હિડમા સ્પોટ પર હાજર હોય છે અને તેના સૈનિકો સાથે સતત સંપર્ક રાખે છે.
હિડમાના આવા જ વ્યક્તિત્વએ તેને નક્સલીઓમાં વિશેષ બનાવ્યો છે. હિડમાની વિશેષતા અંગે કેટલીક વાર્તાઓ પણ ઘડી કાઢવામાં આવી છે. આવી જ એક કથા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા નક્સલીએ બયાન કરી હતી. જે મુજબ, એક વાર હાઇપ્રોફાઈલ નક્સલીઓની પોલીસે ધરપકડ કરી પરંતુ તે વેળાએ પણ હિડમા સુકમામાં આવેલા કિસ્તરામ બજારમાં બિન્દાસ ફરવા નીકળ્યો હતો. આ બજારમાં પોલીસ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતી, પરંતુ બજારમાં જઈને તેણે પોતાનું સાહસ સાથીઓને દાખવ્યું હતું. નક્સલીઓના પદના પાયદાનમાં હિડમાનું સ્થાન ઉપર નથી પરંતુ આજે તેના બોલેલા એકેએક શબ્દ સૌ કોઈ ઝીલી લે છે.