Columns

મધ્યપ્રદેશનો અનોખો રાજકીય તખ્તો! નાની ઉંમરે ગામમાં સ્થાપવું છે ઇ-ગવર્નન્સ!

ઉંમરમાં લોકો હજુ તો માંડ વિચારવાનું શરૂ કરે છે કે ‘જીવનમાં શું કરવું’, આ યુવતીએ તેનું સ્થાન શોધી લીધું છે. તેનું નામ છે લક્ષિકા ડાગર અને ઉંમર છે માત્ર 21 વર્ષ. લક્ષિકા મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાની ચિંતામન-જવસિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટાયા છે. લક્ષિકા માને છે કે આ રસ્તો તેના માટે આટલો સરળ નહીં હોય. લક્ષિકાનું  લક્ષ્ય હવે એક જ છે કે, તેણી તેનાં લોકોને આપેલાં વચનો પૂરાં કરી શકે, તેનાં લોકોની અપેક્ષાઓ પર ખરાં ઊતરે. લક્ષિકાએ કહ્યું કે તેની ઉંમરને કારણે તે આ પદ સંભાળવામાં થોડો ખચકાટ અનુભવે છે પરંતુ તે પ્રયત્ન કરશે કે દરેકના સહયોગથી તે પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે.

લક્ષિકાની સફર સરપંચ સુધી પહોંચે એ પહેલાં રેડિયો જોકી પણ રહી ચૂકી છે! ઉજ્જૈન શહેરથી લગભગ 10 કિમી દૂર સ્થિત ચિંતામન જવસિયા ગ્રામ પંચાયતની કુલ વસ્તી 3265 છે. સરપંચની ચૂંટણીમાં લક્ષિકાનો 487 મતોથી વિજય થયો છે. લક્ષિકાના દાદા પણ અગાઉ ગામમાં સરપંચ રહી ચૂક્યા છે. તેના કાકા સામાજિક કાર્યકર છે. લક્ષિકા પણ આ પૃષ્ઠભૂમિને પોતાની જીતનું શ્રેય આપે છે.

ઉજ્જૈનમાં સ્થાનિક ચેનલમાં એન્કર અને રેડિયો જોકી તરીકે કામ કરી ચૂકેલી લક્ષિકાએ કહ્યું, જ્યારે તેમનાં ગામની સીટ અનુસૂચિત જાતિની મહિલાઓ માટે આરક્ષિત હતી ત્યારે પરિવારે વિચાર્યું કે આ ચૂંટણીમાં ઘરની મહિલાઓએ આગળ આવવું જોઈએ જેથી ગામડાંના પ્રશ્નોનું યોગ્ય રીતે નિરાકરણ લાવી શકાય. આ પછી જ પરિવારે લક્ષિકાને ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું હતું.

ગામમાં કુલ 7 મહિલાઓ મેદાનમાં હતી અને તેમાંથી સૌથી નાની લક્ષિકા હતી. ખાસ વાત એ છે કે લક્ષિકાની જીત પર લગભગ આખું ગામ ખુશ છે. ગામલોકોનું માનવું છે કે ગામની શિક્ષિત યુવતી ગામની સમસ્યા સરળતાથી ઉકેલી શકશે. લક્ષિકા હાલમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝ, ઉજ્જૈનમાંથી માસ કોમ્યુનિકેશન કરી રહી છે. આ તેનું  છેલ્લું વર્ષ છે. પરિવારમાં માતા-પિતા, લક્ષિકા ઉપરાંત એક ભાઈ અને બહેન છે. તે પરિવારમાં સૌથી નાની છે. તેમના પિતા દિલીપ ડાગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ સેન્ટ્રલ બેંકમાં ઓફિસર છે.

ચૂંટણી જીતવા માટે લક્ષિકા સૌ પ્રથમ ગામની દરેક વ્યક્તિને મળી હતી. તેમણે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, આ મુદ્દાઓને તેમણે પ્રાથમિકતામાં રાખવાની વાત કરી હતી. ગામની સૌથી મોટી સમસ્યા પીવાના પાણીની છે. ગટરની સમસ્યા પણ ગંભીર છે જેનાં કારણે ગંદાં પાણી રસ્તાઓ પર ફેલાતા રહે છે. આવાસ યોજનાનો લાભ ગરીબ લોકો સુધી પહોંચતો નથી. આ સાથે પેન્શન યોજના અને અન્ય યોજનાઓનો લાભ પણ લોકોને મળી રહ્યો નથી.

લક્ષિકા ગામમાં ઇ-ગવર્નન્સ સિસ્ટમ લાવવાની વાત કરે છે જેમાં તે પોતે દરેક સ્કીમનું મોનિટરિંગ કરશે, જેથી લોકોના કામો નિશ્ચિત સમયમાં પૂર્ણ થઈ શકે. લક્ષિકાએ કહ્યું, ‘’અમે લોકો જે અરજીઓ કરે છે, તેઓએ ક્યારે અરજી કરી છે અને ક્યારે તેમનું કામ પૂર્ણ થશે તેના પર નજર રાખવાનો પ્રયાસ કરીશું, જેથી કરીને તેમને વારંવાર પંચાયતમાં જવું ન પડે.’’ લક્ષિકા કહે છે કે તે આગામી 5 વર્ષમાં ગામની દરેક સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે જેથી તે એક સારું ઉદાહરણ બેસાડી શકે. બીજી તરફ લક્ષિકાના કાકા મનોજ ડાગરે કહ્યું હતું કે, ‘’તેઓને પૂરેપૂરી આશા છે કે તેમની ભત્રીજી તેનાં કામથી ગામમાં એક અલગ ઓળખ બનાવશે.’’ તેણે એમ પણ કહ્યું, ‘’લક્ષિકા ગામમાં પરિવર્તન લાવવાનું લક્ષ્ય ધરાવે છે અને તેણે તેના માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચોક્કસ તે સફળ થશે.’’ મધ્ય પ્રદેશમાં હાલમાં ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણી ચાલી રહી છે, લક્ષિકાએ ચૂંટણીના પ્રથમ તબક્કામાં આ જીત હાંસલ કરી છે.

Most Popular

To Top