અમદાવાદ: ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન એમ એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી ૫ એપ્રિલ સુધી વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. આ દરમિયાન અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઉત્તર ઈરાન અને કેસ્પિયન સમુદ્ર પર સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પંજાબ-હરિયાણા પરનું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ સિવાય અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે ટ્રફ લાઇન સક્રિય થઈ છે, જે રાજ્યમાં વરસાદી માહોલ બનાવી રહી છે. ભરઉનાળે માવઠાની આગાહીને પગલે ગુજરાતના ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ હોવાથી હવામાન વિભાગે માર્કેટિંગ યાર્ડમાં રહેલા અનાજને સલામત સ્થળે ખસેડવાની સલાહ આપી છે.
હવામાન વિભાગના તાજેતરના આંકડાઓ મુજબ રાજ્યનાં વિવિધ શહેરોમાં ગરમીનો પારો ઊંચકાયો છે, જેમાં અમરેલી ૩૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે.
દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની વકી
-૩૧ માર્ચ, ૨૦૨૬ (યલો એલર્ટ): ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં ૩૦-૪૦ કિમીની ઝડપે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે.
•-૨ એપ્રિલ, ૨૦૨૬: ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિત કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
•-૩ એપ્રિલ, ૨૦૨૬: ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદી રાઉન્ડ ચાલુ રહેવાની સંભાવના છે.