લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો નું સરપ્રાઈઝ ચેકીંગ,એક પરધર્મીને બહાર કઢાયો
ફૂડ સ્ટોલ પર કામ કરતા પરધર્મીને બહાર ખદેડ્યો
બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તમામ મોટા ગરબાઓમાં ચેકીંગ હાથ ધરાશે
(પ્રતિનિધિ) વડોદરા તા.23
નવરાત્રિ ના પ્રથમ નોરતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા મેદાનમાં પરધર્મીઓને પ્રવેશ અપાયો હોવાના મામલે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં ખાણીપીણીના સ્ટોલ પર ફ્રેન્ચફ્રાઇ નું વેચાણ કરતા પરધર્મીને બહાર ખદેડી કાઢ્યો હતો.
શહેરમાં નવરાત્રી પર્વ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તથા સનાતન સંત સમાજ દ્વારા ગરબા આયોજકોને ફક્ત હિન્દુઓને જ પ્રવેશ આપવા,તિલક લગાવી પ્રવેશ આપવા અપીલ કરી હતી સાથે જ કોઇપણ પરધર્મીઓને પ્રવેશ ન આપવા પણ અપીલ કરાઇ હતી તેમ છતાં લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના મુખ્ય આયોજક મહારાણી રાધિકારાજે ગાયકવાડ દ્વારા આયોજિત ગરબાનો સીઝન પાસ પરધર્મીને અપાતા સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તથા સંત સમાજ આક્રોશમાં જોવા મળ્યો હતો અને તમામ ગરબા આયોજકો ને ચેતવણી આપી હતી ત્યારે ગતરોજ આસો સુદ નવરાત્રિના પ્રથમ દિવસે અચાનક વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા મેદાનમાં પરધર્મી હોવાની માહિતી ના આધારે પહોંચી ગયા હતા અને સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતાં મેદાન પર ફૂડ કોર્ટ પર ફ્રેન્ચફ્રાય નું વેચાણ કરતો એક પરધર્મી મળી આવ્યો હતો જેને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા બહાર ખદેડી મૂકાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના 500 થી વધુ કાર્યકરો દ્વારા તમામ ગરબા મેદાનોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે અને જો કોઇ પરધર્મી ઝડપાશે તેને બજરંગ દળ પોતાની ભાષામાં બહાર ખદેડશે તેવી ચિમકી ઉચ્ચારી છે.