ગાંધીનગર: આવતીકાલે દેવ દિવાળીએ તારીખ 8/11/22 ના રોજ મેષ રાશિ અને ભરણી નક્ષત્રમાં ચંદ્ર ગ્રહણ થશે. જે ભારતમાં ગ્રસ્તોદય દેખાશે, તેથી તેનો દોષ લાગશે અને ધાર્મિક રીતે પાળવાનું રહેશે. ચંદ્રગ્રહણ દુનિયામાં ભારતીય સ્ટા.ટાઈમ મૂજબ બપોરના 2 કલાક 39 મિનિટ અને 12 સેકન્ડે શરૂ થશે તેથી ત્યારે ભારતમાં દેખાશે નહિ પરંતુ દુનિયાના જે દેશોમાં ત્યારે રાત હશે ત્યાં ચંદ્રગ્રહણની શરૂઆત દેખાશે. આ ચંદ્રગ્રહણનો વેધ (સૂતક ) કાર્તિક સુદ પૂનમને દેવ દીવાળી – તા.8/11/2022 ના રોજ વહેલી સવારના 5 કલાક 39 મિનીટ થી ગ્રહણ મોક્ષ સાંજે સાન્જના 6 કલાક19 મિનિટ અને 3 સેકન્ડ )સુધી રહેશે.
ચંદ્રગ્રહણની આ ખગોળીય ઘટના દુનિયામાં ભારતીય સ્ટા.ટાઈમ મુજબ સાંજે 6 કલાક 19 મિનિટ અને 3 સેકન્ડ સુધી રહેશે અને આ સમય દરમ્યાન જ્યાં ચંદ્ર દેખાશે ત્યાં ચંદ્ર ગ્રહણ દેખાશે. જેના કારણે 8/11/22 ને મંગળવારના રોજ વહેલી સવારે 5: 39 મિનિટથી સાંજે 6:19 મિનિટ સુધી ભગવાનની પૂજા-આરતી કે દીવો કે કોઈ પણ દેવની પૂજા, આરતી થઈ શકશે નહિ. ચંદ્રગ્રહણના વેધના આ સમયમાં ઈષ્ટ દેવના જપ અને દાન કરી શકાશે. ગ્રહણ દરમ્યાન કરેલા જપનું હજાર ગણું ફળ મળે છે. ગ્રહણ પુરૂં થયે સ્નાન કરવાથી ગંગાસ્નાનનું પૂણ્ય મળશે.
અમરેલીના લીલીયા મોટાના વતની અને ખગોળિય ઘટનાઓના અભ્યાસુ જયપ્રકાશ માઢકે કહ્યું હતું કે, ચંદ્ર ગ્રહણ ક્રૂર એવા ભરણી નક્ષત્રમાં તથા વ્યતિપાતયોગમાં અને મંગળવારે થવાનું છે તેથી જ્યોતિષશાસ્ત્રની માન્યતાઓ મૂજબ ધરતી (પૃથ્વી) પર ભારે નિવડવાની સંભાવના છે. જ્યોતિષશાસ્ત્રની માન્યતા મૂજબ મંગળ યુધ્ધના દેવતા છે, તે અગ્નિ ગ્રહ (હોટ પ્લેનેટ) ગણાય છે અને તેનું બીજુ નામ અંગારક છે. તેથી પૃથ્વી પર યુધ્ધની વિભિષિકામાં વૃધ્ધિ થવાની શક્યતા છે. હાલ રશિયા યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલુ જ છે. હાલ નાટો દેશો અને રશિયા વચ્ચે, ચીન તાઈવાન વચ્ચે અને ચીન અમેરિકા વચ્ચે ભારે તણાવ ચાલી રહ્યો છે. ઈરાનને સાઉદી અરેબિયા, ઈરાક, ઈઝરાયેલ, અમેરિકા સાથે તથા ઉત્તર કોરીયાને દ.કોરીયા, જાપાન અને અમેરિકા સાથે ભારે તણાવ ચાલી રહ્યો છે. આ તણાવમાં ભારે વૃધ્ધિ કે ભારે ભડકો થવાની શક્યતા છે. મધ્ય એશિયામાં સ્થિતિ વિસ્ફોટક થશે.
પંદર દિવસમાં પૃથ્વી પર થનારું આ બીજું ગ્રહણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને પેસિફિક ક્ષેત્રના લોકો માટે કોઈને કોઈ રીતે પીડાદાયક રહેશે. કારણકે જ્યોતિષશાસ્ત્રની માન્યતા મૂજબ જ્યાં ગ્રહણ દેખાય છે, ત્યાં તેની અમુક રીતે પ્રતિકૂળ અસર થતી હોય છે. ગત તારીખ 25/10/22 નું સૂર્ય ગ્રહણ યુરોપમાં અને આફ્રિકામાં પણ દેખાયું હતું. 8/11/22 નુ ચંદ્રગ્રહણ ભારત, પાકિસ્તાન તથા નેપાળમાં પણ દેખાવાનું છે. લાહોર અને ઈસ્લામાબાદમાં આ ચંદ્રગ્રહણ સવારે 5 કલાકથી સાંજે 6:56 મિનિટ સુધી દેખાશે અને પાકિસ્તાનમાં અરાજકતા તથા કાબૂમાં ન આવે તેવી વિસ્ફોટક સ્થિતિને જન્મ આપશે. પહેલા દિવાળીએ થયેલું સૂર્ય ગ્રહણ અને હવે વિક્રમ સંવત 2079માં દેવ દીવાળીએ થનાર આ ચંદ્રગ્રહણની અસરો ધરતી પર આખુંય વરસ જોવા મળશે એવું લાગે છે. ભારતના પૂર્વ ભાગમાં આ ચંદ્રગ્રહણ ખગ્રાસ દેખાશે એટલે કે ચંદ્રમા આખા ઢંકાએલા દેખાશે. નેપાળ, બિહાર, ઝારખંડ અને મોટાભાગના ઓરિસ્સામાં ખગ્રાસ ચંદ્ર ગ્રહણ દેખાશે. જ્યારે ગુજરાત અને બાકીના રાજ્યોમાં ચંદ્ર ગ્રહણ ખંડગ્રાસ દેખાશે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના જૂજ ભાગો માં જ ચંદ્રમા આખે આખા ઢંકાએલા દેખાશે.