National

લુધિયાણા: કાકાની દુકાનમાં ભત્રીજાએ મૂક્યો બોમ્બ, યુટ્યુબ પરથી બનાવવાનું શીખ્યું, જાણો શું છે મામલો!!

પંજાબના લુધિયાણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભત્રીજાએ પોતાના કાકાની દુકાનમાં બોમ્બ મૂકી દીધો હતો. જોકે આરોપીએ યુટ્યુબ પરથી બોમ્બ બનાવવાની રીત શીખીને સામગ્રી ઓનલાઈન મંગાવવામાં આવી હતી. સદનસીબે ટાઈમરની ખામીથી વિસ્ફોટ ન થતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

લુધિયાણા શહેરમાં પોલીસને એક મોટી સફળતા મળી છે. કાકાની દુકાનમાં બોમ્બ મુકનારા ભત્રીજા અને તેના મિત્રને પોલીસે ઝડપ્યા છે. આ ઘટના માત્ર શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે.

શહેરના પોલીસ કમિશનર સ્વપ્ન શર્માએ જણાવ્યું હતું કે આ કેસને માત્ર 12 કલાકમાં ઉકેલી લેવામાં આવ્યો હતો. આરોપીઓમાં ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના રહેવાસી સોનુ અને સહારનપુરના રહેવાસી આમિરનો સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે બંનેએ યુટ્યુબ પરથી બોમ્બ કેવી રીતે બનાવવો તે શીખ્યું હતું. ત્યારબાદ ઓનલાઈન ઓર્ડર કરેલી તેમજ સ્થાનિક બજારમાંથી ખરીદેલી સામગ્રીથી ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બનાવવામાં આવ્યું હતું.

પોલીસ મુજબ આરોપીઓએ આ IEDને એક બેગમાં મૂકી કાકાની દુકાનમાં છોડી દીધો હતો. બેગમાંથી પેટ્રોલ જેવી ગંધ આવતી હોવાથી દુકાનદારને શંકા ન આવી. જો કે ટાઈમરમાં આવેલી ખામીના કારણે વિસ્ફોટ થયો નહીં અને મોટી દુર્ઘટના ટળી ગઈ. પોલીસે તાત્કાલિક બેગ કબજે કરી સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરી.

ભત્રીજાએ શા માટે આ કૃત્ય કર્યું?
પોલીસ કમિશનરે જણાવ્યું કે જો બોમ્બ વિસ્ફોટ થયો હોત તો તે દુકાન અને તેની ઉપર રહેતા પરિવારને ગંભીર નુકસાન પહોંચાડી શકતે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કૃત્ય વ્યક્તિગત વિવાદ અને વ્યવસાયિક સ્પર્ધાના કારણે કરવામાં આવ્યું હતું. એટલે કે ભત્રીજાએ પોતાના કાકા સાથેના મનદુઃખને કારણે આ ઘાતકી યોજના બનાવી હતી.

આરોપી સોનુ અને મિત્ર આમિર બંનેના ગુનાહિત રેકોર્ડની તપાસ હાલ ચાલી રહી છે. અધિકારીઓએ કહ્યું છે કે આ બંને કઈ રીતે એકસાથે આવ્યા, કોની પ્રેરણા હેઠળ આ કૃત્ય કર્યું અને તેમનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયું છે તેની પણ ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.

આ સમગ્ર બનાવે એક મોટો સવાલ ઉભો કર્યો છે કે સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ માહિતીનો કેવી રીતે ખોટો ઉપયોગ થઈ શકે છે. યુટ્યુબ પરથી બોમ્બ બનાવવાની રીત શીખીને યુવાનો આ રીતે ગુનાખોરી તરફ વળી રહ્યા છે તે ચિંતાજનક બાબત છે.

પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે અને તેઓને કાનૂની દંડ આપવામાં આવશે. આ બનાવે શહેરમાં સુરક્ષા અંગે પણ ચર્ચા શરૂ કરી દીધી છે.

Most Popular

To Top