Gujarat

ગુજરાતમાં LPG ગેસની અછતનો અસર શાળાઓ સુધી- મધ્યાહન ભોજન માટે સિલિન્ડરની માંગ

અમદાવાદ : મધ્ય પૂર્વ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ગુજરાતમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) ગેસની અછત ઉભી થઈ છે. આ ગેસની અછત લોકોના રસોડાથી આગળ વધીને હવે સરકારી શાળાઓ સુધી પહોંચી રહી છે. ગેસની અછતને કારણે મધ્યાહન ભોજન યોજના ખોરવાય નહીં તે માટે આણંદ જિલ્લામાં એક શાળાએ વહીવટી તંત્ર પાસે ગેસ સિલિન્ડરની માંગ કરી છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યભરમાં એલપીજી ગેસની અછત ઉભી થતાં લોકોને ગેસનો બાટલો મેળવવા લાબી લાઈનો લગાવીને ઉભા રહેવાનો વારો આવ્યો છે. આ લાંબી લાઈનોએ કોરોના, નોટબંધી વખતની લાઈનોની યાદ તાજી કરાવી હતી.

મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના આસોદર ગામમાં આવેલી આસોદર પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય દ્વારા ગેસ એજન્સીને લેખિત પત્ર પાઠવીને જણાવ્યું છે કે માર્ચ 2026થી શાળાના મધ્યાહન ભોજન માટે છ રાંધણગેસ સિલિન્ડરની ફાળવણી તાત્કાલિક કરવામાં આવે. શાળાએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજન માટે ગેસની અછતને કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે. ભવિષ્યમાં બાળકોનું ભોજન બંધ ન થાય તે માટે અગાઉથી જ તૈયારીરૂપે આ માંગ કરવામાં આવી છે.

બીજી તરફ અમદાવાદમાં ગેસની માંગ અને સપ્લાય વચ્ચે મોટું અંતર ઊભું થયું છે. શહેરમાં રોજ લગભગ 70 હજાર LPG સિલિન્ડરની માંગ છે, જ્યારે હાલ માત્ર 22 હજારથી 25 હજાર સિલિન્ડર જ સપ્લાય થઈ રહ્યા છે. શહેરના આશરે 65 ગેસ ડિસ્ટ્રિબ્યુટર્સને માંગના ત્રીજા ભાગ જેટલી જ સપ્લાય મળતા લોકોમાં અછતનો ભય વધતા લોકો ગેસ માટે લાઈનો લગાવીને ઉભા રહ્યા છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે, કારણ કે તેની સપ્લાય લગભગ બંધ જેવી સ્થિતિમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત વડોદરામાં પણ સ્થિતિ ચિંતાજનક બની રહી છે. શહેરમાં લગભગ 5.44 લાખ ઘરેલુ ગેસ કનેક્શન છે. છેલ્લા કેટલાક દિવસોમાં LPG બુકિંગમાં અચાનક વધારો નોંધાયો છે. સામાન્ય રીતે રોજ અંદાજે 8 હજાર બુકિંગ થતી હતી, પરંતુ હાલ તે વધીને 12 હજાર સુધી પહોંચી ગઈ છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ ગેસની અછત અંગે લોકોમાં ફેલાયેલા ભયને કારણે “પેનિક બુકિંગ” વધી ગયું છે. માંગ વધતી અને સપ્લાય ઓછી હોવાથી અનેક વિસ્તારોમાં ગેસની અછતની ચિંતા વધુ ગાઢ બની રહી છે. લોકમાં ગભરાહટ એટલા માટે વધી છે કે હવે ગેસ સીલીન્ડરની વચ્ચે હવે 25 દિવસ પછી બુકીંગ કરવાની સરકારની જાહેરાતથી લોકોમાં ગભરાહટ વધી છે અને ગેસની અછતના પગલે લોકો રસોઈ બનાવવા તકલીફ ન પડે તે માટે ગેસ સીલીન્ડર માટે ગેસ એજન્સી સામે લાઈનો લગાવી છે. બીજી તરફ આવી સ્થિતિમાં કાળા બજારીઓમાં ગેસના કાળા બજાર કરી મોટી કમાણી કરવામાં લાગ્યા છે. એક ગેસ સીલીન્ડરના રેગ્યુલર ભાવ કરવા બેથી ત્રણ ગણા વધારે ભાવે કાળા બજારમાં ગેસનું ધુમ વેચાણ ચાલી રહ્યું છે. સરકાર તાત્કાલિક આ કાળા બજારીઓ સામે લાલ આંખ કરી લગામ કસવી જોઈએ તેવી માગ ઉઠી છે.

Most Popular

To Top