મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધ અને વૈશ્વિક બજારમાં અસ્થિરતા વચ્ચે સોનું અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ, ઓઈલ સપ્લાય પર હુમલા અને વધતા ક્રૂડ ભાવોના કારણે ગ્લોબલ માર્કેટ હચમચી ગયું છે. તેની સીધી અસર ભારતીય શેરબજાર સાથે સાથે કિંમતી ધાતુઓ પર પણ જોવા મળી રહી છે. સાથે જ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કોઈ રાહત ન આપતા રોકાણકારોમાં ગભરાટ વધ્યો છે. આ અસર એમસીએક્સ અને સ્થાનિક બજારમાં સ્પષ્ટ રીતે જોવા મળી હતી. MCX પર સોનાના ભાવમાં 6%થી વધુનો ઘટાડો થયો અને તે 9,000થી વધુ તૂટી 1,43,844 પર આવી ગયું છે. જ્યારે ચાંદીમાં 12%થી વધુનો ભારે કડાકો નોંધાયો, જેમાં તેનો ભાવ 29,700 ઘટીને 2,18,411 પર આવી ગયો છે. સ્થાનિક બજારના આંકડા મુજબ 24 કેરેટ સોનું આશરે 4,000 તૂટી 1,51,030 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 1,38,899 પર ટ્રેડ થયું. નોંધનીય છે કે રેકોર્ડ 1,92,000 પ્રતિ 10 ગ્રામના સ્તરથી સોનું હવે લગભગ 40,000 સુધી નીચે આવી ગયું છે.
ચાંદીમાં તો વધુ મોટો ઝાટકો જોવા મળ્યો છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ₹4.20 લાખ પ્રતિ કિલોના રેકોર્ડ સ્તર પર રહેલી ચાંદી હવે ઘટીને 2,36,809 સુધી આવી ગઈ છે, એટલે કે લગભગ 1.85 લાખનો મોટો ઘટાડો નોંધાયો છે. માત્ર એક જ દિવસમાં ચાંદીમાં 13,000 પ્રતિ કિલોનો ઘટાડો થયો છે. વૈશ્વિક તણાવ, મજબૂત ડૉલર અને ઊંચા વ્યાજદરોને કારણે રોકાણકારો પોતાના નાણાં અન્ય સુરક્ષિત વિકલ્પોમાં ખસેડી રહ્યા છે, જેના કારણે સોનું-ચાંદી જેવા પરંપરાગત રોકાણોમાં પણ ભારે વેચવાલી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ બજારમાં વધતી અનિશ્ચિતતા અને દબાણને સ્પષ્ટ રીતે દર્શાવે છે.