SURAT

એકતરફી પ્રેમમાં પાગલ ફેશન ડિઝાઇનર યુવકે કોલેજિયન યુવતીનું ગળું કાપી નાખ્યું

સુરત(Surat): નવાગામ પાસોદરા પાટિયા પાસેની સોસાયટીમાં ચપ્પુ લઇને પ્રવેશી ગયેલા એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે કોલેજિયન યુવતીનું ગળું કાપી નાંખ્યું હતું. તેમજ વચ્ચે પડેલા યુવતીના મોટા કાકા અને ભાઇને પણ ઇજા પહોંચાડી હતી. વાત આટલેથી અટકી ન હતી. યુવકે પોતે પણ હાથની નશ કાપી ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. એકની એક પુત્રીની હત્યાને લઇ વેકરિયા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવતીએ 15 દિવસ પહેલાં જ તેણીની માતા અને પરિવારના સભ્યોને કનડગત કરતાં યુવક અંગે જાણ કરી હતી. હાલ આ મામલે કામરેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કામરેજ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ જૂનાગઢના નાગલપુરના વતની અને હાલ પાસોદરા પાટિયા-નવાગામ ખાતે આવેલી લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ગ્રીષ્મા નંદલાલ વેકરિયા (ઉં.વ.21) જે.જે.શાહ કોલેજમાં બી-કોમનો અભ્યાસ કરે છે. દરમિયાન તેની સાથે અભ્યાસ કરતા મૂળ મોટી વાવડી, ગારિયાધારના વતની અને હાલ કાપોદ્રા સાગર સોસાયટીમાં રહેતો ફેનીલ પંકજ ગોયાણી છેલ્લા ઘણા સમયથી ગ્રીષ્માને હેરાન-પરેશાન કરતો હતો. એકતરફી પ્રેમમાં પાગલ બનેલા ફેશન ડિઝાઇનર ફેનીલ શનિવારે સાંજે ગ્રીષ્માના ઘરે પહોંચી ગયો હતો. ચપ્પુ લઇને પહોંચેલા ફેનીલે ઉશ્કેરાટમાં આવી ગ્રીષ્માના ગળા ઉપર ચપ્પુ ફેરવી દીધું હતું. ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા ગ્રીષ્માના મોટા કાકા સુભાષને તેમજ ગ્રીષ્માના ભાઇ ધ્રુવને પણ ચપ્પુથી ઇજા પહોંચાડી હતી.

આ હુમલામાં ગ્રીષ્મા લોહીલુહાણ થઇ ઢળી પડી હતી. આરોપી ફેનીલે ગ્રીષ્માની હત્યા કર્યા બાદ પોતે પણ હાથની નશ કાપી નાંખી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ બનાવની જાણ કામરેજ પોલીસને થતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ફેનીલ ગોયાણી પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઇજાગ્રસ્ત સુભાષભાઇ અને ધ્રુવને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. વધુમાં ગ્રીષ્માના પિતા નાઇજીરીયામાં હીરાના વેપાર સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ગ્રીષ્મા માતા વિલાસબેન અને ભાઇ સાથે રહેતી હતી. ગ્રીષ્માની હત્યાની જાણ થતાં જ તેના પિતા નાઇજીરીયાથી વતન આવવા રવાના થઈ ગયા છે.

Most Popular

To Top