લંડન: (London) રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) જેઓ સોમવારે વેસ્ટમિન્સ્ટર એબે ખાતે આયોજિત ક્વીન એલિઝાબેથ દ્વિતીયનાં (Queen Elizabeth II) અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ત્રણ દિવસની લંડનની મુલાકાતે છે, તેમણે રવિવારે ભારત સરકાર વતી શોક પુસ્તક પર હસ્તાક્ષર કર્યાં હતાં.રાષ્ટ્રપતિ મુર્મુ લંડનના લેન્સેસ્ટર હાઉસ (Lancaster House) ખાતે કાર્યવાહક હાઈ કમિશનર સુજીત ઘોષ સાથે ગયાં હતાં, જ્યાં રાણી એલિઝાબેથ દ્વિતીયની યાદમાં શોકના પુસ્તક પર હસ્તાક્ષર કરવા માટે વિશ્વના નેતાઓ આવી રહ્યાં હતાં. 8 સપ્ટેમ્બરના રોજ સ્કોટલેન્ડમાં 96 વર્ષની ક્વીનનું મૃત્યુ થયું હતું.
અંતિમ વિધિમાં તમામ દેશના વડાઓ સમારંભમાં હાજર રહે તેવી અપેક્ષા
મુર્મુએ પણ રવિવારે વેસ્ટમિન્સ્ટર હોલમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી, જ્યાં બ્રિટનના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મહારાણીનો પાર્થિવ દેહ મૂકવામાં આવ્યો છે, સોમવારે સવારે 11 વાગે તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ભારતના રાષ્ટ્રપતિ શનિવારે સાંજે અહીં આવ્યાં હતાં, તેઓ લગભગ 500 વિશ્વ નેતાઓ અને વિશ્વભરના રાજવીઓ સાથે અંતિમ વિધિમાં જોડાશે.મહારાણીનાં અંતિમ સંસ્કાર પહેલાં રવિવારે રાષ્ટ્રપતિ મુર્મુને બકિંઘમ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ અને ક્વીન કોન્સોર્ટ કેમિલા દ્વારા આયોજિત સત્કાર સમારંભમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. અંતિમ વિધિમાં આવેલા તમામ દેશના વડાઓ અને અન્ય મોટી હસ્તીઓ આ સમારંભમાં હાજર રહે તેવી અપેક્ષા છે જેને ‘સત્તાવાર સરકારી કાર્યક્રમ’ તરીકે વર્ણવવામાં આવ્યું છે.
રાણીની અંતિમવિધિ લાઈવ દેખાડવા સમગ્ર બ્રિટનમાં મોટા સ્ક્રીનો લગાડવામાં આવ્યા
લંડન, તા. 18 (પીટીઆઈ): બ્રિટનના બાગોમાં મોટી સ્ક્રીનો લગાવવામાં આવી છે અને ઘણા સિનેમા હોલ સોમવારે સવારે લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબીથી ક્વીન એલિઝાબેથ દ્વિતીયની અંતિમવિધિને દર્શાવવા માટે તૈયારી કરી રહ્યાં છે, બ્રિટન સરકારે રવિવારે જણાવ્યું હતું.બ્રિટનમાં 57 વર્ષમાં પ્રથમ શાહી અંતિમ સંસ્કાર થવાનું છે જેમાં લશ્કરી પરંપરાઓને અનુસરવામાં આવશે.ડિપાર્ટમેન્ટ ફોર કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ (ડીસીએમએસ)એ જણાવ્યું હતું કે લંડન અને વિન્ડસરમાં જાહેર લોકો અંતિમવિધિ જોઈ શકે એવા વિસ્તારો સ્થાપિત કરવામાં આવશે, સોમવારે સમગ્ર બ્રિટનમાં જાહેર રજા રહેશે.
સોમવારે સવારે 8 વાગે સમગ્ર દેશમાં 1 મિનિટનું મૌન પાળવામાં આવશે.‘લંડનના હાઇડ પાર્ક, બર્મિંઘમના સેન્ટેનરી સ્ક્વેર અને ઉત્તરી આયર્લૅન્ડમાં કોલરેન ટાઉન હોલ સહિત દેશભરમાં મોટી સ્ક્રીનો મૂકવામાં આવશે, એમ ડીસીએમએસએ જણાવ્યું હતું.