નવી દિલ્હી: 18મી લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે આજે પ્રથમ તબક્કાનું (First stage) મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું હતું. જેમ જેમ સમય પસાર થયો હતો. તેમ તેમ મતદાનને (voting) વેગ મળ્યો હતો. આજે 19 એપ્રિલે સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી.
19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ હતી. આજે 16 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ સાથે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે 16 કરોડ 63 લાખથી વધુ મતદારો 1,625 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
બપોર સુધીમાં ક્યાં કેટલું મતદાન
પ્રથમ તબક્કામાં બપોર સુધીમાં ત્રિપુરામાં 53.04%, પશ્ચિમ બંગાળમાં 50.96%, મેઘાલયમાં 48.91%, મણિપુરમાં 45.68%, આસામમાં 45.12%, પુડુચેરીમાં 44.95%, મધ્ય પ્રદેશમાં 44.18%, જમ્મુ અને કાશ્મીરમાં 43.11%, છત્તીસગઢમાં 42.57%, તમિલનાડુમાં 39.43%, નાગાલેન્ડમાં 38.83%, ઉત્તરાખંડમાં 37.33%, ઉત્તર પ્રદેશમાં 36.96%, સિક્કિમમાં 36.82%, મિઝોરમમાં 36.67%, આંદામાનમાં 35.70%, અરુણાચલ પ્રદેશમાં 34.99%, રાજસ્થાનમાં 33.73%, બિહારમાં 32.41%, મહારાષ્ટ્રમાં 32.36%, લક્ષદ્વીપમાં 29.91% મતદાન થયું હતું.
બિહારના નવાદામાં એક પણ મતદાર બૂથ સુધી પહોંચ્યો નહતો
પ્રપ્ત વિગતો મુજબ બિહારના નવાદાના દાનિયા કૌકોલ મતદાન મથકે સવારે 11.30 વાગ્યા સુધી કોઈ મતદાર પહોંચ્યો ન હતો. અહીંના મતદારોએ અન્ય સ્થળે બુથ બનાવવાના વિરોધમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તેમજ નવાદામાં બૂથ નંબર 234માંથી એક કોન્સ્ટેબલની SLR રાઈફલ અને 20 બુલેટની ચોરી થઈ હતી. જે બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
મણિપુરમાં મતદાન કેન્દ્ર પર હંગામો! મતદાન અટકાવવું પડ્યું
મણિપુરમાં આંતરિક મણિપુર લોકસભા સીટ પર ફાયરિંગના થયું હતું. આ ફાયરિંગ બિષ્ણુપુર જિલ્લાના થમનપોકપીમાં એક મતદાન કેન્દ્ર પર થયું હતું. જેમાં 3 લોકો ઘાયલ થયા હતા. તેમજ મણીપુરના ઈમ્ફાલ ઈસ્ટના થોંગજુમાં એક બૂથ પર ઈવીએમમાં તોડફોડ કરવામાં આવી હતી. મણિપુરમાં ગયા વર્ષે 3 માર્ચથી હિંસા ચાલી રહી છે. ત્યારે મતદાન દરમિયાન પણ આ હિંસા ચાલુ જ હતી.
બીજાપુરમાં બે બ્લાસ્ટ, CRPFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ઘાયલ
છત્તીસગઢના બસ્તર લોકસભા સીટની ચૂંટણી દરમિયાન બીજાપુરના ચિહકામાં IED બ્લાસ્ટ થયો હતો. જેમાં એરિયા ડોમિનેશન પર નીકળેલા સીઆરપીએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મનુ એચસીના ડાબા પગ અને ડાબા હાથમાં ઈજા થઈ હતી. CRPFના જવાન ચિહકા મતદાન મથકની આસપાસના વિસ્તારમાં એરિયા ડોમિનેશન પર નીકળ્યા હતા. આ પહેલા બીજાપુરમાં પોલિંગ બૂથથી 500 મીટર દૂર ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો. જેમાં એક જવાન ઘાયલ થયો હતો.