National

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પ્રથમ સંબોધનમાં જ ઇમરજન્સીની નિંદા કરી, વિપક્ષનો હોબાળો

નવી દિલ્હી: બે દિવસના 18માં લોકસભા સત્ર (Lok Sabha Session) બાદ આજે બુધવારે લોકસભાના સ્પીકરની (Speaker) ચૂંટણી કરવામાં આવી હતી. પહેલા આ ચૂંટણી એનડીએના ઓમ બિરલા (Om Birla) અને ઇન્ડીયા ગઠબંધનના કે. સુરેશ વચ્ચે થવાની હતી. પરંતુ બાદમાં વિપક્ષના સર્થનથી આજે એનડીએના ઓમ બિરલાને લોકસભાના સ્પીકર પદે બીજી વાર ચૂંટવામાં આવ્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદી સહિત સમગ્ર વિપક્ષી પાર્ટીઓ તેમને શુભેચ્છા પાઠવી હતી. ત્યાર બાદ સ્પીકર ઓમ બિરલાએ પોતાનું પ્રથમ સંબોધન (Address) કર્યું હતું. જો કે આ દરમિયાન વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો.

સ્પીકર ઓમ બિરલાએ આજે ​​પોતાના પહેલા જ સંબોધનમાં ગૃહમાં ઈમરજન્સીની યાદ અપાવી અને તેની નિંદા કરી હતી. જેના પર વિપક્ષી દળોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ઓમ બિરલાએ વિપક્ષના વિરોધ વચ્ચે ગૃહમાં ઈમરજન્સીનો ઉલ્લેખ કરતા કહ્યું કે ઈમરજન્સી ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય છે. તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાદી અને બંધારણ પર પ્રહારો કર્યા હતા. આ ગૃહ 1975માં દેશમાં ઈમરજન્સી લાદવાના નિર્ણયની સખત નિંદા કરે છે. આ સાથે અમે તે તમામ લોકોની નિશ્ચય શક્તિની પ્રશંસા કરીએ છીએ. જેમણે ઈમરજન્સીનો જોરદાર વિરોધ કર્યો હતો, તેમજ અભૂતપૂર્વ લડત આપી અને ભારતની લોકશાહીની રક્ષાની જવાબદારી નિભાવી હતી.

બે મિનિટ મૌન
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વધુમાં કહ્યું હતું કે ઈમરજન્સીએ ભારતના ઘણા નાગરિકોનું જીવન બરબાદ કરી દીધું હતું. કેટલાય લોકો મૃત્યુ પામ્યા હતા, કટોકટીના તે અંધકારમય સમયગાળા દરમિયાન અમે ભારતના તે કર્તવ્યનિષ્ઠ અને દેશપ્રેમી નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન પાળીએ છીએ જેમણે સરમુખત્યારશાહી કોંગ્રેસ સરકારના હાથે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

યુવા પેઢીએ લોકશાહીનો કાળો અધ્યાય જાણવો જોઈએઃ બિરલા
બિરલાએ કહ્યું કે આ દિવસે 1975માં તત્કાલિન કેબિનેટે ઈમરજન્સીને પોસ્ટ ફેક્ટો બહાલી આપી હતી. આ સરમુખત્યારશાહી અને ગેરબંધારણીય નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. તેથી આપણી સંસદીય પ્રણાલી અને અસંખ્ય બલિદાન પછી પ્રાપ્ત થયેલી આ બીજી આઝાદી પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવા માટે આજે આ ઠરાવ પસાર કરવો જરૂરી છે. અમે એમ પણ માનીએ છીએ કે આપણી યુવા પેઢીને લોકશાહીના આ કાળા અધ્યાય વિશે જાણ હોવી જોઈએ.

લોકસભા સ્પીકરે ઈમરજન્સીની યાદ અપાવી
લોકસભા અધ્યક્ષે કહ્યું કે 1975 થી 1977 સુધીનો અંધકારમય સમયગાળો પોતાનામાં જ એવો સમયગાળો છે. જે આપણને બંધારણના સિદ્ધાંતો, સંઘીય માળખું અને ન્યાયિક સ્વતંત્રતાના મહત્વની યાદ અપાવે છે. આ સમયગાળો અમને યાદ અપાવે છે કે તે સમયે સંવિધાન પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો હતો અને શા માટે તેને સુરક્ષિત રાખવાની જરૂર છે.

કોંગ્રેસ સરકારની નિંદા કરી
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ઈમરજન્સી દરમિયાન કોંગ્રેસ સરકાર દ્વારા બળજબરીથી લાદવામાં આવેલી ફરજિયાત નસબંધી, શહેરોમાંથી અતિક્રમણ હટાવવાના નામે કરવામાં આવતી મનસ્વીતા અને સરકારની યુક્તિઓનો માર લોકોને સહન કરવો પડ્યો હતો. આ ગૃહ તે તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માંગે છે.

Most Popular

To Top