National

લોકસભા સ્પીકરપદ માટે ઇતિહાસમાં પ્રથમ વાર ચૂંટણી, NDAએ ઓમ બિરલા તો કોંગ્રેસે કે સુરેશને મેદાનમાં ઉતાર્યા

નવી દિલ્હી: 18મી લોકસભાના (Lok Sabha) સંસદ સત્રનો આજે બીજો દિવસ છે. તેમજ 18મી લોકસભા સ્પીકર (Lok Sabha Speaker) માટે ઘણા નામોની ચર્ચા ચાલી રહી હતી. ત્યારે સંસદમાં આજે NDAના લોકસભા અધ્યક્ષનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં એનડીએ તરફથી ઓમ બિરલાને (Om Birla) લોકસભા સ્પીકર ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. આ સાથે જ વિપક્ષના ગઢબંધનની મુખ્ય પાર્ટી કોંગ્રેસે પણ કેન્દ્ર સરકાર પાસે ખાસ પદ માંગ્યુ હતું.

આઝાદી બાદ દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ઓમ બિરલા એનડીએ તરફથી સ્પીકર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે કે સુરેશને ઈન્ડિયા બ્લોકમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંને નેતાઓએ આજે 25 જૂનના રોજ ઉમેદવારી નોંધાવી હતી. હવે આવતીકાલે લોકસભાના અધ્યક્ષ માટે ચૂંટણી થશે.

કોંગ્રેસ ડેપ્યુટી સ્પીકરની માંગ કરી
કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે કહ્યું કે ભાજપ સ્પીકર માટે સતત મંથન કરી રહ્યું છે. ત્યારે અમારી પાર્ટી ડેપ્યુટી સ્પીકરની માંગ કરી રહી છે. NDAના ઉમેદવારોમાં આ પદમાટે ઓમ બિરલાનું નામ સૌથી આગળ હતું તેમજ સર્વસંમતિથી તેઓ જ આ પદ સંભાળશે. ત્યારે કોંગ્રેસનો લોકસભાના ડેપ્યુટી સ્પીકર ઉમેદવાર માટે નિર્ણય બાકી જ છે. પરંતુ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ મામલે કહ્યું હતું કે અમે રાજનાથ સિંહને કહ્યું છે કે અમે તેમના લોકસભા સ્પીકર ઉમેદવારને સમર્થન આપીશું, પરંતુ પરંપરા એવી છે કે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવામાં આવે.

ભાજપને સાથી પક્ષોનો સાથ મળ્યો
લોકસભા સ્પીકર પદને લઈને ભાજપ આત્મવિશ્વાસથી ભરેલો હતો. કારણ કે ભાજપને તેના સાથી પક્ષોનું સમર્થન હતું. 18 જૂનના રોજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને NDA સહયોગી પક્ષોના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ત્યારથી માનવામાં આવી રહ્યું હતું કે આ બેઠકમાં લોકસભા અધ્યક્ષ પદ માટે સર્વસંમતિ સધાઈ હતી. જેડીયુ અને ટીડીપીએ પણ લોકસભા સ્પીકર પદ માટે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું હતું.

જણાવી દઇયે કે ઓમ બિરલા સાથે આ પદ માટે ઘણા નામોની ચર્ચા થઈ હતી. રાજસ્થાનના કોટાના સાંસદ ઓમ બિરલા 17મી લોકસભામાં સ્પીકર રહી ચૂક્યા છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ જે નામો પર ચર્ચા કરી રહી હતી તેમાં ઓમ બિરલા ઉપરાંત આંધ્ર પ્રદેશ બીજેપી અધ્યક્ષ ડી પુરંદેશ્વરી, બીજેપીના વરિષ્ઠ નેતા રાધામોહન સિંહ અને ભર્તૃહરિ મહતાબના નામ પણ સામેલ હતા. તેમજ ભર્તૃહરિ મહતાબ હાલમાં પ્રોટેમ સ્પીકર છે.

આ વખતે કોને ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવશે?
વર્ષ 2014માં ભાજપે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી અને સુમિત્રા મહાજનને લોકસભાના સ્પીકર બનાવ્યા હતા. તે સમયે AIADMKના એમ. થમ્બીદુરાઈને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં આવ્યું હતું. 2019માં ભાજપના ઓમ બિરલા 17મી લોકસભાના સ્પીકર બન્યા હતા પરંતુ લોકસભામાં ડેપ્યુટી સ્પીકર ચૂંટાયા ન હતા. આ પદ સમગ્ર કાર્યકાળ દરમિયાન ખાલી રહ્યું હતું. હવે સ્પીકરના નામના ખુલાસા સાથે ડેપ્યુટી સ્પીકર અંગેની રણનીતિ પણ સામે આવી શકે છે.

Most Popular

To Top