Editorial

રોગચાળાની શરૂઆતથી જ લૉકડાઉન અને નિયંત્રણો વિશ્વભરમાં અજંપાનું કારણ બની રહ્યા છે

ગયા વર્ષના શરૂઆતથી જ વિશ્વભરના દેશોમાં કોરોનાવાયરસનો રોગચાળો ફેલાવા માંડ્યો તેના પછી કેટલાક બહુ પ્રચલિત બનેલા શબ્દોમાંનો એક શબ્દ લૉકડાઉન છે. રોગચાળાને ફેલાતો અટકાવવા ભારત સહિતના અનેક દેશોએ લૉકડાઉનનો અમલ કરાવવો પડ્યો. ગયા વર્ષના એપ્રિલ-મે માસમાં ભારતમાં અમલમાં મૂકવામાં આવેલું લૉકડાઉન તો વિશ્વના સૌથી કડક લૉકડાઉનોમાંનું એક ગણાય છે. આ લૉકડાઉનોને કારણે વિશ્વના અનેક દેશોમાં પ્રજા અને સરકારી તંત્રો વચ્ચે સંઘર્ષ સર્જાયા.

ભારતમાં લોકોએ એકંદરે શિસ્તબધ્ધ રીતે લૉકડાઉનનું પાલન કર્યું, છતાં સંઘર્ષના અનેક બનાવો તો બન્યા જ. હવે એવા સમાચાર આવ્યા છે કે ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં લૉકડાઉનનો કડક અમલ કરાવવા માટે લશ્કર ઉતારવામાં આવ્યું છે. કોવિડના રોગચાળામાં લૉકડાઉનનો અમલ કરાવવા માટે લશ્કરની મદદ લેવામાં આવી હોય તેવી વિશ્વમાં આ સંભવત: પ્રથમ ઘટના છે. ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોમાં કોરોનાવાયરસના કેસો નવેસરથી વધવા માંડતા હાલ સિડની શહેર સહિતના વિસ્તારોમાં નવેસરથી નિયંત્રણો લાદવા પડી રહ્યા છે કે પછી સખત નિયંત્રણોનો ઓસ્ટ્રેલિયાની સરકાર હઠાગ્રહ કરી રહી છે. સિડનીમાં તો થોડા દિવસો પહેલા લૉકડાઉનના અમલ સામે મોટું તોફાન પણ થયું હતું, ત્યાં હવે લશ્કર ઉતારવામાં આવ્યું છે.

સિડનીમાં લૉકડાઉનનો અમલ કરાવવા માટે ઓસ્ટ્રેલિયન સરકારે ૩૦૦ જેટલા સૈનિકો મોકલ્યા છે. સિડની શહેરના ખાસ કરીને વિદેશથી આવેલા કામદારોની વસ્તીવાળા ગરીબ વિસ્તારોમાં લૉકડાઉનનો અમલ કરવા માટે આ સૈનિકોને ગોઠવવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં રસીકરણની ગતિ ધીમી છે, તેમાં પણ ગરીબ વિસ્તારોમાં તો ફક્ત ૧૩ ટકા જેટલા લોકોનું જ રસીકરણ થઇ શક્યું છે. ધનવાન વિસ્તારોમાં પણ ૨પ ટકા જેટલા લોકોનું રસીકરણ થઇ શક્યું છે.

હવે ઓસ્ટ્રેલિયા ઝીરો કોવિડ વ્યુહરચના અપનાવી રહ્યું છે અને આ માટે કડક લૉકડાઉનનો અમલ કરાવી રહ્યું છે પરંતુ અત્યાર સુધીના પુરાવા જણાવે છે કે કડક લૉકડાઉન છતાં રોગચાળાનો દર શૂન્ય કરવો મુશ્કેલ છે. અને આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોમાં લૉકડાઉનના અમલ બાબતે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયામાં ડેલ્ટા વેરિઅન્ટ પણ ફેલાવા માંડ્યો છે જે એક ચિંતાની બાબત છે. લશ્કર ઉતારવામાં આવ્યું તે બાબતે લોકોના અહીં મિશ્ર પ્રતિભાવ છે. કેટલાક કહે છે કે આ જરૂરી છે, તો કેટલાક કહે છે કે આનાથી લોકોમાં નાહકનો ભય ફેલાશે.

આ લૉકડાઉનો અને નિયંત્રણો આપણે અગાઉ કહ્યું તેમ શરૂઆતથી જ વિશ્વમાં અનેક સ્થળે સંઘર્ષનું કારણ બની રહ્યા છે. લોકોને પોતાની જીવાદોરી, રોજગારી અને આઝાદી ઝૂંટવાતા લાગે છે અને લોકો ઘણી વખત ધીરજ ગુમાવીને હિંસા પર ઉતરી આવે છે. ઘણી વખત પોલીસ સહિતના સરકારી તંત્રોનું સખત વર્તન પણ સંઘર્ષનું કારણ બને છે. ભારતમાં પણ ઠેર ઠેર આવા અનેક સંધર્ષના બનાવો બન્યા જ છે. યુરોપમાં તો અનેક દેશોમાં લૉકડાઉન સામે હિંસક તોફાનો ફાટ્યા હતા. સરકાર અને પ્રજા – ઉભય પક્ષની સમજદારી જ આવા સંઘર્ષો નિવારી શકે.

Most Popular

To Top