‘હું અને મારા પતિ બેંકમાંથી લોન અપાવવાનું કામ કરીએ છીએ તમારે લોન લેવી તો અમારો સંપર્ક કરો ‘ કહી કરી છેતરપિંડી

નવસારી(Navsari) : ગણદેવીમાં સરકારી લોન અપાવવાના બહાને દંપતીએ ૮ લોકો પાસેથી ૨૦૩ ગ્રામ સોનું અને ૧૬.૭૯ લાખ લઈ છેતરપિંડી આચરતા મામલો ગણદેવી પોલીસ મથકે (Police Station) નોંધાયો છે.

મળતી માહિતી મુજબ વલસાડના ગોરગામ અરવાડા ફળીયામાં રહેતા અનુપ્રિયા ચેતનભાઈ પટેલ પરિવાર સાથે ૪ મહિના પહેલા અમલસાડ કામ અર્થે આવ્યા હતા. ત્યારે તેઓ હેતલબેન અને તેમના પતિ ચંદ્રકાંત પટેલને મળ્યા હતા. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, ‘હું અને પતિ પીએમઈજીપી માંથી સરકાર દ્વારા લોન મળતી હોય છે. તે બેંકમાંથી લોન અપાવવાનું કામ કરીએ છીએ. જેથી તમારે લોન લેવાની હોય તો અમારો સંપર્ક કરવો. ત્યારબાદ અનુપ્રિયા અને તેના પતિને ગૃહ ઉદ્યોગ ખોલવા માટે ૨૫ લાખની લોન લેવાની વાત કરતા તેઓએ લોન અપાવવાની હા પાડેલી. જેથી હેતલબેન અને ચંદ્રકાંતભાઈએ ફાઈલ ચાર્જના ૧ લાખ રૂપિયા અને ૪ લાખ રૂપિયા ડીપોઝીટ ભરશો તો લોન મંજુર થશે તેમ જણાવ્યું હતું.
એક અઠવાડિયા બાદ અનુપ્રિયા અને તેના પતિએ પહેલા ૯૫ હજાર રોકડા ત્યારબાદ ૪ લાખ ડીપોઝીટ પેટે હેતલબેનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. તેઓએ ૨૨ દિવસમાં લોન પાસ થઈ જશે તેમ જણાવ્યું હતું. પરંતુ ચાર મહિના વીતી જવા છતાં લોન મંજુર કરાવી ન હતી.

આ સિવાય હેમલતાબેન અને ચંદ્રકાંતભાઈએ માછીયાવાસણ માછીવાડમાં રહેતા કમળા ગણપતભાઈ ખલાસી પાસેથી ૬૬ ગ્રામ સોનું લઈ ૧.૫૦ લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ કોઈ ગોલ્ડ લોન કરાવી ન હતી કે સોનું પરત આપ્યું ન હતું. મોવાસામાં રહેતા મયુરભાઈને ડી.જે. સાઉન્ડ સીસ્ટમ ખરીદવા ૬.૦૫ લાખની જરૂર હોવાથી ૨.૨૫ લાખ રૂપિયા રોકડા હેતલબેન અને ચંદ્રકાંતભાઈને આપ્યા હતા. પરંતુ હેતલબેને અને ચંદ્રકાંતભાઈએ લોન માટે બીજાના નામે કવોટેશન મૂકી ૫.૪૪ લાખની લોન મેળવી તેઓએ અંગત ખર્ચમાં વાપરી નાખ્યા હતા. પરંતુ તે લોનના ત્રણ હપ્તા મળી ૨૪ હજાર રૂપિયા મયુરે ભર્યા હતા. નયનાબેન પટેલે ઘર બાંધવા માટે ૫૦ હજાર રૂપિયાની લોન લીધી હતી. જે લોનના હપ્તા રૂપે હેતલબેનને દર મહીને ૫ હજાર રૂપિયાના લેખે એક વર્ષમાં ૬૦ હજાર રૂપિયા આપ્યા હતા. પરંતુ તે રૂપિયા હેતલબેને બેંકમાં ભર્યા ન હતા.

કછોલી સરદાર નગરમાં રહેતા જતીનભાઈ ઈશ્વરભાઈ તલાવીયા પાસેથી ૮૫ હજાર રૂપિયા લઈ લોન પાસ કરાવી ન હતી. માછીયાવાસણ માછીવાડ ગામે રહેતા કોકીલા ખલાસીએ દીકરાને વિદેશ મોકલવા માટે ૧૭ ગ્રામ સોનું લઈ ૨૫ હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. જોકે કોકિલાબેને તેમને ૨૫ હજાર રૂપિયા પરત આપી દીધા હતા. પરંતુ સોનું પરત આપ્યું ન હતું. ચીખલીના તલાવચોરા ગામે પટેલ ફળીયામાં રહેતા મમતા પટેલના ૨.૭૦ લાખ રૂપિયા અને ૧૨૦ ગ્રામ સોનું પરત આપ્યું ન હતું. વિજલપોર જલકમલ સોસાયટીમાં રહેતા નયનાબેન પટેલની લોન કરાવવા માટે હેતલબેને ચંદ્રિકાબેન પાસેથી ૩ લાખ રૂપિયા લીધા હતા. જેમાંથી ૧ લાખ રૂપિયા પરત આપ્યા હતા. ત્યારબાદ તેઓએ ચંદ્રિકાબેન પાસેથી ૨.૫૦ લાખ રૂપિયા ઉછીના માંગ્યા હતા. પરંતુ એકપણ રૂપિયો પરત કર્યો ન હતો. આ બનાવ અંગે અનુપ્રિયાબેને ગણદેવી પોલીસ મથકે હેતલબેન અને તેમના પતિ ચંદ્રકાંતભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. ડી.આર. પઢેરીયાએ હાથ ધરી છે.

Most Popular

To Top