લગભગ સાંઠની આસપાસનાં લતાબેનને કોવિડનો ચેપ લાગ્યો. એમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. થોડા દિવસ પછી એ સાજાં થયાં અને એમને રજા મળી ગઈ. એકાદ અઠવાડિયા પછી એમને ફરી તાવ શરૂ થયો.
ફરીથી એમને એ હોસ્પિટલમાં દાખલ કરાયાં – કોવિડ ટેસ્ટ નેગેટિવ હતો અને કોરોનામાં કરાતાં બ્લડ ટેસ્ટ અને CT સ્કેનમાં ખાસ ગરબડ નહોતી. ફક્ત શ્વેતકણ વધારે આવતા હતા – જે કોવિડ ન્યુમોનિયામાં વપરાતાં સ્ટેરોઇડ્સને કારણે પણ હોઈ શકે. તેમને ફરીથી એન્ટિબાયોટિક આપવામાં આવ્યા અને થોડી રાહત થતાં એમને રજા આપવામાં આવી. બે દિવસ પછી એમને તાવ ચાલુ રહેતા, તે બીજા અભિપ્રાય માટે આવ્યા.
ચીની કોવિડ બીમારીએ ડૉક્ટર અને દર્દીને દૂર કરી દીધા છે. મોટા ભાગના ડૉકટરો ફોન પર ટેલી-કન્સલ્ટેશન કરે છે અને જરૂર ન હોય તો દર્દીને અડવાનું ટાળે છે. હું પણ એમાં અપવાદ નથી! પણ આ કેસમાં દર્દી થોડા લાંબા સમયથી પીડાતા હોવાને કારણે અને વેક્સિનથી મળેલી હિમ્મતને કારણે મેં દર્દીને પહેલાંની જેમ તપાસ્યા અને એટલે જણાયું કે લીવર ખાસું એવું મોટું થયું હતું. તરત સોનોગ્રાફી કરવામાં આવી અને લીવર એબ્સેસ – લીવરમાં પરુ થયું છે એ ચોક્કસ થઈ ગયું. એને લગતી સારવાર શરૂ કરાઈ અને બે દિવસ પછી લીવરમાંથી બસો ગ્રામ જેટલું પરુ સોયથી ખેંચી કાઢવામાં આવ્યું. એ પછી આવા બે વધુ કેસ જોવા મળ્યા – એ દર્દીઓનાં સગાંઓ સાથે થયેલી વાતચીતના અંશો:
લીવરમાં પરુ કેમ થાય છે? અને એના ચિહ્નો શું છે?
દરેક અવયવની જેમ લીવરને હૃદયમાંથી લોહી મળે છે, જેનો હિસ્સો 20% છે. પણ એની બીજા નંબરની લોહીની આવક પોર્ટલ વેઇન દ્વારા મળે છે જે આંતરડા, પેન્ક્રિયાઝ, બરોળ જેવાં અવયવોમાંથી લોહી લઈ આવે છે. એમાં પાચન થયેલા પદાર્થ હોય છે જેનું નિયંત્રણ લીવરમાં થાય છે. એની સાથે સાથે આંતરડામાં રહેલા જંતુઓ પણ લીવરમાં પ્રવેશી શકે છે અને જયારે ઇમ્યુનિટી ઘટેલી હોય – આ કેસમાં કોવિડ અને તેમાં વપરાયેલી દવાઓને કારણે – ત્યારે લીવરમાં રોગ ફેલાવી શકે છે. એમાં આંતરડામાં રહેલા બેક્ટેરિયા અને આપણા દેશમાં મરડાના અમીબા જેવા જંતુઓ પણ કારણ હોય છે.
તાવ, પેટમાં દુખાવો, ઉબકા કે ઊલ્ટી, ભૂખ ન લાગવી એવી ફરિયાદો સાથે દર્દી આવે છે.
નિદાન કેવી રીતે થાય?
ચિહ્નો અને શારીરિક તપાસ પછી જરૂરી લોહીની તપાસમાં શંકા હોય તો સોનોગ્રાફી કરવાથી નિદાન સહજ બને છે. અમુક કેસમાં CT સ્કેનની પણ જરૂર પડે છે.
સારવાર શું?
મોટા ભાગના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી એન્ટિબાયોટિક દવાઓ અને મરડાની દવાનાં ઇન્જેક્શન આપવામાં આવે છે. પરુ પ્રવાહી રૂપમાં આવે એટલે સોનોગ્રાફીની મદદથી સોયા દ્વારા ખેંચી લેવાય છે. થોડું પરુ રહે તે દવા દ્વારા સુકાઈ જાય છે. કોઈક કેસમાં ફરી કાઢવાની જરૂર પડી શકે છે.