દરેક વ્યક્તિ પાસે પોતાનો કહી શકાય એવો ‘મી ટાઈમ’ હોવો જોઈએ. આ‘મી ટાઈમ’ એટલે ‘મારો ટાઈમ’, ‘મારો સમય’ જે સંપૂર્ણપણે મારો હોય! વિચારીને જ કેટલી મજા આવી જાય, નહીં! તમને પણ થતું હશે ને કે દિવસનો થોડો સમય એવો હોય કે જેમાં મને ઈચ્છા થાય તો ટીવી જોઉં, કંઇક ને કંઇક ખાધા કરું, કે પછી કોઈ બૂક વાંચું કે કોઈની સાથે ફોન પર વાત કરું કે પછી યોગા કે કસરત જ કેમ ન કરું! કંઈ પણ જે મને ગમે, મેરી મરજી.
આ‘મી ટાઈમ’ દરેકને પ્રિય હોય. કારણ કે એ આપણા માટે છે, તમારા પોતાના માટે. એ ટાઈમ પછી 10 મિનીટનો હોય કે 2 કલાકનો. તમે ઘણી વાર એવું જોયું હશે કે કોઈ વ્યક્તિ તેને ગમતી પ્રવૃત્તિ કરે પછી એકદમ ફ્રેશ દેખાય. તેનો થાક જાણે ઓછો થઇ ગયો તેવું લાગે! કારણ કે ‘મી ટાઈમ’માં તમે જેવા છો, તેવા જ રહો છો. કોઈ બાહ્ય દેખાડો તેમાં નથી હોતો. એ સમય તમે ફક્ત તમારા માટે જીવો છો. એવામાં જો આ ‘મી ટાઈમ’ને તમારા જીવનનું અભિન્ન અંગ બનાવી દેવાય તો તમે દરેક પળ, દરેક દિવસને એન્જોય કરવા લાગશો.આ ‘મી ટાઈમ’ની જરૂરિયાત તમારી આસપાસના લોકો સમજી ન શકે. પણ પહેલું સુખ તે જાતે નર્યા. નક્કી તમારે કરવાનું છે કે ચીડચીડ કરીને દિવસો કાઢવા છે કે પછી હોંશેહોંશે આ જીવનને અને સંબંધોને માણવા છે!. 4 એપ્રિલ international mine awareness day છે ત્યારે ગુજરાતમિત્ર સિટીપલ્સે પોતાની રોજીંદી બિઝી લાઈફમાંથી ‘મી ટાઈમ’ કાઢીને કઈ રીતે પોતાને અવેર કરી શકાય તે વિશે માહિતી મેળવી હતી.
સેલ્ફ અવેરનેસની જરૂર શા માટે છે.
કોઈ પણ મશીનને ચોક્કસ સમય પર સર્વિસિંગની જરૂર પડે તેમ આપણી પણ સર્વિસ થવી જોઈએ. હા, છ-બાર મહીને, થાક ઉતારવા વેકેશન પર જઈ આવીએ એ અલગ વસ્તુ છે, પણ દરરોજ જો આ ટેવ પાડવામાં આવે તો તમારી અંદર આવતા સકારાત્મક બદલાવને તમારી સાથે તમારી આસપાસના લોકો પણ અનુભવશે. આ‘મી ટાઈમ’તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે, તો બીજી ઘણી રીતે આ ‘મી ટાઈમ’તમને ફાયદો પણ કરાવી શકે છે:
તમને તમારી જાત સાથે રૂબરૂ કરાવે છે જે આજના આ ફાસ્ટ સમયમાં જાણે ક્યાંય ખોવાઈ ગયું છે.
અન્ય કામ અને સમય માટે તમને સજ્જ બનાવે છે.
તમારા નજીકના સંબંધો વધુ મજબૂત બનાવે છે.
તમને એક સરળ જીવનથી રૂબરૂ કરાવે છે જ્યાં કોઈ હરીફાઈ નથી.
તમારા વિશે વિચારવાનો સમય તમને મળે છે.
તમે વધુ કાર્યક્ષમ બનો છો.
તમારી ખુશી, તમારું સ્વાસ્થ્ય તમારા માટે કેટલા મહત્ત્વના છે એની તમને જાણ થાય છે.
તમારી નબળાઈઓ જાણી, વિચારી શકો છો, કેવી રીતે તેના પર કામ કરશો તેનો પ્લાન કરીશકો છો.
‘મીટાઈમ’ તમને એકાગ્ર બનાવે છે.
‘મી ટાઈમ’ તમારું સ્ટ્રેસ લેવલ ઓછું કરી શકે છે. – ડો. હેતલ ભાલોડિયા
‘મી ટાઈમ’ માં તમારી જાતને જ પૂછો કે ‘તારે શું કરવું છે? તને શું ગમે છે?’ ડ્રોઈંગ, ટીવી, બૂક, બેકિંગ, કે પછી કંઈ પણ…પછી ભલે ને તે સમય થોડી મિનિટોનો જ હોય, પણ એ સમય તમને હળવા બનાવશે. તમારું સ્ટ્રેસ લેવલ ઓછું કરશે. હા, ઈચ્છા થાય તો મ્યુઝીક ચાલુ કરી ડાન્સના ઠુમકા મારી લો. સો વાતની એક વાત, તમને જે ગમે તે કરો. જીવનના આવનારા ટાસ્ક માટે પોતાની જાતને તૈયાર રાખવી હોય તો આટલું તો કરવું જ રહ્યું, પછી જુઓ જીવનમાં કેવો સકારાત્મક બદલાવ આવે છે.
મી ટાઈમ તમને બીજા દિવસ માટે અપડેટ કરે છે : ડો. કિર્તી માટલીવાલા
ડો. કિર્તી માટલીવાલા નર્મદ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને ખૂબ સારા કાઉન્સેલર છે. પોતાના ‘મી ટાઈમ’ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ‘મી ટાઈમ’ નું લાઈફમાં ખૂબ મહત્વ છે. વ્યક્તિ બે રીતે અવેર થઈ શકે છે, એક તો નોલેજથી અને બીજું ઈનર અપડેટ થવાથી. હું રોજ સવારે પ્રાણાયમ અને મેડિટેશન કરું છું અને સાંજે પોતાની મનગમતી બુક વાંચું છું. જે મને બીજા દિવસ માટે અપડેટ કરે છે. દરેક પાર્ટનરે એકબીજાને તેમના ‘મી ટાઈમ’ માટે સ્પેશ આપવી જોઈએ. તો તેમની વચ્ચેનું બોન્ડીંગ સ્ટ્રોંગ રહે છે.
મારા ‘મી ટાઈમ’ માં હું મારી સાથે જ વાતો કરી લઉં છું : પ્રતિભા
પ્રતિભા હાઉસ વાઈફ છે. તેણે પોતાના ‘મી ટાઈમ’ વિશે વાત કરતા જણાવ્યું હતું કે લોકોને ભલે એમ લાગે કે હું હાઉસ વાઈફ છું મારી પાસે ધરના કામ સિવાય બીજું કોઈ કામ નથી, પણ મારું સૌથી મોટું કામ છે મારી માટે સમય કાઢવો અને પોતાની સાથે જ વાતો કરવી. ઘણી વખત કોઈને આપણા મનદુઃખ કહેવાથી આપણે હળવા થઈ જઈએ છીએ. ડોક્ટરોના મતે અરીસાની સામે બેસીને પોતાની સાથે વાતો કરવી એક બિમારી છે પણ મારી માટે તે સેલ્ફ અવેરનેસનું કામ કરે છે. ઘણી વખત આપણને સાંભળવા અને સમજવાવાળું કોઈ હોતું નથી ત્યારે હું રોજ 15 થી 20 મિનિટ મારા ‘મી ટાઈમ’ નો ઉપયોગ કરી લઉં છું.
હું રોજ ઓફિસથી છૂટીને એક કલાક ફોટોગ્રાફી કરું છું. : સંદિપ સવાણી
ઈન્ડિયામાં આઠ કલાકની જોબ ફરજીયાત છે. હું એક એવી ઈન્ડસ્ટ્રીમાં છું જેમાં આઠ સેકન્ડ પણ જો તમારું ધ્યાન બીજે જતું રહ્યું તો પ્રોજેક્ટની પથારી ફરી જાય. આઠ કલાક પછી જ્યારે હું ઓફિસની બહાર નિકળું તો જાણે એવું લાગે કે આઝાદી મળી. અને આઝાદી મળ્યા પછીની તરતની ક્ષણો દરેક માટે લાજવાબ હોય છે. મને ફોટોગ્રફીનો ખૂબ શોખ છે. હું હજીરામાં જોબ કરું છું ત્યાંથી ઘરે પહોંચતા મને એક કલાક થાય છે. હું ઓફિસથી નીકળી તરત જ મારો DSLR ગળામાં ભેરવીને એક કલાકમાં મને જે ક્ષણો મારા કેમેરામાં કેદ કરવા જેવી લાગે તે હું ક્લિક કરી લઉં છું. કેમ કે તે પાછી આવવાની નથી. મારો એ એક કલાક મારી માટે મારો ‘મી ટાઈમ’ છે.