IRCTC પર ₹10 લાખ, વેન્ડર પર ₹50 લાખનો દંડ
ભારતીય રેલવેની પ્રીમિયમ ટ્રેન Vande Bharat Expressમાં ભોજનની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પટણા, ટાટાનગર રૂટ પર દોડતી ટ્રેનમાં એક મુસાફરે દહીંમાં જીવતા કીડા મળ્યાનો વીડિયો વાયરલ કરતા રેલવે તંત્ર હરકતમાં આવ્યું છે.

આ મામલે Indian Railwaysએ કડક કાર્યવાહી કરતાં Indian Railway Catering and Tourism Corporation (IRCTC) પર ₹10 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે ખોરાક પૂરું પાડનાર વેન્ડર પર ₹50 લાખનો ભારે દંડ મૂકવામાં આવ્યો છે. સાથે જ વેન્ડરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ્દ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
માહિતી મુજબ, 15 માર્ચ 2026ના રોજ ટ્રેન નંબર 21896 (પટણા-ટાટાનગર વંદે ભારત એક્સપ્રેસ)માં મુસાફરે ભોજન દરમિયાન દહીંમાં જીવતા કીડા જોવા મળ્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો, જેના કારણે રેલવે મંત્રાલયને તાત્કાલિક પગલાં લેવા પડ્યા.
વીડિયોમાં જોવા મળે છે કે મુસાફર ટ્રેન સ્ટાફને દહીંનો કપ બતાવીને પૂછે છે કે તેમાં કંઈ દેખાય છે કે નહીં. શરૂઆતમાં સ્ટાફ દ્વારા આને “કેસર” (સાફરન) કહીને ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મુસાફર અને અન્ય લોકો માટે આ દલીલ હાસ્યાસ્પદ બની ગઈ અને મામલો વધુ ગરમાયો.
રેલવે મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી અને ભોજનની ગુણવત્તા તેમની પ્રથમ પ્રાથમિકતા છે. આવી બેદરકારી કોઈ પણ રીતે સહન કરવામાં આવશે નહીં અને જવાબદાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ ઘટનાએ ફરી એકવાર ટ્રેનોમાં મળતા ભોજનની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને પ્રીમિયમ ટ્રેનોમાં આવી ઘટનાઓ મુસાફરોના વિશ્વાસને આંચકો પહોંચાડે છે. હાલમાં, રેલવે તંત્રએ ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે વધુ કડક દેખરેખ અને ગુણવત્તા ચકાસણી હાથ ધરવામાં આવશે.