Gujarat

કચ્છમાં દારૂની હેરાફેરી બેફામ – 15 દિવસમાં 7 કરોડનો દારૂ જપ્ત, SMC દરોડા બાદ પોલીસ બેડામાં ધડાધડ બદલીઓનો દોર

ગાંધીનગર,તા.23
ગાંધીના ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ હોવા છતાં સરહદી કચ્છ જિલ્લામાં દારૂનો જથ્થો સતત ઝડપાઈ રહયો છે. છેલ્લા માત્ર 15 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)એ કચ્છના પૂર્વ અને પશ્ચિમ બેડામાં મળીને અંદાજે 7 કરોડનો ભારતીય બનાવટનો ઈગ્લીંશ દારુ જપ્ત કર્યો છે. છેલ્લા 24 કાલકની અંદર પૂર્વ કચ્છના ભચાઉ નજીક મીઠાના અગરોમાં કરવામાં આવી હતી, જ્યાંથી 1 કરોડ 30 લાખનો અંગ્રેજી દારુ સહિતનો મુદામાલ કબજે કરાયો છે.

SMCને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભચાઉ નજીક મીઠાના અગરોમાં રવિવારે મધરાતે દરોડો પાડવામાં આવ્યો હતો. ભચાઉનો લિસ્ટેડ બુટલેગર અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા અને તેના સાગરીતો દારૂનો જથ્થો ઉતારી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ટીમે ચાર કિલોમીટર સુધી ખેતરો ખૂંદીને સ્થળ સુધી પહોંચી દરોડો પાડ્યો ત્યારે દારૂની બોટલોનું કટિંગ ચાલી રહ્યું હતું. મોબાઇલની લાઇટમાં SMCની ટીમ દેખાતાં જ બુટલેગરો ભાગી છૂટ્યા હતા.

પોલીસે 7080થી વધુ બોટલો જપ્ત કરી, જેણી કિંમત અંદાજે 1.30 કરોડ રૂપિયા થાય છે. સાથે કન્ટેનર સહિતનો મુદામાલ કબજે કરીને અશોકસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, શિવમસિંહ જાડેજા સહિત 7 આરોપીઓને ભાગેડુ જાહેર કરીને ફરિયાદ નોંધવામાં આવી છે. દરોડા બાદ પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ધડાધડ બદલીઓ કરવામાં આવી છે. ભચાઉ પોલીસ સ્ટેશનના PI એ.એ. જાડેજા અને PSI ડી.જે. ઝાલાને લિવ રિઝર્વમાં મુકાયા છે. LCBના PI એન.એન. ચુડાસમાની કંડલા મરીનમાં બદલી કરી, તેમના સ્થાને આડેસરના PI જે.એમ. વાળાની નિમણૂક કરાઈ છે. ઉપરાંત SOG, ટ્રાફિક, એલઆઈબી સહિતના પોલીસની જુદી જુદી બ્રાન્ચોમાં પણ બદલીઓ કરાઈ છે.SMCની સતત કાર્યવાહીથી દારૂની હેરફેરના નેટવર્કને ઝાટકો લાગ્યો છે.

Most Popular

To Top