Columns

વૉરન બફેટ પાસેથી સાદાઈ શીખવા જેવી

હાલમાં જ વિશ્વની બીજા નંબરની ધનવાન વ્યક્તિએ સામાન્ય જનતાને એક કિંમતી સલાહ આપી. ‘‘હું ત્રણ બેડરૂમના ઘરમાં રહું છું. હું મોબાઇલ ફોન વાપરતો નથી. હું બ્રાન્ડેડ વસ્ત્રો ખરીદતો નથી. હું ડ્રાઇવર રાખતો નથી.’’ વિશ્વની બીજા નંબરની શ્રીમંત વ્યક્તિના જીવનની આ વાત છે તેની સલાહ ગંભીરતાથી લેવી જોઈએ અને તેમાંથી શીખવું જોઈએ.
વૉરન એડવર્ડ બફેટનો જન્મ 30 ઑગસ્ટ, 1930ના રોજ અમેરિકાના એક સ્ટોકબ્રોકર કમ કૉંગ્રેસમેન(સેનેટર)ના ઘરે થયો હતો. વૉરન બફેટ નાની વયમાં જ પૈસા અને બિઝનેસ પ્રત્યે દાખવેલી અભિરૂચિ અસાધારણ હતી. તેમણે 6 વર્ષની વયે જ તેમના દાદાના ગ્રોસરી સ્ટોરમાંથી કોકાકોલાના 6 નંગનું પેક 25 સેન્ટમાં ખરીદ્યું હતું અને પ્રત્યેક બૉટલ ફરી પાછી વેચી બૉટલદીઠ 5 સેન્ટનો પ્રૉફિટ કર્યો હતો. આ ઉંમરમાં બીજાં બાળકો રમવા સિવાય બીજું કાંઈ કરતા નહોતા. 11 વર્ષની વયે 38 ડૉલરના ભાવે તેમણે 3 શેર ખરીદ્યા હતા પરંતુ તેનો ભાવ ગગડીને 27 ડૉલર થઈ ગયો હતો. શરૂઆતમાં ગભરાઈ ગયેલા વૉરન શેરનો ભાવ 40 ડૉલર થયો ત્યાં સુધી ધીરજ રાખી હતી. એ પછી બફેટે તે શેર તરત જ વેચી દીધા હતા. એ શેરનો ભાવ 200 ડૉલર સુધી પહોંચી ગયો.

એ ભૂલમાંથી તેમણે એક પદાર્થપાઠ શીખ્યો કે મૂડીરોકાણમાં ધીરજ એ જ સર્વશ્રેષ્ઠ ગુણ છે. હાઈસ્કૂલમાં ભણતાં ભણતાં અખબારોનું વિતરણ કરી તેમણે 5 હજાર ડૉલર કમાઈ લીધા હતા. પિતાએ પુત્રને પરાણે યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયાની બિઝનેસ સ્કૂલમાં મોકલ્યો, ત્યારે વૉરેને ફરિયાદ કરી, ‘‘હું મારા પ્રોફેસરો કરતાં વધુ જાણું છું.’’ ફરી પાછા વતન ઓમાહા આવીને યુનિવર્સિટી ઑફ નેબ્રાસ્કામાંથી 3 જ વર્ષમાં ગ્રૅજ્યુએટ થઈ ગયા. આગળ ભણવા માટે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં વિદ્યાર્થીની વય ઓછી છે તેમ કહી તેમને પ્રવેશ ન આપ્યો. તે પછી તેમણે કોલંબિયામાં બેન ગ્રેહામ પાસેથી મૂડીરોકાણનું શિક્ષણ લીધું. આજે વૉરન બફેટ વિશ્વની બીજા નંબરની ટોચની ધનવાન વ્યક્તિ અને ‘ઇન્વેસ્ટર્સ આઇકન’ મનાય છે. કોકા-કોલાથી માંડીને બર્કશાયર જેવી અનેક કંપનીઓમાં તેમનું જંગી મૂડીરોકાણ છે. વૉરન બફેટે 31 મિલિયન ડૉલરનું દાન કર્યું છે. પછીના તેમના ઇન્ટરવ્યૂમાંથી શીખવા જેવી કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે :

તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.
મેં 14 વર્ષની વયે ન્યૂઝપેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી, તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. સલામતી માટે પણ માણસો રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો. બર્કશાયર હાથવે નામની મારી પેઢી 63 જેટલી કંપનીઓ ધરાવે છે. આ તમામ કંપનીઓના CEOને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું.

મારા CEOને બે નિયમો આપું છું, એક શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીં. બે, પહેલા નંબરના રૂલનો કદી ભંગ થવો જોઈએ નહીં. તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી વ્યવસ્થા કરો. તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. મારી પાસે કોઈ સેલફોન નથી. હું કોઈ ક્રેડિટ કાર્ડ રાખતો નથી કે બૅન્કોમાંથી લોન લેતો નથી. પૈસો માનવીનું સર્જન કરતો નથી પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે. બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.

વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સ વૉરેન બફેટને મળવા ગયા અને પૂરા 10 કલાક બાદ ઊભા થયા. તે દિવસ બાદ બિલ ગેટ્સ વૉરેન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા. ભારતના નવધનિકોને વૉરેન બફેટની આ સલાહો નહીં ગમે પરંતુ સામાન્ય વ્યક્તિઓએ તો જીવનમાં ઉતારવા જેવી છે.
ubhavesh@hotmail.com

Most Popular

To Top