બોલિવૂડની મોટા બજેટની ફિલ્મો એક પછી એક મોકૂફ રાખવામાં આવી રહી છે. પહેલાં ફિલ્મોની રજૂઆતની યાદીમાં નામો ઉમેરાઇ રહ્યાં હતાં હવે રજૂઆત બંધ રહી છે એવી ફિલ્મોની યાદીમાં નામો વધી રહ્યાં છે. ભારતમાં કોરોનાની બીજી લહેરની ઝપટમાં ફિલ્મ ઉદ્યોગ બરાબર આવી ગયો છે. જે નવી ફિલ્મોની રજૂઆત અટકી ગઇ છે એની યાદીમાં ૩૦ એપ્રિલની જાહેર થયેલી અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ નું નામ જોડાઇ ગયું છે. નિર્દેશક રોહિત શેટ્ટી રજૂઆતનું વચન પાળી શકયા નથી.
હવે સલમાનની ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ’ મે માસમાં આવવાની હોવાથી તેના કમિટમેન્ટમાં ફેરફાર થશે કે નહીં એના પર બધાંની નજર છે. મહારાષ્ટ્રમાં વીકએન્ડમાં લૉકડાઉનની જાહેરાત પછી હજુ બીજી ઘણી ફિલ્મોની રજૂઆત અટકી શકે છે. કોરોનાને કારણે દર્શકો થિયેટર સુધી પહોંચી શકે એમ ન હોવાથી નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ત્યારે નવાઇ પમાડે એવી વાત એ છે કે બોલિવૂડની માર્ચમાં રજૂ થયેલી પાંચ ફિલ્મોની કુલ કમાણી કરતાં હોલિવૂડની ‘ગોડજિલા વર્સીસ કોંગ’ નો વકરો વધારે રહ્યો છે. ‘સાયના’ ની નિષ્ફળતાએ સ્પોર્ટસ પરની અન્ય બાયોપિકના નિર્માતાઓને ચિંતામાં મૂકી દીધા છે. રણવીરસિંહની ‘૮૩’, અજય દેવગનની ‘મેદાન’, તાપસીની ‘શાબાશ મિઠુ’, ફરહાન અખ્તરની ‘તૂફાન’, અમિતાભની ‘ઝુંડ’, શાહિદ કપૂરની ‘જર્સી’, તાપસીની ‘રશ્મિ રોકેટ’ વગેરે વિવિધ રમતો પર જ આધારિત છે. હાલ તો કોરોનાને કારણે એમની રજૂઆતનું આયોજન થઇ શક્યું નથી. કલાકારો કોરોનાગ્રસ્ત થઇ રહ્યા હોવાથી તેમની નવી ફિલ્મોના શૂટિંગનું કામ પણ અટકી ગયું છે.
રણબીર કપૂર, આમિર ખાન, અક્ષયકુમાર, આલિયા ભટ્ટ, આમિર ખાન, આર. માધવન વગેરે વીસ જેટલા સ્ટાર્સને કોરોના થતાં તેમની ફિલ્મોના શૂટિંગ પર અસર થઇ છે. કોરોનાથી સંક્રમિત આર. માધવન પોતાની નવી ફિલ્મ ‘રોકેટ્રી: ધ નમ્બિ ઇફેક્ટ’ તૈયાર થઇ ગઇ હોવાથી ખુશ છે. તેની નિર્દેશક તરીકેની આ પહેલી ફિલ્મની રજૂઆતને અસર જરૂર થવાની છે. ફિલ્મની રજૂઆતની તારીખ જાહેર કરવામાં આવી નથી. માધવન તેને થિયેટરમાં રજૂ કરવા રાહ જોવા માગે છે. આર. માધવન પોતાની ભૂમિકામાં પ્રભાવિત કરી રહ્યો છે. તેની કારકિર્દીની આ મહત્ત્વની ફિલ્મ બની રહેવાની છે. અક્ષયકુમારની ‘મિશન મંગલ’ જેવી આ ફિલ્મ બનાવીને આર. માધવન પણ દેશભક્તિની ફિલ્મો તરફ વળી રહ્યો છે. ઇસરોના એન્જિનિયરના જીવન પર આધારિત દેશભક્તિની આ ફિલ્મનું ટ્રેલર રજૂ કરી દેવામાં આવ્યું છે. એમાં ‘ઓક્સફર્ડ ડિક્શનરીમેં દેશભક્તિ કા મતલબ સમજાને કે લિયે ઉન્હોને તુમ્હારી તસવીર છાપ રખી હૈ’ અને ‘જિસ તરહ કિસી કુત્તે કો મારના હો તો અફવા ફૈલા દો કી વહ પાગલ હૈ, ઠીક ઉસી તરહ કિસી ઇન્સાન કો બરબાદ કરના હો તો યે એલાન કર દો કિ વો દેશદ્રોહી હૈ’ જેવા દમદાર સંવાદને કારણે ટ્રેલરને સારો પ્રતિભાવ મળ્યો છે.
ટ્રેલરની શરૂઆતમાં શાહરૂખ ખાનને જોઇને તેના ચાહકોએ વધારે ખુશ થવાની જરૂર નથી. ફિલ્મમાં શાહરૂખની મહત્ત્વની નહીં મહેમાન ભૂમિકા જ છે. શાહરૂખે એકમાત્ર સિધ્ધાર્થ આનંદ નિર્દેશિત ‘પઠાન’ માં કામ શરૂ કર્યું છે. ફિલ્મના શૂટિંગનો બસ પરના એક્શન દ્રશ્યોનો તેનો વીડિયો જાહેર થયા પછી આ એક મોટી એક્શન ફિલ્મ હોવાનું લાગી રહ્યું છે. તે અત્યારે બીજી કોઇ ફિલ્મ કરી રહ્યો નથી. છ ભાષાઓમાં રજૂ થનારી ‘રોકેટ્રી’ ના ટ્રેલરમાં શાહરૂખ આર. માધવનને સવાલ પૂછતો દેખાય છે ત્યારે દર્શકો શાહરૂખને તેની કારકિર્દી વિશે સવાલ વધારે પૂછી રહ્યા છે. ત્રણ મહિના પછી શાહરૂખે ફરી સોશ્યલ મીડિયા પરના પોતાના ચાહકો સાથે સંવાદ કર્યો ત્યારે ફરી એ જ સવાલ પૂછવામાં આવ્યો કે નવી ફિલ્મની જાહેરાત ક્યારે કરવાનો છે? શાહરૂખે જવાબમાં કહ્યું કે એનાઉન્સમેન્ટ તો એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર થાય છે. અગાઉ પણ એવો પ્રશ્ન પૂછાયો હતો કે નવી ફિલ્મની જાહેરાત ક્યારે કરશો? ત્યારે તેણે એમ જ કહ્યું હતું કે,‘‘મેં હી એનાઉન્સ કરુંગા ઔર કૌન કરેગા મેરે ભાઇ.’’ શાહરૂખ અત્યારે નવી ફિલ્મ વિશે જવાબ આપી શકે એવી સ્થિતિમાં નથી. અત્યારે તો શાહરૂખ ‘પઠાન’ ને જ પૂરી કરવામાં વ્યસ્ત છે કેમ કે એણે ‘પઠાન’ ને આ વર્ષે રજૂ કરવાનો વાયદો કર્યો છે.
ઓટોગ્રાફ!
ખબર છે કે શાહરૂખ ખાને યશરાજ ફિલ્મ્સની ‘પઠાન’ માટે બોલિવૂડના કોઇ પણ સ્ટાર કરતાં વધુ રૂ.૧૦૦ કરોડની ફી લીધી છે. (શાહરૂખ, તારી ‘ઝીરો’ ની ખોટ ઉપરાંત બે વર્ષ બેસી રહ્યો એના પણ વસૂલ કરી લીધા કે શું?!)