સુરત(Surat): એસવીએનઆઈટી કોલેજના (SVNIT Collage) ડ્રાઈવરને (Driver) અજાણ્યાને લિફ્ટ (Lift) આપવાનું ભારે પાડ્યું હતું. અજાણ્યાએ ચાલુ ગાડીમાં બાઈક ચાલકના પેટ પર ચપ્પુ (Knife) મૂકીને બાઈક બ્રિજ નીચે લેવા કહ્યું હતું. જ્યાં અગાઉથી ઊભેલા બે સાગરીતો મળી યુવકની પાસેથી રોકડા 500 રૂપિયા, મોબાઈલ, સોનાની વીંટી, ચાંદીની લક્કી, આધાર કાર્ડ અને એટીએમ કાર્ડ મળી કુલ 52,500 રૂપિયાની લૂંટ કરી ભાગી ગયા હતા.
અડાજણ ખાતે ગૌરીપાર્ક રો-હાઉસમાં રહેતો 25 વર્ષીય વિવેક કરશન નાઈ એસવીએનઆઈટી કોલેજમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તે નોકરી પરથી બાઈક ઉપર ઘરે પરત થઇ રહ્યો હતો ત્યારે પાલ બ્રિજ પાસે મન્કી કેપ પહેરેલાં અજાણ્યાએ લિફ્ટ માંગી હતી. તેમણે તેને લિફ્ટ આપતાં અજાણ્યાએ તેમના પેટ ઉપર ચપ્પુ મૂકી બાઇક બ્રિજની નીચે લેવડાવ્યું હતું. ત્યાં પહેલેથી ઉભેલા બે સાગરિતોએ તેમને ઘેરી લઈ બાઈકની ચાવી કાઢી તારી પાસે જે હોય તે આપી દે નહીંતર ચપ્પુ મારી દઈશ તેવું કહ્યું હતું. વિવેકના ખીસ્સામાંથી મોબાઈલ, પર્સમાં રહેલા રોકડા 500 રૂપિયા, આધારકાર્ડ, એટીએમ, સોનાની વીંટી અને ચાંદીની લક્કી મળી 52,500 રૂપિયાની લૂંટ કરી ત્રણેય લુંટારું ભાગી ગયા હતા. વિવેકે ઉમરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
વીસી અને ફિકસ ડિપોઝીડના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર બે ભાઈની ઘરપકડ
સુરત: લિંબાયતમાં રહેતા પિતા-પુત્ર તેમજ પુત્રવધૂએ ભેગા થઇને વીસી તેમજ ફિક્સ ડિપોઝિટના નામે તેલુગુ સમાજના અનેક લોકો પાસેથી એક કરોડ કરતાં પણ વધુની રકમ મેળવીને ઠગાઇ કરી હતી. પોલીસે ગુનો નોંધીને ઠગાઇ કરનાર બે ભાઇની ધરપકડ કરી હોવાની વિગતો મળી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમરોલી-કોસાડ રોડ ઉપર ઇડબ્લ્યૂએસ આવાસમાં રહેતા વેંકટેશ હનુમાન બોગા કતારગામની જીઆઇડીસીમાં કેપલોન કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે. આ દરમિયાન તેમની મુલાકાત સમાજના સાદુલા નરસૈયા ચંદ્રૈયા, મુરલી સાદુલા ચંદ્રૈયા, લક્ષ્મણ સાદુલા ચંદ્રૈયા, શેખર સાદુલા ચંદ્રૈયા તથા સ્વપ્ના શેખર ચંદ્રૈયા સાથે થઇ હતી. તેલુગુ પદ્મશાળી સમાજના સાદુલા ચંદ્રૈયાએ 25 વર્ષ પહેલા લિંબાયતમાં જય ભવાની તથા અન્ય અલગ અલગ નામથી વીસી તેમજ ફિક્સ ડિપોઝિટની સ્કીમ શરૂ કરી હતી. આ સ્કીમમાં વેંકટેશ તેમજ તેમના પરિવારના સભ્યોએ આશરે 1.45 લાખ જેટલી રકમ જમા કરાવી હતી. આ દરમિયાન વેંકટેશને જાણવા મળ્યું કે, સાદુલા ચંદ્રૈયા અને તેમનો પરિવાર લોકોની પાસેથી રૂપિયા લઇને પરત આપતો નથી. વેંકટેશે જમા કરાવેલી રકમ પરત માંગતાં સાદુલાએ ગાળાગાળી કરી હતી. તપાસ કરતાં કુલ 11 લોકોની સાથે 63.24 લાખથી પણ વધુની ઠગાઇ થઇ હોવાનું બહાર આવતાં પોલીસ ફરિયાદ થઇ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે રોકાણનો આંકડો 1 કરોડથી પણ વધુની હોવાની શક્યતાના આધારે અન્ય ભોગ બનનારની તપાસ શરૂ કરાઇ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને સાદુલા ચંદ્રૈયાના બે પુત્રો લક્ષ્મણ અને રાજશેખરની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.