નવી દિલ્હી: ઓલ્ડ રાજેન્દ્ર નગરની (Old Rajendra Nagar) ઘટના બાદ હવે UPSCના વિદ્યાર્થીઓ સામે એક નવી સમસ્યા ઉભી થઇ છે. અસલમાં UPSCના ક્લાસ લેતી લાઇસન્સવાળી લાઇબ્રેરીઓએ ઘટના બાદ તેમની ફી (Fees) બમણી કરી દીધી છે. ત્યારે UPSC ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ ખુબ જ દુ:ખ અને હેરાન થઇ પોતાની આ મુશ્કેલી જણાવી હતી.
અસલમાં દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર ગુર્ઘટના બાદ સિવિલ સર્વિસના ઉમેદવારોએ દાવો કર્યો હતો કે ‘બેઝમેન્ટ’માં ગેરકાયદેસર રીતે ચાલતા કોચિંગ સેન્ટરો સામે MCDએ કાર્યવાહી કરી હતી ત્યાર બાદ જૂના રાજેન્દ્ર નગર અને તેની આસપાસના વિસ્તારોમાં ઘણી લાઇસન્સ પ્રાપ્ત લાઇબ્રેરીઓએ તેમની ફી બમણી કરી દીધી છે. જેથી વિદ્યાર્થીઓ મુશકેલીમાં મુકાઇ ગયા છે. બીજી બાજુ બેઝમેન્ટમાં ચાલતા પીગીઓ પણ બંધ થઇ જતા હવે ઘણા વિદ્યાર્થીઓને બેઘર થવાનો પણ વારો આવ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ પોતાની આ સમસ્યાનો ઉકેલ MCD પાસે માંગી રહ્યા છે.
ઘટના બાદ MCDએ કાર્યવાહી કરી હતી
MCDએ ઓલ્ડ રાજેન્દ્ર નગરની એવી બિલ્ડિંગો વિરુદ્ઘ કાર્યવાહી કરી હતી કે જ્યાં લાઈબ્રેરી અને અન્ય કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટે ‘બેઝમેન્ટ’નો ઉપયોગ થતો હતો. અસલમાં આ વિસ્તારમાં રાઉના IAS કોચિંગ સેન્ટરના ભોંયરામાં ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહેલી લાઇબ્રેરીમાં વરસાદી પાણી ભરાવાને કારણે સિવિલ સર્વિસના ત્રણ ઉમેદવારોના મોત થયા હતા. ત્યાર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 27 જુલાઈએ આ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઇબ્રેરીની ફી બમણી થઇ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની પરીક્ષાની તૈયારી કરી રહેલા એક ઉમેદવારે જણાવ્યું હતું કે અગાઉ પુસ્તકાલયના માલિકો એક વ્યક્તિ પાસેથી દર મહિને રૂ. 2,000 થી રૂ. 3,000 વસૂલતા હતા, પરંતુ આ ઘટના પછી MCD દ્વારા ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી લાઇબ્રેરી અને કોચિંગ બંધ કરાવ્યા બાદ લાઇબ્રેરીએ ફી બમણી કરી છે. તેમજ હવે વિદ્યાર્થીઓ પાસે બહુ વિકલ્પ બચ્યો ન હોવાનો ફાયદો ઉઠાવીને ઘણી લાઇસન્સવાળી લાઈબ્રેરીઓના માલિકોએ ફી બમણી કરી દીધી છે. ત્યારે અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હવે રાજેન્દ્ર નગરની આસપાસના વિસ્તારો જેવા કે પટેલ નગરના પુસ્તકાલયમાં જતા વિદ્યાર્થીઓને 4,000 થી 5,000 રૂપિયા સુધીની ફી જમા કરવાનું કહેવામાં આવે છે.