ગાંધીનગર,તા.3
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ગઈકાલે ૨જી એપ્રિલના રોજ ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખેલા પત્ર બાદ આજે ભાજપે વલસાડના સાંસદ ધવલ પટેલના માધ્યમથી વળતો પ્રહાર કરી પ્રહાર કર્યા છે.
અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકાર આમ આદમી પાર્ટીના કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવી રહી છે અને લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આ પત્રથી રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા જાગી હતી.
ગઈકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખેલા પત્રના જવાબમાં ભાજપના પ્રવક્તા અને સાંસદ ધવલ પટેલે ‘કમલમ’ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કેજરીવાલનું નામ લીધા વિના તેમને ‘આયાતી નેતા’ ગણાવતા કહ્યું હતું કે, “જ્યારે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે ત્યારે દિલ્હીના આ નેતા આ રીતે પોલિટિકલ ડ્રામા અને સ્ટંટ શરૂ કરે છે.” ધવલ પટેલે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, ‘આપ’ના નેતાઓ પોલિટિકલ સ્ટંટમાં માહિર છે અને આવા પ્રયાસોથી રાજ્યમાં અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
સાંસદ ધવલ પટેલે ‘આપ’ના નેતાઓ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, આવા પોલિટિકલ સ્ટંટ દ્વારા ગુજરાતમાં અરાજકતા ફેલાવવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓનો ઇતિહાસ ગુનાહિત રહ્યો છે, જેમાં પંજાબમાં ૧૯ માર્ચે તેમના નેતા ડ્રગ સાથે ઝડપાયા હોવાનો અને અનેક નેતાઓ ગંભીર ગુનાઓમાં સામેલ હોવાનો દાવો કર્યો હતો. ગુજરાતનો ઉલ્લેખ કરતા તેમણે પ્રહાર કર્યો કે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ૨૦ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને ‘આપ’ના નેતાઓને સત્તા ન મળે તો પણ માત્ર હોદ્દા મળતા જ તેઓ ગુના આચરવા લાગે છે. અંતમાં ધવલ પટેલે આયાતી નેતાએ અગાઉ ભારતીય સેના પાસે પણ પુરાવા માંગ્યા હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમની વાતોમાં કોઈ તથ્ય હોતું નથી અને આ પત્ર માત્ર ચૂંટણીલક્ષી ગતકડું છે.ધવલ પટેલે વધુમાં આક્ષેપ કર્યો કે, ‘આપ’ના નેતાઓએ અગાઉ ભારતીય સેના પાસે પુરાવા માંગીને દેશની સુરક્ષા બાબતે પણ સવાલો ઊભા કર્યા હતા, જે યોગ્ય નથી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને “સેમિફાઇનલ” તરીકે જોવામાં આવી રહી છે. આવા સમયે કેજરીવાલનો પત્ર અને ભાજપનો આક્રમક પ્રતિસાદ રાજકીય માહોલને વધુ તીખો બનાવી રહ્યો છે.આમ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ગયા છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેનું આ ‘પત્ર યુદ્ધ’ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.