‘બેન, આજે કચરો નથી મૂકયો?’ જયાબેને બહારથી બૂમ મારી, એ સાથે જ મીતાબેન સફાળા ચા પીતા ઊભા થઈ ગયા. ‘આજે ફરી કચરો મૂકવાનું ભૂલી ગઈ?’ કચરાનો ડબ્બો લીધો, બહાર જયાબેન એની રાહ જોતાં ઊભા હતા. 20 બંગલાની સોસાયટી, એમાં પહેલું ઘર મીતાબેનનું હતું એટલે કચરો બહાર ન હોય તો છેલ્લે જયાબેન સોસાયટીમાંથી નીકળતાં પહેલાં અચૂક બૂમ પાડે. 20 વર્ષ પહેલાં આ સોસાયટીનું બાંધકામ ચાલુ થયું ત્યારે જયાબેનના વર રમેશભાઈએ પ્લમ્બિંગનું કામકાજ રાખેલું. તે સમયથી રમેશભાઈ સાથે ઓળખાણ થઈ હતી એટલે પછી રમેશભાઈ સાથે એકાદ વાર આવેલાં જયાબેન સાથે પણ ઓળખાણ થઈ ગઈ. બંગલા બંધાવા લાગ્યા એટલે એ સાથે સાથે વોચમેન, માળી વગેરે માણસોની શોધખોળ ચાલુ થઈ ગઈ. એમાં જયાબેને હિંમત કરીને કચરો ઉપાડવા માટેનું કામ મીતા પાસેથી માંગી લીધું.
મીતાબેનનું ત્યારે સંયુક્ત કુટુંબ હતું. બે દીકરા હતા, મીતા પોતે બે બહેનો એટલે એના મમ્મી-પપ્પા પણ એની સાથે રહેતાં હતાં. ભર્યો ભર્યો સંસાર હતો. આખો દિવસ ઘરમાં ચહલપહલ રહેતી. એમાં મીતાબેનની પોસ્ટ ઓફિસમાં જોબ, એમના પતિ મનીષભાઈની સરકારી બેન્કની નોકરી એટલે એક રીતે જોતાં તો મીતાબેનનાં મમ્મી-પપ્પા એમની સાથે રહેતાં હતાં એટલે સારું હતું. બન્ને બાળકો સચવાઇ જતાં.
2 વર્ષ પહેલાં મોટો દીકરો બી.ટેક. કરીને અમેરિકા ગયો. નાનો દીકરો હજુ કોલેજમાં પૂના ભણતો હતો. મીતાબેનનાં મમ્મી-પપ્પા એકાદ વર્ષના અંતરે ઉંમરને કારણે મૃત્યુ પામ્યાં. ઘરમાં હવે એ બે જણ રહ્યાં. બસ ત્યારથી મીતાબેન ડિપ્રેશનમાં આવી ગયા છે. છ માણસના બહોળા પરિવારથી એકલા પડી જવાની ઘટનાએ એમને હચમચાવી દીધાં. પહેલાં ઓફિસથી ઘરે આવીને એક મિનિટની ફુરસદ નહોતી મળતી, એની જગ્યાએ હવે ઘરે આવીને કશું કામ નથી હોતું. સિવાય કે જમીને TV જોવાનું. કદી વિચાર્યું ન હતું કે આમ એકલા પડવાનો વારો આવશે. થોડા દિવસ એકલા રહેવાનું ગમ્યું. પણ પછી તો જાણે સજા મળી હોય તેવી ફીલિંગ થવા લાગી. એમના પતિ મનીષભાઈએ એમને કીટ્ટી પાર્ટી જોઈન કરવાનું સજેશન આપ્યું. જે મીતાબહેનને જચ્યું નહીં. માત્ર ગપ્પાં-ગોસિપ માટે સજીધજીને જવાનું? મીતાબેન એવા ધાર્મિક ન હતા કે રોજ રોજ મંદિર જવું ગમે. બન્ને દીકરા અને પતિ મનીષભાઈ મીતાબેન કોઈક સરસ પ્રવૃતિ કરે તો એમનો સમય પસાર થાય એટલે જાત જાતના સજેશન આપતા હતા. ‘મમ્મી, તું કોઈ ક્લાસ કર…યોગા વગેરે કરી શકે.’ ‘મમ્મા, તું કોઈ સંસ્થામાં જોડાઇ જા…જે સોશ્યલ કોઝ માટે કામ કરતી હોય!’
આવા અનેક જાતના સજેશન આવતાં પણ મીતાબહેનને આ ઉંમરે કોઈ નવી શરૂઆત કરવાનું મન થતું નહીં. હંમેશાં ઘરના માણસોથી વિંટળાઇને રહ્યાં હતાં એટલે મન એવું જ ઈચ્છતું કે પરિવાર આસપાસ હોય! જે શક્ય ન હતું. મીતાબહેન ડિપ્રેશનમાં રહેતાં હતાં જેને કારણે એમની યાદશક્તિ દગો કરતી. ગેસ બંધ કરવાનું ભૂલી જતાં. ઘણી વાર પાણીનો નળ ચાલુ રહી જતો. કોઈક વાર ઓફિસથી ઘરે નીકળતાં પગ ભારે થઈ જતાં. આ બધાંથી છૂટવા માટે એ અને પરિવાર ઝઝૂમી રહ્યો હતો. જયાબહેન કચરો લઈને ગયાં એટલે મીતાબેન બંગલાની ઓસરીમાં બાંધેલા હીંચકા પર બેઠાં. હિંચકે ઝુલતાં એમની નજર આસપાસ ફરી વળી. સોસાયટીના કોમન પ્લોટ પર મંડપ બંધાયો હતો. બાળકો એની આસપાસ કૂદાકૂદ કરતાં હતાં.
‘ગણેશ ચતુર્થી આવવાની તૈયારી લાગે છે, જેથી મંડપ બંધાયો છે.’ એમણે મનોમન વિચાર્યું. એ ઊભા થઈને બંગલાની બહાર નીકળ્યાં. કોમન પ્લોટ પર એક છોકરો બોર્ડ પર કંઈ લખતો હતો. એ લખી રહ્યો એટલે મીતાબેન વાંચવા લાગ્યા, ‘સોસાયટીના રહીશોને જણાવવાનું કે સાંજે પાંચ વાગે ગણપતિબાપ્પાને લેવા જવાનું છે તેથી બધાંએ સમયસર આવી જવું. આપણે ચાર રસ્તાથી બાપ્પાને બેન્ડવાજા સાથે અહીં લાવીશું અને સ્થાપન કરીશું.’ એમણે પહેલાં છોકરાંને પૂછયું, ‘આ કોણે સોસાયટીના પ્રમુખે નક્કી કર્યું છે?’
પેલા છોકરાએ હા પાડી. એ સાથે જ મીતાબેન એકશનમાં આવ્યાં. એમણે સોસાયટીની લેડિઝની મીટિંગ બોલાવી અને કહ્યું, ‘બહેનો, બાળકોને સારા સંસ્કાર આપવા એ મા તરીકે આપણી જવાબદારી છે. ખોટા ખર્ચ અને ઘોંઘાટ કર્યા વિના પણ તહેવારો ઊજવી શકાય છે તેનો દાખલો આપણે બેસાડવાનો છે એટલે આપણે ગણપતિબાપ્પાને ચાર રસ્તાથી ટેમ્પામાં સોસાયટીના ગેટ સુધી લાવીશું અને પછી સરઘસ કાઢીશું. આપણા ગેટમાં આપણે જે કરવું હોય તે કરીશું પણ રસ્તા પર ટ્રાફિક જામ થાય અને લોકોને હાલાકી વેઠવી પડે તેવું નહીં કરીએ!’ મીતાબેન ખોટો દેખાડો કરવામાં પહેલેથી જ માનતાં ન હતાં. રસ્તા પર ટ્રાફિક જામ થાય કે ઘોંઘાટ થાય તેના એ વિરોધી હતાં. પછી એ કોઈ પણ ધર્મના નામે કેમ ન હોય!’
બધાંએ એમાં સહમતિ આપી. હવેનું કામ અઘરું હતું. અત્યાર સુધી સોસાયટીનો પુરુષ વર્ગ બધું નક્કી કરતો હતો એટલે એમને સમજાવવાના હતા. સોસાયટીના હોદ્દેદારો સાથે ગરમાગરમ ચર્ચા થઈ. એ લોકો મીતાબેનની વાતનો એવો જ અર્થ કરતા હતા કે એમને ખરચ કરવો ગમતો નથી. મીતાબેન જાણતાં હતાં કે કેટલાક એમને નાસ્તિક કહેશે કારણ કે એમણે કદી સોસાયટીમાં થતી ધાર્મિક પ્રવૃત્તિમાં રસ લીધો ન હતો. આ વખતે પ્રમુખ અને એમના મળતિયાંઓએ એ જ દલીલ કરી, ‘2 વર્ષ કોરોનામાં ગયા. હવે આ વર્ષે તો ગણપતિ બાપ્પાને રંગેચંગે ભજીએ ને?’
‘ભજવાની કોણ ના પાડે છે! પણ બાજુની સોસાયટીવાળા બગી અને બેન્ડવાજા સાથે બાપ્પાને લાવ્યા એટલે આપણે એમનાથી ચડિયાતું કરવું એવું થોડું છે? એટલા પૈસા એમાં વેડફવા કરતાં જમણવાર ગોઠવી દો. બાપ્પાને થાળ ધરીએ એ સાથે આપણે પણ જમીએ. બહેનો એક સમય રસોડામાંથી છૂટે સાથે બાળકો સમૂહભોજનથી શેર કરતાં શીખે. બાળકો માટે જાત જાતની હરીફાઈ ગોઠવો, માટીમાંથી ગણપતિ બનાવતાં શીખી શકાય. અનેક કામ કરી શકાય. જો તમે કરવા ઈચ્છો તો. બાકી બગી, બેન્ડવાજા અને બોમ્બ ફોડવાથી અનેક જાતના પ્રદૂષણ થશે.’
સોસાયટીની બહેનોએ મીતાબહેનની વાતમાં સાથ પુરાવ્યો. સોસાયટીના પુરુષો હજુ દલીલ કરી રહ્યા હતા પણ યુવાન છોકરોઓ આ વાત સમજી શક્યા. આ બાળકોમાં મોટાભાગના ભણતા હતા કે નોકરીધંધો કરતા હતા. દુનિયા સાથે સોશ્યલ મીડિયાથી જોડાયેલા હતા. એ સમજી ગયા કે જૂના રીતિરિવાજની વિદાય આપવાનો સમય આવી ગયો છે. તમારે સમાજ પર કોઈ અસર કરવી હોય તો પહેલાં નવીન કામ કરવું પડશે. તો તમારી નોંધ લેવાશે. ઈન્સ્ટાગ્રામ કે ટ્વિટર પર નવા આઈડિયા જ ચાલે છે. લાઈકસ મેળવવા માટે દર વખતે સેલ્ફી નહીં ચાલે.
કશુંક નવીન પણ જોઈએ. ‘દર વખતે પ્રદૂષણ અને પર્યાવરણના નામે આપણા ધર્મે જ સમજોતા કરવાના? બીજા ધરમવાળા જે કરે તે કાંઈ નહીં?’ ધાર્યા મુજબ એક મેમ્બરે સેન્સિટીવ મુદ્દો ઉઠાવ્યો. સવાલ સાંભળીને મીતાબેન પળવાર મુંઝાયા. મનોમન ગણપતિબાપ્પાને પ્રાર્થના કરી કે એમને કોઈક રસ્તો સુઝાડે અને જાણે બાપ્પાની મદદ મળી હોય તેમ એક યુવાને સજેશન આપ્યું, ‘આપણે શરૂઆત કરીશું તો બીજા ધર્મવાળા પણ અનુકરણ કરશે. ન કરે તો આપણે એમને સમજાવીશું. પણ કોઈકે તો શરૂઆત કરવી પડે ને!’ એ યુવાને જયઘોષ કર્યો,‘ગણપતિ બાપ્પા…મોર્યા…!’ બસ એ સાથે આખી સોસાયટી બાપ્પા જયઘોષથી ગૂંજી ઊઠી.