કોવિડ-19ના કારણે અમેરિકામાં આવેલ ઈમિગ્રેશન ઓફિસો તેેમ જ અમેરિકાની બહાર આવેલ કોન્સ્યુલેટો 2થી વધુ વર્ષ સુધી બંધ રહી હતી. 4 જુદી જુદી ‘ફેમિલી પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ દર વર્ષે જે 2,26,000 ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે એ અપાયા નહોતા. ‘ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી’ હેઠળ અમેરિકન સિટિઝનોની પત્ની યા પતિ અને માતા-પિતાને પણ ઈમિગ્રન્ટ વિઝા ઉપલબ્ધ થયા નહોતા. જેમના 10 વર્ષના મલ્ટિ-એન્ટ્રી B-1/B-2 વિઝાની મુદ્દત પૂરી થઈ ગઈ હતી અને જેઓ નવા 10 વર્ષના મલ્ટિ-એન્ટ્રી B-1/B-2 વિઝા મેળવવાની ઈચ્છા ધરાવતા હતા, F-1 સંજ્ઞા ધરાવતા સ્ટુડન્ટ વિઝાના ઈચ્છુકો, તેમ જ સ્પેશ્યાલિટી ઓક્યુપેશન વર્કરો માટેના H-1 વિઝાના અરજદારો, આંતરકંપની ટ્રાન્સફરી મેનેજર, એક્ઝિક્યુટિવ અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટેના L-1 વિઝા તેમ જ અન્ય પ્રકારના નોન-ઈમિગ્રન્ટ અને ઈમિગ્રન્ટ વિઝાઈચ્છુકો એ મેળવવા માટે વાટ જોઈને બેઠા હતા. કરોડો રૂપિયાનું ‘EB-5 પ્રોગ્રામ’હેઠળ રોકાણ કરી ચૂકેલા રોકાણકારો એમનું પિટિશન પ્રોસેસ થાય, એમને વિઝા મળે એ માટે તાકીને બેઠા હતા, અમેરિકાના દરેકેદરેક પ્રકારના વિઝાના ઈચ્છુકો વિઝા મેળવવા માટે તલપાપડ થઈ ગયા હતા, આ બધાની આતુરતાનો હવે અંત આવશે.
હાલમાં જ અમેરિકાના ઈમિગ્રેશન ખાતાએ એવું જાહેર કર્યું છે કે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં તેઓ અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓ, જેમને F-1 સ્ટુડન્ટ વિઝા મેળવવાની જરૂરિયાત રહે છે, એમને ઈન્ટરવ્યૂ માટે બોલાવશે. ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ પણ હવે જેમના પિટિશનો અપ્રુવ થઈ ગયા હશે એમને સૌને ધીરે ધીરે, જેમ જેમ સગવડ થતી જશે, તેમ તેમ બોલાવવામાં આવશે. લાંબા સમયથી નોન-ઈમિગ્રન્ટ તેમ જ ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની વાટ જોઈને બેસી રહ્યા હોય એમને હવે ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. આથી જ આ સૌ વિઝાઈચ્છુકોએ ઈન્ટરવ્યૂ માટેની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ.
સ્ટુડન્ટ વિઝાના અરજદારો જેઓ ફોર્મ DS-160 ભરીને સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યૂમાં જવાના છે એમને ઈન્ટરવ્યૂમાં નીચેના અથવા એના જેવા સવાલો પૂછવામાં આવી શકે છે. અમેરિકા ભણવા જવા ઈચ્છતા દરેકેદરેક વિદ્યાર્થીએ અહીં આપેલ સવાલોના જવાબો વિચારી રાખવા જોઈએ. ઈન્ટરવ્યૂમાં એમને નીચેમાંથી જે જે સવાલો પૂછવામાં આવે અથવા એના જેવા જ અન્ય સવાલો પૂછવામાં આવે એના વ્યવસ્થિત જવાબો આપવા જોઈએ. યાદ રાખજો, જવાબો ગોખેલા હોવા ન જોઈએ. જો પૂછવામાં આવેલા સવાલોના જવાબો વિદ્યાર્થી ગોખીને ગયો છે એવું અનુભવી કોન્સ્યુલર ઓફિસરને જણાશે તો શક્ય છે કે તેઓ એ વિદ્યાર્થીની સ્ટુડન્ટ વિઝાની અરજી નકારી કાઢશે.
– સૌ પ્રથમ તો સ્ટુડન્ટ વિઝાની અરજી કરતા વિદ્યાર્થીએ એમને ઈન્ટરવ્યૂમાં જે કંઈ પણ સવાલો પૂછવામાં આવે એના સ્વસ્થતાપૂર્વક, સ્પષ્ટ અને શુદ્ધ અંગ્રેજી ભાષામાં જવાબો આપવા જોઈએ. તમે પહેલાં 1-2 સવાલોના જે મુજબ અંગ્રેજીમાં જવાબો આપો છો એના ઉપરથી કોન્સ્યુલર ઓફિસરો કળી જતા હોય છે કે તમારું અંગ્રેજી ભાષા ઉપર કેટલું પ્રભુત્વ છે. આથી સ્ટુડન્ટ વિઝાના અરજદારો, તમે આજથી, આ લેખ વાંચો ત્યારથી જ, અંગ્રેજી ભાષામાં વાતચીત કરવાનું શરૂ કરી દો. અંગ્રેજી ભાષા જેટલી સરળતાથી તમે ઉચ્ચારશો, તમને પૂછવામાં આવેલ સવાલોના જેટલા સારા જવાબો આપશો, એટલા જ તમારા વિઝા મળવાના ચાન્સીસ વધી જશે.
– ઈન્ટરવ્યૂમાં જાવ તો મોઢા ઉપર ગભરાટ હોવો ન જોઈએ. વિઝા મળશે કે નહીં એ વિચાર ત્યજી દેજો. જો તમને અમેરિકાની માન્યતા પામેલી યુનિવર્સિટીએ પ્રવેશ આપ્યો હશે, I-120 ફોર્મ મોકલાવ્યું હશે, સેવિસ ફી ભરી હશે, IELTS કે TOEFLમાં સારા ગુણાંક મેળવ્યા હશે, અમેરિકામાં ફક્ત ભણવા જવા ઈચ્છતા હશો, ત્યાં કાયમ રહેવાનો કે ગેરકાયદેસર નોકરી કરવાનો ઈરાદો નહીં હોય, યુનિવર્સિટીની ટ્યુશન ફી, તેમ જ અમેરિકા રહેવા-ખાવાનો, તેમ જ પરચૂરણ ખર્ચનો તમારી પાસે યોગ્ય બંદોબસ્ત હશે અને તમારા સ્વદેશમાં, કૌટુંબિક તેમ જ નાણાંકીય સંબંધો, સારા અને ગાઢ હશે, તો તમને અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવવામાં અડચણ નહીં આવે. – ઈન્ટરવ્યૂમાં જાવ ત્યારે વ્યવસ્થિત, એક વિદ્યાર્થીને શોભે એવા કપડાં પહેરીને જજો. ઓફિસરને એવું ન લાગે કે તમે હાર્વર્ડમાં નહીં પણ હોલીવૂડમાં જઈ રહ્યા છો!
– ઓફિસરના સવાલોના જવાબો આપતી વખતે એમની આંખમાં આંખ પરોવીને, આઈ કોન્ટેક્ટ સાધીને, જવાબો આપજો. યાદ રાખજો, તમે અમેરિકા જશો તો તમને જેટલો ફાયદો થશે એટલો જ ફાયદો અમેરિકાને પણ થવાનો છે. કોન્સ્યુલર ઓફિસરો હજારો માઈલનો પ્રવાસ ખેડીને તમને વિઝા આપવા માટે આવ્યા છે. જો વિઝા આપવા જ ન હોય તો તેઓ શા માટે તકલીફો ઉઠાવીને, જબરજસ્ત ખર્ચો કરીને, અમેરિકાથી તમારા દેશમાં આવ્યા હોય? ઈન્ટરવ્યૂમાં નીચેના અથવા એના જેવા સવાલો પૂછવામાં આવી શકે છે.
તમે અમેરિકામાં જ શા માટે ભણવા ઈચ્છો છો? શા માટે અન્ય કોઈ દેશમાં નહીં? શા માટે તમારા પોતોના દેશમાં નહીં? તમે જે વિષયમાં અભ્યાસ કરવા ઈચ્છો છો એ વિષય તમારા દેશની યુનિવર્સિટીમાં શીખવવામાં નથી આવતો? એ વિષયમાં અભ્યાસ કર્યા બાદ તમારા દેશમાં તમને શું લાભ થશે? કેટલી યુનિવર્સિટીઓમાં અરજી કરી હતી? કેટલીએ પ્રવેશ આપ્યો છે? આ જ યુનિવર્સિટી શા માટે પસંદ કરી છે? TOEFL કે IELTS ના સ્કોર શું છે? SET કે GMAT કે GREના સ્કોર શું છે? અમેરિકામાં ક્યાં રહેશો? શનિ-રવિમાં શું કરશો? વેકેશન કેવી રીતે ગાળશો? વેકેશનમાં ઈન્ડિયા જવાની ઈચ્છા ધરાવશો? યુનિવર્સિટીના કેમ્પસમાં તમને 20 કલાક કામ કરવાની છૂટ છે. શું તમે એ કરવા ઈચ્છો છો?
ભણી રહ્યા બાદ શું કરવાનું વિચારો છો? તમારો ફ્યુચર પ્લાન શું છે? અમેરિકામાં તમારું કોઈ સગું-વહાલું રહે છે? તમારા લાભ માટે કોઈએ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કર્યું છે? આ પહેલાં તમે કોઈ પણ પ્રકારના વિઝાની અરજી કરી હતી? આ પહેલાં તમે અમેરિકા ગયા છો? વિશ્વના બીજા કોઈ દેશમાં ગયા છો? તમારો ભણવાનો ખર્ચો કેટલો આવશે? એ કોણ આપશે? બેન્ક લોન લીધી છે? એ પાછી કેવી રીતે કરશો? ભણી રહ્યા બાદ તમે તમારા દેશમાં પાછા ફરશો એની ખાતરી શું? ‘ગુજરાતમિત્ર’ના વાચક વિદ્યાર્થીઓ, ઉપલા સવાલોના યોગ્ય ઉત્તરો વિચારી રાખજો. ‘મોક ઈન્ટરવ્યૂ’ દ્વારા તમારા સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યૂની તૈયારી કરજો. આટલું કરશો તો તમને સ્ટુડન્ટ વિઝા જરૂરથી પ્રાપ્ત થશે. તો ચાલો, ઈન્ટરવ્યૂની તૈયારીમાં લાગો.