ગરબાને યુનેસ્કો તરફથી અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સ્થાન મળ્યું છે. ગુજરાત માટે નવરાત્રિ બહુ ખાસ તહેવાર છે. મોડી રાત સુધી સૂર તાલની વચ્ચે શહેર આખું ઉત્સવના હિલોળે ચડે. છોકરીઓને પણ રાત્રે મોડે સુધી ઘરની બહાર રહેવાની છૂટ ગરબાના નામ પર જ મળે, જેનો ગુજરાતની બહેનો મન મૂકીને ઉપયોગ કરે. મોડે સુધી ગરબા કર્યા પછી ચણિયા-ચોળી પહેરીને એક્ટિવા પર ફરતી ઘણી છોકરીઓ રસ્તા પર દેખાય.
જે એક રીતે જોઈએ તો આ ગુજરાતનું પોતાનું નોખું ફેમિનિસમ છે કારણકે, બહેનોને નવ દિવસ સુધી હરવા- ફરવા અને આનંદ કરવાની એક બારી ખોલી આપે છે – ‘રિક્લેમ ધ નાઈટ’નું એક નિયંત્રિત સ્વરૂપ! શક્તિ સ્વરૂપ માતાના વંદના સ્વરૂપ તહેવારમાં બહેનો માટે એટલી ‘છૂટ’તો વાજબી ગણાય. એ જુદી વાત છે કે ગુજરાતને સ્ત્રીઓ માટે જેટલું સલામત કહેવામાં આવે છે એટલું સલામત છે નહીં. બીજા જ નોરતે વડોદરાથી આવેલા યુવતી પરના બળાત્કારના સમાચાર આ વાતની પુષ્ટિ કરે છે. એટલે સલામતીનો ભય સ્ત્રીઓની સ્વતંત્રતાની કાપકૂપ મુકાતો રહે છે.
ગુજરાતના લોક નૃત્યનો પ્રવાસ લાંબો છે. ગરબા સતત પરિવર્તનશીલ રહ્યા છે. ભક્તિ ગરબાથી શરૂ કરીને ડિસ્કો દાંડિયા સુધીના ઘણા પડાવ એમાં છે. સ્ત્રીઓ ભેગી થઈને ગરબા ગાય એટલે એના બોલમાં સ્ત્રીઓના રોજિંદા જીવનની વાતો આવે. માતાની ભક્તિથી લઈને કૃષ્ણ અને ગોપીઓની વાતો વણાતી જાય. ભક્તિરસથી લઈને શૃંગાર રસ સુધીના ભાવ ગરબામાં અભિવ્યક્ત થાય છે. ગરબાનું સ્વરૂપ એટલું લવચીક છે કે આધુનિક જમાનામાં સરૂપબેન ધ્રુવ જેવાં કવયિત્રીએ ગરબાનો ઉપયોગ નારીવાદી વિચાર રજૂ કરવાના માધ્યમ તરીકે પણ કર્યો. “દીકરો વહાલો, દીકરી નહીં, હું પૂછું છું કેમ?”જેવા સીધા અણિયાળા પ્રશ્નો ગરબાના ઢાળમાં પૂછ્યા.
“સરખી સાહેલી અમે સાથ સાથ ઘૂમશું”જેવા ગરબા થકી બહેનો વચ્ચે સખ્ય ભાવ પણ વ્યક્ત કર્યો. ગુજરાતનાં ઘણાં સ્ત્રી સંગઠનો પારંપારિક ગરબા સાથે આ ગરબા પણ ગાતા હોય છે. હેલ્લારો ફિલ્મનો ગરબો “વાગ્યો રે ઢોલ”એટલો પ્રચલિત થયો કે એણે “સજ્જડબંબ પાંજરું પહોળું થયું”જેવા નારીવાદી શબ્દો લોકોના હોઠે રમતા કરી દીધા. આ નવરાત્રીમાં વડોદરામાં થયેલા બળાત્કારની ઘટના પછી શહેરનાં ઘણાં સ્થળોએ મહિલા સુરક્ષા માટેના પ્લેકાર્ડ લઈને ગરબા કર્યાના સમાચાર છે. આમ, ગરબા સીધી કે આડકતરી રીતે બદલાવનું માધ્યમ બની રહ્યા છે.
ગરબા શબ્દનો ઉદ્ભવ ‘ગર્ભ’પરથી થયો છે, એટલે એમાં સ્ત્રીની પ્રજનન શક્તિની મહિમા કરવાનો પ્રકાર. પણ ‘શક્તિ સ્વરૂપ’અનિષ્ટનો સંહાર પણ કરે છે. ‘જે પોષતું એ મારતું’ના ન્યાયે નવા જીવનને પૃથ્વી પર લાવનાર સર્જક સ્ત્રી પણ બની શકે છે. એ શક્તિની વાત આપણી દંતકથાઓમાં તો છે જ. આમ તો સ્ત્રીઓને ‘દેવી’નો દરજ્જો અપાય એટલે એના માનવ હોવાનો હક નજરઅંદાજ થાય. પણ, ઇતિહાસના દરેક તબક્કે એવી અનેક સ્ત્રીઓ મળી રહેશે જેણે ઘર આંગણે પ્રવર્તતા અનિષ્ટ સામે યથાશક્તિ સંઘર્ષ કર્યો હોય અને વર્તમાનના ગર્ભમાંથી ભવિષ્યનો આકાર રચ્યો હોય. નવરાત્રીને જો નારી શક્તિનો ઉત્સવ ગણતા હોઈએ તો આ પ્રસંગે આધુનિક જમાનાના દાનવ સામે સંઘર્ષ કરી રહેલી સ્ત્રીઓને આપણે યાદ કરી બિરદાવવી જોઈએ. ૨૦૨૪ના જ સીમા ચિહ્ન રૂપી કેટલાક કિસ્સા યાદ કરીએ.
જાતીય શોષણ સ્ત્રીઓના દમન માટેનું સૌથી મોટું અનિષ્ટ છે. એ સંદર્ભે તાજેતરમાં કોલકત્તામાં મહિલા ડોક્ટરના બળાત્કાર પછી સડકો પર આવીને વિરોધ કરી રહેલાં મહિલા ડોકટરો અને તેમના સાથીઓના સંઘર્ષને ખાસ યાદ કરવો જ પડે કારણકે, તેમણે સાબિત કર્યું છે કે સ્ત્રીઓની સુરક્ષાનો પ્રશ્ન એક આખી વ્યવસ્થાનો ભાગ છે. એટલે આરોપીની ધરપકડથી તેમણે સંતોષ ના માન્યો અને ભ્રષ્ટાચારના પ્રશ્ન તેમજ રાજકારણી-અધિકારીની મિલી ભગતને પણ સાથે સાંકળ્યા.
આ કેસે દેશભરમાં ઊભા કરેલા જુવાળે મહત્ત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે કે રાતનો સમય સ્ત્રીઓ માટે શા માટે અસલામત બનવો જોઈએ? એટલે કેન્દ્રસ્થાને પણ ‘રિક્લેમ નાઈટ’, એટલે કે રાત્રિના સમય પર પણ સ્ત્રીઓનો પોતાનો હક રહે એવી સામાજિક વ્યવસ્થાની માંગ રહી છે. હરિયાણામાં પહેલી વાર ચૂંટણી જીતી વિધાયક બની રહેલી વીનેશ ફોગટને પણ યાદ કરવી જોઈએ. એનો સંઘર્ષ કોંગ્રેસ વિરુધ્ધ ભાજપનો નથી. એનો સંઘર્ષ મહિલા ખેલાડીઓના જાતીય શોષણ સામેનો છે. સલામતીનો પ્રશ્ન એક માત્ર પ્રશ્ન નથી. શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ કે યુદ્ધ જેવા દરેક મોરચે સ્ત્રીઓનું યોગદાન છે.
ભારત બહાર પણ અનિષ્ટની સામે મહિલાઓ ટક્કર ઝીલી રહી છે. ઇરાનના કટ્ટરવાદની સામે જાહેરમાં હિજાબ કાઢીને વાળ કાપી દમનનો વિરોધ કરતી યુવા સ્ત્રીઓ હોય કે પછી અફઘાનિસ્તાનમાં સ્ત્રીના મૂળભૂત અધિકાર પર કાપ મૂકતાં ફરમાનો કરતી તાલિબાની સરકાર સામે કવિતા લખી – ગાઈને વિરોધ પ્રદર્શન કરતી સ્ત્રીઓ હોય. તેઓ સ્ત્રીઓના મૂળભૂત અધિકારો પર તરાપ મારતી ધાર્મિક કટ્ટરતાને ટક્કર આપી રહ્યા છે. પેલેસ્ટાઇનની પત્રકાર બિસન ઓવડા ઇસરાઈલ દ્વારા ગાઝામાં થઈ રહેલા નરસંહારને કેમેરામાં કેદ કરી વિશ્વ સામે હકીકત રજૂ કરવાનું કઠિન કામ કર્યું. વર્તમાન સમયમાં પણ અનિષ્ટ સામે સંઘર્ષ કરી રહેલી આધુનિક શક્તિ સ્વરૂપાનો આ આદ્યશક્તિના તહેવારે મહિમા ગાઈએ.
નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.