છેલ્લા દસ વર્ષથી ગૌશાળા અને પાંજરાપોળને આત્મનિર્ભર કરવાના હેતુ સાથે શ્રી સુરત પાંજરાપોળ ગૌરક્ષા મંચના અધ્યક્ષ ધર્મેશ ગામી સતત પ્રયત્નશીલ છે. તેમનો ઉદ્દેશ બસ એટલો જ છે કે લોકો પર્યાવરણના જતન સાથે હોળીનો તહેવાર મનાવે. તેઓએ લોકોને આહ્વાન કર્યું છે કે, તમામ સુરત અને ગુજરાત તેમ જ દેશમાં હોળીનો તહેવાર મનાવતા માનવંતો વૃક્ષોને કાપી તેનું નિકંદન ના કાઢે અને ગૌશાળામાં તેમ જ પાંજરાપોળમાં તૈયાર થતી ગોબર સ્ટીકનો ઉપયોગ કરે.

છેલ્લા સાત વર્ષથી સુરત પાંજરાપોળમાં હોળી તહેવાર માટે આગોતરું આયોજન કરવામાં આવે છે. આ સાથે લોકો પાંજરાપોળમાં જઈ ગૌરક્ષા કરે, લોકો પર્યાવરણને બચાવવા લાકડાંને જાકારો આપી વૈદિક રીતે હોળીનો તહેવાર ઉજવે. જેથી પર્યાવરણનું જતન થાય અને વૃક્ષોનું નિકંદનને નીકળતા અટકાવી શકાય તેવી મનસા સાથે તેમણે લોકોને અપીલ કરી છે. ગૌશાળા અને પાંજરાપોળમાં તૈયાર થતી ગોબર સ્ટીક અથવા ગાયના ઉપલાનો ઉપયોગ કરી હોળીનું પ્રાગટ્ય કરે તેવી અપીલ પણ ગૌરક્ષા મંચના ધર્મેશ ગામીએ સૌને કરી છે. આથી આપણી ધરતી માતા અને ગાયમાતા બંનેને ફાયદો પહોંચે. તેઓએ લોકોને વધુને વધુ છાણમાંથી તૈયાર થયેલા ઉત્પાદનો ખરીદવાની અપીલ કરી છે. જેથી આ ઉત્પાદનો થકી પાંજરાપોળ અને ગૌશાળાઓ આર્થિક રીતે સદ્ઘર બને અને તેઓ આત્મનિર્ભર રહી શકે છે.
તેઓ આગળ કહે છે, કે અલગ અલગ ઘણી ગૌશાળાઓ આ બધું બનાવે છે. એટલે જે-તે શહેરમાં રહેતા લોકો તેઓની આસપાસ આવેલી ગૌશાળા કે પાંજરાપોળમાં જઈ આ ગોબર સ્ટીક ખરીદી શકે છે. આનાથી બે લાભ થાય છે. એક તો ગૌશાળાઓ અને પાંજરાપોળ પાસેથી આવા સાત્વિક ઉત્પાદનો ખરીદી પર્યાવરણને થતા નુકસાન અને પ્રદૂષણને રોકી શકાય છે. બીજું, ગૌશાળાને આ સાત્વિક ઉત્પાદનો થકી મળતી આવકથી તેઓનો આવા પ્રોડક્ટો બનાવવા વધુ પ્રોત્સાહન મળી રહે અને આત્મનિર્ભર બની શકાય. તેઓ આગળ જણાવે છે કે, હોળી પહેલા લોકો નજીકની ગૌશાળામાંથી આ ગોબર સ્ટીક લઈ શકે છે. આ ઉત્પાદનો લેવા માટે લોકોને પોતે જઈને લઈ જવું પડે છે અને તેની કિંમત પણ નજીવી રાખવામાં આવી છે. ગોબરની સ્ટીકનો કિલોનો ભાવ રૂપિયા 25 નક્કી કરવામાં આવ્યો છે.