સોમવારે મોટા પાયે વીજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે સ્પેન, પોર્ટુગલ અને દક્ષિણ ફ્રાન્સના કેટલાક ભાગોમાં લાખો લોકો વીજળી વગર રહી ગયા. વીજળી ગુલ થવાના કારણે રોડ, રેલ અને હવાઈ ટ્રાફિક, સબવે નેટવર્ક, ફોન લાઈનો, ટ્રાફિક લાઇટ અને એટીએમ મશીનો બંધ થઈ ગયા, જેના કારણે પ્રદેશમાં અરાજકતા ફેલાઈ ગઈ. મેડ્રિડના એટોચા સ્ટેશન પર, સેંકડો લોકો સ્ક્રીનો પાસે અપડેટ્સની રાહ જોતા ઉભા હતા. ઘણા લોકોએ રાત્રે 1 વાગ્યાની આસપાસ રેડ ક્રોસ દ્વારા પૂરા પાડવામાં આવેલા ધાબળામાં લપેટ઼ાઇને સ્ટેશન પર રાત વિતાવી હતી. બાર્સેલોનાના સેન્ટ્સ સ્ટેશન પર પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. આ અઠવાડિયે યોજાઈ રહેલી મેડ્રિડ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ મંગળવારે વીજળી ગુલ થવાને કારણે પ્રભાવિત થઈ હતી. સ્પેન અને પોર્ટુગલમાં વિજળી પુરવઠો મંગળવારે લગભગ સંપૂર્ણપણે ફરી શરૂ કરી દેવાયો હતો, જો કે યુરોપના સૌથી ગંભીર બ્લેકઆઉટોમાંના એક એવા આ બ્લેકઆઉટ અંગે ઘણા પ્રશ્નોનો જવાબ હજી મળી શક્યો નથી.
સવારના ૭ વાગ્યા સુધી સ્પેનની માગના ૯૯ ટકા જેટલી વિજળી ફરી સ્થાપિત કરી દેવાઇ હતી એમ દેશના ઇલેકટ્રિક ઓપરેટર રેડ ઇલેકટ્રિકાએ જણાવ્યું હતું. જ્યારે પોર્ટુગિઝ ગ્રીડ ઓપરેટર REN દ્વારા જણાવાયું હતું કે મંગળવારે સવારે તમામ ૮૯ પાવર સબસ્ટેશનો ફરી શરૂ થઇ ગયા છે અને તમામ ૬૪ લાખ ગ્રાહકો માટે વિજળી પુરવઠો ફરી બહાલ કરી દેવાયો છે. સ્પેનિશ સત્તાવાળાઓએ બ્લેકઆઉટનું કારણ શું હતું તે અંગે કોઈ નવી સ્પષ્ટતા આપી ન હતી, જે યુરોપમાં અત્યાર સુધીની સૌથી ગંભીર ઘટનાઓમાંની એક છે. સોમવારે રાત્રે એક ટેલિવિઝન સંબોધનમાં, સ્પેનિશ વડા પ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે 49 મિલિયન લોકોના આ દક્ષિણ યુરોપિયન રાષ્ટ્ર માટેની પાવર ગ્રીડે માત્ર પાંચ સેકન્ડમાં વિજળી ગુમાવી દીધી. આપણી સિસ્ટમ આ પહેલા ક્યારેય સંપૂર્ણપણે પડી ભાંગી ન હતી. શું બન્યું હતું તેની સત્તાવાળાઓ તપાસ કરશે. તપાસમાં હવે જે બહાર આવે તે પરંતુ અચાનકના આ બ્લેકઆઉટે યુરોપના વિકસીત દેશોમાં પણ આવુ થઇ શકે છે તે તરફ દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે.
મંગળવારે, સ્પેનની હવામાન એજન્સી AEMETએ જણાવ્યું હતું કે સોમવારે તેમને કોઈ અસામાન્ય હવામાન અથવા વાતાવરણીય ઘટના જોવા મળી નથી, અને તેમના હવામાન મથકો પર અચાનક તાપમાનમાં કોઈ વધઘટ નોંધાઈ નથી. પોર્ટુગલના રાષ્ટ્રીય સાયબર સુરક્ષા કેન્દ્રે સોમવારે ભાંગફોડ વિશે ચાલી રહેલી અટકળોને ખોટી ગણાવી હતી અને કહ્યું કે સાયબર હુમલાને કારણે આઉટેજ થવાના કોઈ સંકેત નથી. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ પણ સોમવારે બપોરે કોઈપણ સાયબર હુમલો થયો હોવાના સંકેતો નથી એમ જણાવ્યું હતું.
યુરોપના આ બે-ત્રણ દેશોની વિજળી પુરવઠો ખોરવવાની ઘટનાએ બીજી બાબત તરફ પણ નિર્દેશ કર્યો છે અને તે એક આજનું વિશ્વ વિજળી પર કેટલે અંશે આધાર રાખતું થઇ ગયું છે. જો વિજળી પુરવઠો ખોરવાય તો જાણે સમગ્રી જનજીવન જે-તે વિસ્તારમાં ખોરવાઇ જાય છે. આજે સવારે ઉઠતાની સાથે માણસની વિજળીના સાધનો પરની નિર્ભરતા શરૂ થાય છે તો રાત્રે સૂવા સુધી સતત તેને એક યા બીજી રીતે , સીધી કે આડકતરી રીતે વિજળીના સાધનો પર આધાર રાખવો પડે છે. અને જો વિજળી ખોરવાય તો માણસ જાણે પંગુ બની જાય છે.
યુરોપના આ બે દેશોમાં જે વ્યાપક રીતે વિજળી પુરવઠો ખોરવાયો અને તે પહેલા કેટલાક દેશોમાં મોટાપાયે વિજળી પુરવઠો ખોરવવાની ઘટનાઓ બની હતી તેને કારણે જે રીતે જનજીવન ખોરવાઇ ગયું અને લોકો જાણે લાચાર નિસહાય બની ગયા તે દર્શાવે છે કે વિજળી હવે માણસના જીવનનું અભિન્ન અંગ બની ગઇ છે. આજે આપણા ઘણા બધા સાધનો વિજળી વડે ચાલે છે. સદીઓ સુધી માણસ મશાલ કે દીવાઓ જેવા સાધનોથી રાત્રે ઘરમાં પ્રકાશ કરતો. પછી વિજળીથી ચાલતા નવા નવા યંત્રો અને સાધનો તેના જીવનમાં ઉમેરાતા ગયા. આજે એવી સ્થિતિ છે કે વિજળી ન હોય તો માણસ લાચાર બની જાય છે. એક દિવસ માટે કોઇ મોટા વિસ્તારમાં વિજળી ખોરવાઇ જાય તો જનજીવન કેવી રીતે ખોરવાઇ જાય છે તે આપણે હાલ સ્પેન અને પોર્ટુગલના કિસ્સામાં જોઇ લીધું છે.