પાર્થિવ પટેલ, કિરણ મોરે, નયન મોગિયા, પઠાણ બંધુઓ, ચેતેશ્વર પૂજારા, જયદેવ ઉનડકટ, રવીન્દ્ર જાડેજા ગુજરાત, સૌરાષ્ટ કે વડોદરા વતી છેલ્લા બે દાયકાથી આં.રા. ક્રિકેટ રમતા આવ્યા છે. હવે વાજતેગાજતે અક્ષર પટેલનું નામ ઉમેરાયું છે. આમ તો અક્ષર ૨૦૧૪ થી વનડે ઇન્ટરનેશનલ અને ત્યાર બાદ ટી-20 પણ રમી ચૂકયો છે. અંતે તો આ બધા ગુજરાતના છે.
પ્રવાસમાં રવીન્દ્ર જાડેજા ઇજા પામતા અક્ષરને એકાએક ટેસ્ટમાં સ્થાન મળ્યું.
જાડેજા અને અક્ષર પટેલ બન્ને ડાબેરી ઓલરાઉન્ડર્સ છે. પહેલી પરાજીત ટેસ્ટમાં અક્ષરને તક ન મળી પણ બાકીની ત્રણ ટેસ્ટમાં અક્ષરે ધમાકો બોલાવી ૨૭ વિકેટો ઉપાડી એ પંકાઈ ગયો છે. વળી રવિચંદ્રન અશ્વિન અને અક્ષર શ્રેણીમાં એકમેકના પૂરક બની ચૂકયા હતા. અનુભવસિદ્ધ અશ્વિને શ્રેણીમાં ૩૨ વિકેટો ઉપાડી મેન ઓફ ધી સીરીઝ એવોર્ડ જીત્યો છે. જયારે અક્ષર પટેલની આ પ્રથમ જ ટેસ્ટ શ્રેણી છે. અક્ષરે ટેસ્ટ પદાર્પણ શ્રેણીમાં હવે સૌથી વધુ વિકેટો ઉપાડી છે. વળી અક્ષરને મળેલી ટેસ્ટ સ્ટેટસ ક્રિકેટનું સૌથી ઉમદા પારિતોષિક છે. ક્રિકેટર ભલે ને એક ટેસ્ટ રમ્યો હોય. પણ એ જીવંત છે ત્યાં સુધી કક્ષા પ્રમાણે મની-મીટર ફરતું રહે છે.
કેવી હેરતની વાત છે કે જાડેજા અને મોહંમદ શમી થોડા જ માસો પહેલાં ચાવીરૂપ બોલરો હતા. બન્ને ઇન્જર્ડ ક્રિકેટરોનાં સ્થાનો અક્ષર પટેલ અને મોહંમદ સિરાઝે ભરી દીધા છે. ગાવસકર માને છે કે અક્ષરે એવી ધૂમ મચાવી છે કે જાડેજાએ જોરદાર પર્ફોમ કરવું પડશે. ટેસ્ટમાં વૃધ્ધિમાન સહા હજીયે બેસ્ટ સ્ટમ્પર છે. પણ રિષભ પંતે એના બેટીંગ કસબ વડે હાલના તબકકે સ્થિરતા મેળવી લીધી છે.
અક્ષરનું પ્લસ – પોઇન્ટ એ છે કે હવે એ ત્રણેય ફોર્મેટસ રમી ચૂકયો છે. ત્રણેય ફોર્મેટસ રમવી એ ક્રિકેટમાં વિશિષ્ટ ઉપલબ્ધિ છે. સાથોસાથ આઇપીએલમાં પણ એનું પર્ફોર્મન્સ ઉચ્ચ કક્ષાનું રહ્યું છે. એક સમયે લેજેન્ડ સુનીલ ગાવસકરે અક્ષરની ટીકા કરી હતી કે અક્ષર દડાને માત્ર ‘રોલ’ કરે છે. અક્ષરે કશો જવાબ ન વાળ્યો એટલું જ કહ્યું કે મારું કામ રમવાનું છે. સારું પર્ફોર્મ કરવાનું છે.
આજે ગાવસકર પણ અક્ષરના વખાણો કરતા થાકતો નથી. ચીફ કોચ રવિ શાસ્ત્રી અક્ષરથી પ્રભાવિત છે. શાસ્ત્રી માને છે કે ટેસ્ટની સફળતા ઘણા વિકલ્પો ખુલ્લા કરી ચૂકી છે. શોટ ફોર્મેટસનો એ અનુભવી ઓલરાઉન્ડર છે. વળી એ ડાબેરી હોવાથી ટીમ માટે નવુ સંયોજન ઊભું કરે છે.
અક્ષર રાજેશભાઇ પટેલ ૨૦ મી જાન્યુઆરી – ૧૯૯૪ આનંદ ખાતે જન્મ્યો હતો. ત્રણ ટેસ્ટ ઉપરાંત અક્ષર ૩૮ વનડે ઇન્ટરનેશનલ, ૧૧ ટી-૨૦, ૯૭ આઇપીએલ મેચો અને ૪૨ ફર્સ્ટકલાસ મેચો રમ્યો છે. પાર્થિવ પટેલ નિવૃત્ત થયો હોવાથી અક્ષર હવે ગુજરાતનો સુકાની બની ચૂકયો છે. એની મમ્મી પ્રીતિબહેન ઘર સંભાળે છે. એની ગર્લફ્રેન્ડનું નામ મેહા છે. એના પિતા રાજેશભાઇ રિલાયન્સમાં નોકરી કરતા હતા. અક્ષરનું પ્રાથમિક શિક્ષણ નડિયાદની શારદા સ્કૂલમાં જયારે આઠમા પછી બાસુદીવાલા પબ્લિક હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.
અક્ષરના ઘડતરમાં પિતા રાજેશભાઇનો સિંહફાળો છે. સાવ સૂકલકડી હોવાથી પિતાએ અખાડામાં મોકલ્યો પણ એ ક્રિકેટના મેદાન પર પહોંચી ગયો. એ બાળપણથી જ ક્રિકેટનો ભારે રસિયો હતો. ૧૪ વરસની વયે ખેડાની જિલ્લા ક્રિકેટ ટીમમાં હતો.
૧૫ મી જૂન ૨૦૧૪ માં આ ડાબેરી ઓલરાઉન્ડરે પોતાની વનડે કારકિર્દી બાંગલાદેશ સામે શરૂ કરી હતી. ત્યારે જ વિરાટ કોહલીએ કહ્યું હતું કે અક્ષર પર્ફોર્મન્સ જાળવી રાખશે તો એ લાંબી રેસનો ઘોડો બની શકે. એ સંયુકત કુટુંબમાં ઉછર્યો છે. અક્ષર પોતે માને છે કે કુટુંબ ભાવના કેળવાય તો ટીમભાવના આપોઆપ કેળવાય છે. જે ટીમવર્ક માટે ઉપયોગી બની રહે. બાળપણથી સારી કેળવણી મળી હોવાથી શિષ્ટાચાર કેળવાયો છે. સમય મળે ત્યારે સંતરામ મંદિરે જાય છે. અક્ષરના ટેસ્ટ આગમનને સૌએ સ્વીકાર્યું છે. ખાસ કરીને ગુજરાતમાં ક્રિકેટને નવો જ વેગ મળ્યો છે. ગુજરાતની ટીમ પણ સારાં પરિણામો આપી રહી છે છતાંયે અક્ષર માટે હજી સ્પર્ધા તો છે જ. અનેક ઉચ્ચ કક્ષાના સ્પિનરો સ્પર્ધામાં છે.
(એ ૨૦૧૪માં બાંગલા સામે પહેલી વનડે રમ્યો ત્યારે કોહલીએ લાંબી રેસનો ઘોડો ગણાવ્યો હતો. અક્ષર પ્યોરલી ગુજરાતી છે. રવીન્દ્ર જાડેજા ઇજા પામતાં અક્ષરને ટેસ્ટમાં એકાએક તેડું મળ્યુ હતું. પહેલી જ સીરિઝમાં ૨૭ વિકેટો ઉપાડી અક્ષર લોકપ્રિય બની ચૂકયો છે. મોટો બ્રેક મળી ગયો છે છતાંયે હજી સ્પર્ધા તો છે જ)