Editorial

બાંગલા દેશની ચિંતા છોડો, મણિપુરની સ્થિતિ વધુ ખરાબ છે

ઈશાન ભારતીય રાજ્ય મણિપુરમાં ઘાતક વંશીય સંઘર્ષમાં અનેક ઘરો તબાહ થયાં અને 220થી વધુ લોકોનાં મોત થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ રાજ્યના 30 લાખથી વધુ રહેવાસીઓ હજુ પણ શાંતિની પ્રતીક્ષા કરી રહ્યા છે. બહુમતી મૈતેઈ અને સ્થાનિક લઘુમતી કુકી સમુદાયના લોકો વચ્ચે ગયા વર્ષે મેમાં અથડામણો શરૂ થઈ હતી. મૈતેઈ સમુદાયને સત્તાવાર આદિવાસી દરજ્જો આપવાની માંગના વિરોધમાં કુકી લોકોના પ્રદર્શનથી સંઘર્ષ શરૂ થયો હતો. આદિવાસી દરજ્જો મળવાથી મૈતેઈ સમુદાયને અનેક સરકારી લાભ મળવાના હતા.

હિંસાને કારણે હજારો લોકો વિસ્થાપિત થયા હતા. આજે પણ લગભગ 59,000 લોકો સરકારી રાહત કૅમ્પ્સમાં રહે છે. હિંસાને કારણે બન્ને સમુદાયો વિભાજિત થઈ ગયા છે અને તેમની વચ્ચેનો સંબંધ તૂટી ગયો છે. આજે મણિપુર બે વિભાગમાં વહેંચાઈ ગયું છે. મૈતેઈ લોકો ઇમ્ફાલ ખીણ વિસ્તારમાં રહે છે અને કુકીઓ આસપાસના પહાડી વિસ્તારોમાં વસવાટ કરે છે. સલામતી દળો દ્વારા સંરક્ષિત બોર્ડર્સ અને બફર ઝોન બન્ને ક્ષેત્રને અલગ પાડે છે. અનેક સ્થાનિક લોકોએ પોતપોતાનાં ગામોને ઘૂસણખોરોથી બચાવવા માટે સ્વેચ્છાએ હથિયાર ઉઠાવ્યાં છે. એ પૈકીના કેટલાંક સશસ્ત્ર દળો પાસેથી ચોરવામાં આવેલાં છે અને કેટલાંક દેશી હથિયાર છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓએ સમુદાયો વચ્ચે શાંતિ વાટાઘાટો યોજીને સંઘર્ષને સમાપ્ત કરવાના કેટલાક પ્રયાસો કર્યા છે, પરંતુ સ્થાનિકો કહે છે કે તે પૂરતા નથી. એક જિલ્લામાં તાજેતરમાં એક શાંતિ કરાર કરવામાં આવ્યો હતો, પણ તે એક જ દિવસ ટક્યો હતો. બન્ને સમુદાયો વચ્ચેનો અવિશ્વાસ યથાવત છે અને સલામતી રક્ષકોની હત્યા સહિતની હિંસાની ઘટનાઓ નિયમિતપણે નોંધાતી રહે છે.

ઈશાન ભારતીય રાજ્યોના નિષ્ણાત લેખક અને ટીકાકાર સંજય હઝારિકા કહે છે, “મણિપુરમાં પરિસ્થિતિ હજુ પણ તંગ અને અવિશ્વાસથી ભરેલી છે, કારણ કે આગળ વધવા માટે ભૂતકાળની સમસ્યાનું નિરાકરણ થવું જરૂરી હોય છે. અહીં આવું કશું થયું નથી.” રાજ્ય સરકાર અને મૈતેઈ સમુદાય આ સંઘર્ષ માટે ખાસ કરીને પાડોશી મ્યાનમારથી થતા લોકોના ગેરકાયદે સ્થળાંતરને દોષિત ઠેરવતા રહ્યા છે. મ્યાનમારના ચીન સમુદાય સાથે વંશીય સંબંધ ધરાવતો કુકી સમુદાય જણાવે છે કે ગેરકાયદે સ્થળાંતરની કથાનો ઉપયોગ તેમને તેમના પોતાના જ રાજ્યમાં નિશાન બનાવવા માટે કરવામાં આવે છે. સરકારનો સંપૂર્ણ હસ્તક્ષેપ જરૂરી છે. હિંસા રોકવા માટે લશ્કરી હસ્તક્ષેપ અને વાતચીત શરૂ કરવા માટે મનોવૈજ્ઞાનિક હસ્તક્ષેપ પણ જરૂરી છે. કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે વિશ્વાસની સ્થાપના બહુ મહત્ત્વપૂર્ણ છે. વિશ્વાસની સ્થાપના એક દિવસમાં થઈ શકતી નથી.”

ઇમ્ફાલથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલા સુગનુ ગામમાં બન્ને સમુદાય વચ્ચેની ખાઈ બહુ ઊંડી છે. આ ગામમાં એક સમયે મૈતેઈ અને કુકી બન્ને સમુદાયોના લોકો રહેતા હતા, પરંતુ સંઘર્ષ શરૂ થયા બાદ કુકી લોકો તેમના બાળી નાખવામાં આવેલા તથા લૂંટી લેવામાં આવેલાં ઘરો છોડીને આજુબાજુની પહાડીઓમાં ભાગી ગયા હતા. સલામતીની જડબેસલાક વ્યવસ્થા હોવા છતાં સ્થાનિક લોકોને “બહારના લોકો” દ્વારા વળતા હુમલાનો ભય છે. મેઈરા પેબિસ નામે ઓળખાતું મૈતેઈ મહિલા જૂથ ગામના પ્રવેશ દ્વારની રક્ષા કરે છે. યુમલેમ્બલ મનીટોમ્બી નામના એક ગાર્ડ જણાવે છે કે ગયા વર્ષની હિંસામાં તેમણે તેમનો 29 વર્ષનો પુત્ર ગુમાવ્યો હતો. એ તેમનાં ત્રણ સંતાનોમાં સૌથી મોટો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેમણે તેમના ઘરના આંગણામાં દીકરાની પ્રતિમા સ્થાપિત કરી છે. પ્રતિમાની નીચેના ભાગમાં તેના મૃત્યુનું કારણ જણાવતી તકતી છે. તેમાં લખ્યું છેઃ કુકી મૈતેઈ યુદ્ધ 2023. મનીટોમ્બી કહે છે, “હું શાંતિ ઇચ્છું છું. મારી એકમાત્ર ઇચ્છા છે કે આ યુદ્ધ સમાપ્ત થાય. તેનાથી વધારે કશું હું ઇચ્છતી નથી.”

સામુદાયિક હિંસાનું કેન્દ્ર ચુરાચાંદપુરમાં કુકીઓની બહુમતી છે. ચુરાચાંદપુરમાં પણ સલામતીની સમાન વ્યવસ્થા છે. શહેરના પ્રવેશ દ્વાર પર સંઘર્ષમાં માર્યા ગયેલા કુકી લોકોની યાદમાં ‘સ્મૃતિ દીવાલ’ બનાવવામાં આવી છે. બોઈનુ હાઓકિપ અને તેમનો પરિવાર ગયા વર્ષે હિંસાથી બચવા માટે સુગનુથી ભાગીને ચુરાચાંદપુર પહોંચ્યા હતા. તેઓ નાની-મોટી નોકરીઓ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. મણિપુરમાં વંશીય હિંસા વિશે સંશોધન કરી રહેલાં બોઈનુ જણાવે છે કે તેમનું ભવિષ્ય અંધકારમય છે. તેઓ કહે છે, “મારે ભણવું છે અને પરિવારની દેખભાળ કરવી છે. અમારો સમાજ પેઢીઓથી ગરીબીમાં જીવી રહ્યો છે. અમે તેમાંથી બહાર આવી રહ્યા હતા, પરંતુ આ હિંસાએ અમને કમસેકમ એક દાયકો પાછળ ધકેલી દીધા છે.” સ્થાનિક લોકો જણાવે છે કે ભારતીય જનતા પાર્ટીના વડપણ હેઠળની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે હિંસાને રોકવા માટે પૂરતાં પગલાં લીધાં નથી.

મૈતેઈ સમુદાય દ્વારા કરવામાં આવેલી હિંસાની અવગણના રાજ્યના સત્તાવાળાઓએ રાજકીય લાભ ખાતર કરતા હોવાનો આક્ષેપ કુકી જૂથો કરે છે અને સરકાર તેનાથી ઇનકાર કરે છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે સંઘર્ષને બહુ લાંબા સમય સુધી ચાલતો રહેવા દીધો હતો. મણિપુરની મુલાકાત ન લેવા બદલ કૉંગ્રેસ પાર્ટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વારંવાર ટીકા કરી છે. નરેન્દ્ર મોદીએ સંસદમાં તાજેતરમાં કહ્યું હતું, “મણિપુરમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે અમારી સરકાર ગંભીર પ્રયાસો કરી રહી છે. મોટા ભાગનાં સ્થળોએ સ્કૂલો, કૉલેજ અને ઑફિસો કાર્યરત છે. શાંતિની આશા દેખાઈ રહી છે.”

જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે બન્ને સમુદાયો વચ્ચે અવિશ્વાસ વધી ગયો છે અને કુકી લોકો દ્વારા “અલગ વહીવટીતંત્ર”ની માંગને કારણે તેમની વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ છે. કુકી લોકોની માગણીનો મૈતેઈ સમાજ જોરદાર વિરોધ કરી રહ્યો છે. હઝારિકા કહે છે, “શાંતિ સ્થાપના બહુ દર્દનાક અને ધીમી પ્રક્રિયા છે. શાંતિ સ્થાપવા કરતાં હિંસા કરવી આસાન છે. કેન્દ્ર સરકાર બન્ને સમુદાયોને મંત્રણાના મેજ પર લાવી શકશે તો તે સાચી દિશામાં ભરવામાં આવેલું પગલું હશે.” સાથે તેઓ ચેતવણી પણ આપે છે કે આ પ્રક્રિયા ઝડપી નહીં હોય. તેઓ કહે છે, “ઘા રુઝાવામાં સમય અને ધીરજની જરૂર હોય છે. એ પછી જ આગળ વધી શકાય.”

Most Popular

To Top