Editorial

આપણા શરીર પાસેથી શીખો

એક રિટાયર પ્રોફેસર આયુર્વેદના અભ્યાસુ હતા. ઘણા બધા આયુર્વેદના નુસખા અને નિયમો જાણે અને તેને પાળે અને બીજાને પણ ભલામણ કરે. રોજ સવાર સાંજ ચાલવા જાય અને મિત્રોની મહેફિલમાં વાતો કરે અને શરીરને તંદુરસ્ત રાખવા માટે જરૂરી વાતો બધાને કહેતા રહે. લોકો તેમને એવા ઓળખવા લાગ્યા કે કંઇક તકલીફ થાય એટલે તરત તેમને પૂછવા દોડી આવે. પ્રોફેસર હંમેશા એકદમ શાંત, સ્વસ્થ અને ખુશ જ દેખાય. તેમના ચહેરા પર એક સ્મિત સતત રમતું જ હોય.એક દિવસ તેમના મિત્રનો મુડ એકદમ ખરાબ હતો કારણ ઘરે ઝઘડો થયો હતો.

મિત્ર ગુસ્સામાં બડબડ કરતા હતા એટલે પ્રોફેસરે તેમને શાંત થવા કહ્યું. મિત્ર શાંત થવાને સ્થાને વધુ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, ‘શું શાંત થઇ જા… છે તારી પાસે અપમાનને ભૂલવાનો કોઈ ઈલાજ?’ પ્રોફેસર હસ્યા અને બોલ્યા, ‘હા છે, તું શાંત થઇ જા એટલે કહું છું.’મિત્રનો ગુસ્સો ઓછો કરવા પ્રોફેસરે તેમને પાણી આપ્યું અને મિત્રે કહ્યું, ‘પાણી પીવાથી આ મનનો ગુસ્સો શાંત થાય એવો નથી સમજ્યો.’પ્રોફેસર બોલ્યા, ‘દોસ્ત જો મારી વાત ધ્યાનથી સાંભળ. જીવનમાં સુખી થવું હોય અને હંમેશા ખુશમાં રહેવું હોય તો આપણા શરીર પાસેથી શીખવા જેવું છે.’ મિત્રે કહ્યું, ‘શું હવે આ શરીર શું શીખવાડશે?’

પ્રોફેસર બોલ્યા, ‘દોસ્ત, આપણા શરીરનો સુંદર નિયમ છે. કંઈ પાસે ન રાખવું. આપણું શરીર શ્વાસ લે છે અને બીજી જ ઘડીમાં તે બહાર કાઢી નાખે છે.આપણું શરીર પાણી પીએ છે અને લગભગ ચાર કલાકમાં તેને બહાર ફેંકી દે છે.આપણું શરીર જે ખોરાક લે છે તેને પણ ૨૪ કલાકમાં બહાર ફેંકી દે છે.સત્ત્વ ગ્રહણ કરી નકામું બહાર ફેંકી દેવું શરીરનો નિયમ છે. જો આ નિયમ આપણે જીવનમાં અપનાવી લઈએ તો પછી હંમેશ આનંદ જ આનંદ છે.’ મિત્રે વાત ધ્યાનથી સાંભળી પછી પૂછ્યું, ‘દોસ્ત, તેં જે કહ્યું તે શરીરનું વિજ્ઞાન છે પણ તેમાંથી આપણા માન-અપમાન, જીવનની કસોટીઓ વગેરે સાથે શું લાગેવળગે?’

પ્રોફેસરે કહ્યું, ‘દોસ્ત, તું સમજ કે શરીર શું કરે છે, જે મળે છે તે સ્વીકારી કામનું સત્ત્વ રાખી બાકીનું બહાર ફેંકી દે છે. એવી જ રીતે જીવનમાં આપણે જે મળે માન કે અપમાન, પ્રેમ કે નફરત, મનગમતું અને કામનું રાખી બાકીનું તરત ફેંકી દેવું.જીવનમાં કૈંક અઘરી કસોટીઓ કે સંજોગોનો સામનો કરવો પડે, કોઈ કડવી યાદો હોય તો તેમાંથી સત્ત્વ એટલે કે શીખવા જેવું શીખી બાકીનું છોડી દઈને આગળ વધી જવું. તું આજે જે ઝઘડો થયો તે ભૂલી જા. તને અપમાન લાગ્યું હોય તે મનમાંથી બહાર કાઢી નાખ. તને આપોઆપ સારું લાગશે અને મન શાંત થશે.’
પ્રોફેસરે દોસ્તને જીવનનો નિયમ સમજાવ્યો.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top