Editorial

સમાજસેવા માટે રાજકારણમાં આવેલા નેતાઓએ જમીનના ધંધાથી દૂર જ રહેવું જોઇએ

નેતાનો અંગ્રેજીમાં અર્થ થાય છે લીડર એટલે કે જે લોકોને લીડ કરે. તેમનું આચરણ લોકો માટે પ્રેરણા બને અને પ્રજા તેમના નકશે કદમ ઉપર ચાલે. આપણા દેશની જ વાત કરીએ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઇ પટેલ જેવા નેતા ભારતે આપ્યા છે. આ એવા નેતા છે કે જેમની રહેણીકરણી અને આચરણને માત્ર દેશના નહીં પરંતુ દુનિયાના લોકો પણ અનુસરી રહ્યાં છે. ખરેખર નેતા આવા હોવા જોઇએ.

પરંતુ હવે જે જોવા મળી રહ્યું છે તેવા નેતામાંથી પ્રજાને શું પ્રેરણા મળશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ જે મુંબઇમાં જે ઘટના બની છે તે તમામ નેતાઓનું માથું શરમથી ઝુકાવી દે તેવી છે. પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસ ઇન્સ્પેક્ટરની કેબિનમાં જ એક નેતાએ બીજા નેતાને ગોળીઓથી વિંધી નાંખ્યો છે. આ તો માત્ર એક ઘટના છે પરંતુ સમગ્ર દેશના નેતાઓની વાત કરીએ તો મોટાભાગના નેતા સમાજસેવા ઓછી અને જમીનનો ધંધો વધારે કરે છે તેવી પ્રતિતિ પ્રજા કરી રહી છે. ખરેખર તો સમાજસેવા માટે આવેલા નેતાઓેએ જમીનના ધંધાથી દૂર જ રહેવું જોઇએ.

મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં જમીનવિવાદને લઈને ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને તેમના એક સહયોગીએ શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડને પોલીસ સ્ટેશનની અંદર ગોળીઓ મારી દીધી હતી. બંને શુક્રવારે સવારે 10 વાગે હિલલાઈન પોલીસ સ્ટેશને એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. જ્યાં પહેલા ચર્ચા થઈ અને પછી ચર્ચા વિવાદમાં બદલાઈ હતી. આ દરમિયાન ગણપતે ઈન્સ્પેક્ટરની સામે મહેશ પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે આરોપી ધારાસભ્યને કસ્ટડીમાં લીધા છે.

આજે એટલે શનિવારે (3 જાન્યુઆરી) સવારે ધારાસભ્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહેશ અને ગણપત જમીનવિવાદ ઉકેલવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યારે તેઓ પોલીસ અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને તેમના સહયોગીએ મહેશ ગાયકવાડ પર ચાર ગોળી ચલાવી હતી, જેમાંથી બે મહેશ ગાયકવાડ અને બે તેમના મિત્ર રાહુલ પાટીલને વાગી હતી. પોલીસ સ્ટેશનમાં હોબાળો મચી ગયો હતો. પોલીસે તરત જ આરોપી ધારાસભ્યને કસ્ટડીમાં લીધા હતા.

આ પછી ઘાયલ ગાયકવાડ અને પાટીલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને સ્થાનિક લોકો વચ્ચે કલ્યાણ-પૂર્વના દ્વારલી સંકુલમાં હાજર મિલકતના માલિકી હકને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. વિસ્તારના લોકો શિવસેનાના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડના સંપર્કમાં છે. 31મી જાન્યુઆરીએ પણ ધારાસભ્ય ગણપત અને મહેશ ગાયકવાડના લોકો વચ્ચે જમીનના વિવાદને લઈને મારામારી થઈ હતી.

આ વિવાદને કારણે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ તેમના પુત્ર વૈભવ અને સમર્થકો સાથે ફરિયાદ કરવા ઉલ્હાસનગરના હિલલાઈન પોલીસ થાણે પહોંચ્યા હતા. બીજી તરફ, મહેશ પણ તેના લોકો સાથે થાણે પહોંચી ગયા હતા. ઈન્સ્પેક્ટર કેબિનમાં બંને પક્ષો વચ્ચે ઝઘડો પણ થયો હતો અને ભાજપના ધારાસભ્યએ મહેશ પર ગોળીબાર કર્યો હતો. ગણપત ગાયકવાડ કલ્યાણ-પૂર્વ બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય છે. અગાઉ બે વખત તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્રીજી વખત તેઓ ભાજપમાંથી ધારાસભ્ય બન્યા. આ દરમિયાન મહેશ ગાયકવાડ કલ્યાણ (પૂર્વ)ના શિવસેના કોર્પોરેટર છે.

તેઓ સીએમ એકનાથ શિંદેના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. શિવસેના (UBT)એ ફાયરિંગને લઈને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પાર્ટીના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું, “આપણાં થાણે, મહારાષ્ટ્રમાં શું થઈ રહ્યું છે, ભાજપના વર્તમાન ધારાસભ્ય ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનની અંદર ગોળીબાર કરી રહ્યા છે. ફાયરિંગની ઘટનામાં ગોળી મારનાર વ્યક્તિ મુખ્યમંત્રી અને પૂર્વ કોર્પોરેટરની નજીકનો છે. મતલબ, બંને પક્ષો સત્તામાં છે, તો આપણે શું સમજીએ કે આ લોકોને કાયદાનો ડર નથી. રાજ્ય સરકારનાં બંને એન્જિન ફેઇલ થયાં છે.

ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જી, કૃપા કરીને આ બાબતે ધ્યાન આપશો. ઉલ્હાસનગર ફાયરિંગ પર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું હતું કે જનપ્રતિનિધિઓએ ધ્યાન રાખવું જોઈએ કે બંધારણ દ્વારા તેમને આપવામાં આવેલા અધિકારોનો દુરુપયોગ ન થાય. નિયમો અને કાયદા દરેક માટે સમાન છે. આ મામલે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ ચર્ચા કરવામાં આવશે. ત્યાં પોતે ઘટના અંગે ઉલ્હાસનગર ડીસીપી સુધાકર પઠારેનું કહેવું છે કે ગણપત ગાયકવાડની અટકાયત કરવામાં આવી છે. ઘાયલોની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બંનેની હાલત સ્થિર છે. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top