ચાર દિવસ પહેલા જ રાજ્યના ચૂંટણી પંચે દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ગોવા, મણીપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ એમ પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ચૂંટણી ફેબ્રુઆરીથી શરૂ થશે અને માર્ચ સુધી ચાલશે. માર્ચની 10 તારીખે તમામ રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. જો કે, ચૂંટણીની તારીખોની જાહેરાત થતાંની સાથે જ જુદા જુદા રાજ્યોના નેતાઓની નારાજગી ખુલ્લેઆમ સામે આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં તો ભાજપ દલીતો અને પછાતોને અન્યાય થઇ રહ્યો હોવાનું કારણ આપીને જેમની ટિકિટ કરપાઇ તેમ હતી તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાઇ રહ્યાં છે.
તો બીજી તરફ અખિલેશ યાદવે જાહેરાત કરી છે કે હવે ભાજપમાં ટિકિટ નહીં મળે તેવા નારાજ લોકોને સમાજવાદી પાર્ટીમાં સમાવવામાં નહીં આવે. આવું પહેલીવાર નથી થઇ રહ્યું. જ્યારે જ્યારે કોઇપણ રાજ્યમાં ચૂંટણી આવે ત્યારે ત્યારે જૂથવાદ ચરમસીમા પર આવી જાય છે અને નેતાઓની નારાજગી સ્પષ્ટ પણે બહાર આવી જાય છે એટલે તેનો સીધો અર્થ એ છે કે, લડાઇ વિચારધારાની નથી હોતી લડાઇ ટિકિટ મેળવવા માટેની જ હોય છે. પંજાબમાં છેલ્લા છ મહિનાથી સત્તાધારી કોંગ્રેસ પાર્ટીમાં હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે અને હાલમાં પણ તે યથાવત છે.
પંજાબમાં પહેલા તબક્કાની ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ પક્ષમાં આંતરિક કલહ જોવા મળી રહ્યો છે. પંજાબમાં કોંગ્રેસ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના ભાઈ મનોહર સિંહ ચન્નીએ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદીમાં ચન્ની ભાઈનું નામ નથી. આ પછી જ તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. મનોહર સિંહ ચન્નીએ એબીપી માજાને જણાવ્યું કે તેઓ બસ્સી પઠાણા બેઠક પરથી ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે પાર્ટીના વડાએ તેમને ટિકિટ ન મળવા દીધી. મુખ્યમંત્રીના ભાઈએ પણ કેબિનેટ મંત્રી ગુરકીરત કોટલી સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
ચન્ની ભાઈઓ તેમના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. આ પહેલા 11 જાન્યુઆરીએ ચરણજીત સિંહ ચન્નીના પિતરાઈ ભાઈ જસવિંદર સિંહ ધાલીવાલ ભાજપમાં જોડાયા હતા. તેઓ પંજાબ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની હાજરીમાં ભાજપમાં જોડાયા હતાં. તો સૌથી નાના રાજ્ય પૈકીના એક ગોવામાં ભાજપમાં ડખો થઇ રહ્યો છે. ગોવા વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની ટિકિટ માંગનારા પૂર્વ સીએમ દિવંગત મનોહર પરિકરના પુત્ર અને ગોવા ભાજપના પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે ભારે તડાફડી જોવા મળી રહી છે. ગોવા ભાજપનો આ આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવી ગયો છે.
મનોહર પરિકરના પુત્ર ઉત્પલ પરિકરને હજી ટિકિટ નથી મળી પણ તેમણે ઘરે ઘરે જઈને ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે.ઉત્પલ પરિકરે પોતાના પિતાના મત વિસ્તારની ટિકિટ ભાજપ પાસે માંગી છે. તેના પર ગોવા ભાજપના પ્રભારી ફડણવીસે કહ્યુ છે કે, કોઈ મનોહર પરિકરના પુત્ર હોવાના કારણે ભાજપની ટિકિટ મેળવવા માટે લાયક નથી બની જતુ. તેના પર ઉત્પલ પરિકરે જવાબ આપતા કહ્યુ હતુ કે, ગોવામાં જે પ્રકારે રાજકારણ થઈ રહ્યું છે તે સહન થાય તેવુ નથી. ફડણવીસ એવું માને છે કે, ચૂંટણી જીતવાની યોગ્યતા જ એક માત્ર ધારાધોરણ ટિકિટ મેળવવા માટે છે.શું કોઈનુ કેરેકટર મહત્વ નથી રાખતું. તમે એક એવા વ્યક્તિને ટિકિટ આપવા જઈ રહ્યા છો જેમનો પોતાનો ગુનાઈત ભૂતકાળ છે.
જો ભાજપ હાલના ધારાસભ્ય અતાનાસિયો મોનસેરેટને પાર્ટીની ટિકિટ આપશે તો હું ચૂપ નહી રહું. તો ઉત્તરાખંડમાં પણ કોંગ્રેસમાં આવુ જ જોવા મળી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હરિશ રાવતે બુધવારે રાજ્યમાં 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષમાં મતભેદોનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. તેમણે સંખ્યાબંધ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પક્ષના સંગઠને મને પીઠ બતાવી છે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીરૂપી દરિયામાં મગરો છૂટા મૂકવામાં આવ્યા છે અને તેમાં મારે તરવાનું છે. રાવતે રાજકીય સંન્યાસ લેવાનો પણ સંકેત આપ્યો હતો.
જોકે કોંગ્રેસના સૂત્રે જણાવ્યું હતું કે ટિકિટોના વહેંચણીમાં વધુ ભાગ ભજવવા અને પોતાને મુખ્યપ્રધાનના ઉમેદવાર બનાવવાની આ દબાણ પ્રયુક્તિ હોવાની શક્યતા છે. પાર્ટીના ઉત્તરાખંડના પ્રભારી દેવેન્દ્ર યાદવ તેમની સાથે વાતચીત કરશે. એક ટ્વીટમાં રાવતે જણાવ્યું હતું કે “અમારે ચૂંટણીના દરિયામાં તરવાનું છે અને મોટાભાગની જગ્યાએ સહકાર માટેનું સંગઠન માળખુ સહકાર આપવાની જગ્યાએ પોતાની પીઠ બતાવી રહ્યું છે અથવા નકારાત્મક ભૂમિકા ભજવે છે, શું આ વિચિત્ર નથી? ”કોંગ્રેસ નેતાગીરીનો દેખિતો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે જે લોકો સૂચનાનું પાલન કરે તેવી અપેક્ષા છે તેવા લોકોએ મારા હાથ અને પગ બાંધી દીધા છે.
તેઓ દ્વિધામાં છે અને આશા છે કે નવું વર્ષ તેમને રસ્તો બતાવશે. આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે ઉત્તરાખંડમાં કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની પાંચ દિવસની મુલાકાત પૂરી થયા બાદ રાવતે આ ટીપ્પણી કરી છે. રાવતના એક સલાહકારે જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ચૂંટણીસભામાંથી રાવતના પોસ્ટર્સ દૂર કરવામાં આવ્યા હતાં. ખરેખર તો દરેક નેતા ચોક્કસ વિચારધારાને વરેલા હોય છે અને તેના આધારે પસંદગી થતી હોય છે પરંતુ કમનસીબી એ છે કે, જ્યારે ટિકિટની વહેંચણીની વાત આવે છે કે, ત્યારે આવી કોઇ વિચારધારા કામ આવતી નથી અને ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી રાજ્યકક્ષાની પાર્ટી દરેક ઠેકાણે બળવો જોવા મળે છે.