પલસાણા: સુરત જિલ્લા એલસીબી (LCB) અને એસઓજી (SOG)ની ટીમે નર્મદાના ડેડિયાપાડામાં (Dediapada) હીરાના (Diamonds) કારખાનામાંથી 67 લાખના હીરા ચોરી કરનાર ગેંગના બે આરોપીને ઝડપી લીધા હતા. પોલીસે (Police)તેમની પાસેથી હીરા, રોકડ અને અન્ય સામાન મળી કુલ 32.41 લાખથી વધુનો સામાન કબજે કર્યો હતો.સુરત જિલ્લા LCB અને SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની કારમાં કેટલાક ઇસમો ચોરીનો મુદ્દામાલ વેચવા જનાર છે. તેઓ કામરેજથી કડોદરા તરફ નેશનલ હાઇવે નં.48 પરથી પસાર થનાર છે.
ડેડિયાપાડા પોલીસમથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી
પોલીસે બાતમીના આધારે પોલીસે કોસમાડી પાટિયા પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કાર આવતાં તેને રોકી તલાસી લીધી હતી. કારચાલક અરજણ નાથુ ચૌહાણના નામથી ઇ-ગુજકોપ એપ્લિકેશનમાં તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતાં તેમના વિરુદ્ધ ઘરફોડ ચોરી તથા નાર્કોટિક્સ એક્ટ મુજબના ગુના નોંધાયેલા હોવાની હકીકત સામે આવી હતી. જ્યારે બાજુમાં બેસેલો ધનજી ઢોલરિયા પણ ઘરફોડ ચોરીમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. ગાડીમાં તપાસ કરતાં અંદરથી એક બેગ મળી આવી હતી, જેમાં હીરા તથા રોકડા રૂપિયા અને ઘરફોડ ચોરી માટેનાં ઇલેક્ટ્રિક મશીનો તેમજ અન્ય સાધન સામગ્રી મળી આવી હતી.
- 32.41 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત
- આરોપીઓએ ચોરેલા કેટલાક હીરા મુંબઈમાં વેચી દીધા હતા
રક્ષાબંધનની આગલી રાત્રિએ હીરાના કારખાનામાં તિજોરી કાપી હતી
પોલીસે પૂછપરછ કરતાં બંને આરોપીએ તેના મિત્ર પરેશ હીરા મંગલપરા સાથે મળી નર્મદાના ડેડિયાપાડા ખાતે રક્ષાબંધનની આગલી રાત્રિએ એક હીરાના કારખાનામાં પ્રવેશ કરી તિજોરી કાપી તેમાંથી હીરા અને રોકડા રૂપિયાની ચોરીની કબૂલાત કરી હતી. જે અંગે ડેડિયાપાડા પોલીસમથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. પોલીસે બંનેની અટક કરી પરેશ મુંગલપરાને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે તેમની પાસેથી 8795 નંગ હીરા કિંમત રૂ.25,82,105 રૂપિયા, રોકડા રૂ.5.90 લાખ, મોબાઇલ ફોન એક રૂ.500, એક કાર કિંમત રૂ.50 હજાર, ડ્રીલ મશીન તેમજ અન્ય સામગ્રી મળી કુલ 32,41,355 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓએ ચોરેલા કેટલાક હીરા મુંબઈમાં વેચી દીધા હોવાનું પણ સ્વીકાર્યું હતું. ડ્રીલ મશીન તેમજ અન્ય સામગ્રી મળી કુલ 32,41,355 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓએ ચોરેલા કેટલાક હીરા મુંબઈમાં વેચી દીધા હોવાનું પણ સ્વીકાર્યું હતું.