બારડોલી : સુરત જિલ્લા એલ.સી.બી.એ (LCB) બારડોલી (Bardoli) ગ્રામ્ય પોલીસ (Police) મથક વિસ્તારમાંથી પકડેલા વિદેશી દારૂના કેસમાં છેલ્લા સાત મહિનાથી વોન્ટેડ આરોપી જીતુ રાઠોડ ઉર્ફે જીતુ પલસોદની બારડોલી ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી હતી. જીતુ રાઠોડ બારડોલી તાલુકા ભાજપ (BJP) આદિજાતિ (Tribe) મોરચાનો પ્રમુખ (President) હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે બારડોલી તાલુકા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.23મી એપ્રિલ-2022ના રોજ સુરત જિલ્લા LCBની ટીમે બારડોલી તાલુકાનાં પલસોદ ગામની સીમમાંથી પસાર થતી નહેરના માર્ગ પરથી દારૂ ભરેલી કાર ઝડપી હતી.
પોલીસે આ તમામની તબક્કાવાર ધરપકડ કરી
કડોદથી પલસોદ થઈ સાકરી ગામે બુટલેગરોને દારૂ સપ્લાય કરવા જઇ રહેલી આ કાર સાથે જિલ્લા એલ.સી.બી.ની ટીમે નિરંજન ઉર્ફે ટીનકો નટુ ગામીત, સરોજ સંતોષ ચૌધરી , દિવ્યેશ ઉર્ફે દેવો પરમાર , બાજીપુરાના બુટલેગર બીપીન રાઠોડ, મનોજ ચૌધરી, મોટી ભટલાવનો બુટલેગર ઉષા હરસિંગ ચૌધરી, ખોજનો વિજય શૈલેષ રાઠોડ અને પલસોદનો બારડોલી તાલુકા ભાજપ આદિજાતિ મોરચાનો પ્રમુખ જીતુ રાઠોડ ઉર્ફે જીતુ પલસોદ દારૂના ગુનામાં સંડોવાયેલા હોવાથી પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ તમામની તબક્કાવાર ધરપકડ કરી હતી.
જિલ્લા ભાજપમાં અજિત પટેલના અશ્લીલ વિડીયો વાયરલ થવાના પ્રકરણ બાદ વધુ એક વિવાદ
પરંતુ જીતુ રાઠોડની છેલ્લા સાત મહિનાથી પોલીસ ચોપડે વોન્ટેડ હોવા છતાં ધરપકડ કરવામાં આવી ન હતી. દરમિયાન ચૂંટણી નજીક આવતા જ પોલીસે વોન્ટેડ આરોપી જીતુને પલસોદથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરતાં સુરત જિલ્લા ભાજપમાં અજિત પટેલના અશ્લીલ વિડીયો વાયરલ થવાના પ્રકરણ બાદ વધુ એક વિવાદ સામે આવતાં વખત ખળભળાટ મચી ગયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ બારડોલી તાલુકા પંચાયતનાં સભ્ય શકુંતલા રાઠોડને પણ દારૂ વેચવાના પ્રકરણમાં સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. ફરી એક વખત ભાજપ નેતાએ પક્ષની છબી ખરડાય તેવું કામ કરતાં મોવડીમંડળ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
તહેવારોમાં ગુનાખોરી ડામવા ભરૂચ જિલ્લા પોલીસનું કોમ્બિંગ
અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ હેતુસર ફરી ગત તા.૧૨/૧૦/૨૦૨૨ ના રોજ ગંભીર પ્રકારના બનાવ બનતા અટકાવવા તથા પ્રજાની શાંતિ અને સલામતી હેતુસર અંકલેશ્વર શહેર પો.સ્ટે.વિસ્તારના ગડખોલમાં આવેલા મહેન્દ્રનગર-૧, મહેન્દ્રનગર-૨, નીરવકુંજ સોસાયટી, પુષ્પવાટિકા, ચંડાલ ચોકડી વિસ્તાર તથા અન્ય બીજી અલગ અલગ ૩૫ સોસાયટીમાં કોમ્બિંગનું આયોજન કરાયું હતું. જેમાં એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફ્લો, ટ્રાફિક, ક્યુ.આર.ટી., અંકલેશ્વર શહેર પો.સ્ટે. અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. અંકલેશ્વર રૂરલ, ઝઘડિયા પો.સ્ટે., હાંસોટ પો.સ્ટે. મળી કુલ ૧૦ ટીમ જેમા પોલીસ ઇન્સ્પેક્ટર-૯, પોલીસ સબ ઇન્સ્પેક્ટર-૧૧ તથા ૧૧૪ પોલીસ જવાન દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.