વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેશનલ હાઇવે નંબર 48 પરથી વિદેશી દારૂના જથ્થાથી ભરેલું ટેન્કર ઝડપી પાડી એક ઈસમની ધરપકડ કરી છે.
31મી ડિસેમ્બરના રોજ યુવાધન દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે તો બીજી તરફ દારૂના શોખીનો આ દિવસે દારૂની પાર્ટી કરતા હોય છે. ત્યારે બુટલેગરો આવા દારૂના શોખીનોને વિદેશી દારૂ પીરસવા માટે વિવિધ પેતરા અજમાવીને રાજ્યભરમાં દારૂની હેરાફેરી કરતા હોય છે. જો કે આ વખતે પોલીસ એક્શનમાં જોવા મળી હતી. થોડા દિવસ પહેલા પણ એલસીબીની ટીમમાં મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેવામાં ફરી એક વખત એલસીબીની ટીમે 68 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
નેશનલ હાઇવે નંબર 48 પરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને એક ટેન્કર ભરૂચ તરફથી વડોદરા તરફ જઈ રહ્યું હોવાની ચોક્કસ માહિતીને આધારે પોલીસે ભરથાણા ટોલટેક્સ પાસે વોચ ગોઠવી બાતમી વાળું ટેન્કર આવતા જ તેને કોર્ડન કરી તેમાં એક ઇસમ મળી આવ્યો હતો. પોલીસે આ ટેન્કરમાં તલાસી લેતા વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 812 નંગ પેટી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી ટેન્કર ચાલકની અટકાયત કરી 68,51,400 રૂપિયાનો કુલ મુદ્દામાલ કબજે કરી આ દારૂ કોણે ભરી આપ્યો હતો અને કોને આપવાનો હતો, તે મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.