અમદાવાદ: રાજ્યના વકીલોની પ્રતિષ્ઠિત સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં જાણીતા ધારાશાસ્ત્રી જે. જે. પટેલએ ઐતિહાસિક વિજય મેળવી સમગ્ર વકીલ આલમમાં ચર્ચા જગાવી છે. ચૂંટણીના પરિણામ જાહેર થતાં રાજ્યભરના વકીલોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણીના પરિણામમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે જે.જે. પટેલને પ્રથમ પસંદગીના ૧૯૨૯થી વધુ મત મળ્યા છે, જે સંસ્થાના ૧૯૬૧થી અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટો મત રેકોર્ડ ગણાઈ રહ્યો છે. તેમણે પ્રચંડ બહુમતી સાથે ક્વોટા પાર કરીને ઐતિહાસિક જીત નોંધાવી છે.
છેલ્લા લગભગ પચીસ વર્ષથી જે.જે. પટેલ વકીલોની સમસ્યાઓ અને હિતો માટે સતત કાર્યરત રહ્યા છે. કાયદાકીય ક્ષેત્રમાં એવું માનવામાં આવે છે કે વકીલોના મત મેળવવું ખૂબ મુશ્કેલ કાર્ય હોય છે, છતાં પોતાના મજબૂત નેતૃત્વ, સાલસ સ્વભાવ અને દરેક વકીલ માટે સતત ઉપલબ્ધ રહેવાની કાર્યપદ્ધતિથી તેમણે સમગ્ર રાજ્યના વકીલોનો વિશ્વાસ જીત્યો છે.
ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ જે.જે. પટેલેએ તમામ વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ જીત તેમના સેવાકાર્ય પર વકીલ સમુદાયે મુકેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે આગલા સમયમાં પણ વકીલોના કલ્યાણ, અધિકારો અને સંસ્થાની પ્રતિષ્ઠા માટે તેઓ પ્રતિબદ્ધ રહી કાર્ય કરતા રહેશે. ચૂંટણી પરિણામ જાહેર થતા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વકીલ સમુદાયમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ઘણા વકીલોએ આ જીતને કાયદાકીય ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી છે.